જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- મારા પર વ્યક્તિગત હુમલા થયા
India-Canada Tension: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર રાજદ્વારી તણાવ વધી ગયો છે. આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક પત્રકાર પરિષદમાં ફરી એકવાર ભારત પર ગંભીર આરોપ લગાવ્યા હતી.
જસ્ટિન ટ્રુડોના ભારત પર ગંભીર આરોપ
જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં ભારત પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.અમે કોઈપણ કેનેડિયન નાગરિકને ધમકાવવા અથવા મારી નાખવામાં કોઈપણ દેશની સંડોવણીને સહન કરીશું નહીં. આ કેનેડાની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.'
આ પણ વાંચો: ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય અદ્ધરતાલ, હિન્દુઓ ખતરામાં: ભારત-કેનેડા તણાવના કારણે થઈ શકે છે આવી અસર
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, 'કેનેડા કાયદામાં વિશ્વાસ રાખતો દેશ છે અને અમારા નાગરિકોની સુરક્ષા અમારા માટે સર્વોચ્ચ મહત્ત્વ છે. કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટો સીધા સામેલ હતા. અમે આના પર તાત્કાલિક પગલાં લીધાં.'
'મેં પીએમ મોદી સાથે વાત કરી'
જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરી. પરંતુ ગયા વર્ષે હાઉસ ઓફ કોમન્સમાં મારા નિવેદન બાદથી આ સમગ્ર મામલામાં ભારત સરકારનો પ્રતિભાવ તેને નકારવાનો અને નકારવાનો રહ્યો છે. મારા પર અંગત રીતે પણ હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, કેનેડાની સરકાર, અધિકારીઓ અને અમારી એજન્સીઓ સામે પણ સવાલો ઊઠાવવામાં આવ્યા છે.'
રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) પાસે નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોની સંડોવણીના પુરાવા અંગે જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે,' રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) કમિશનરે અગાઉ કહ્યું હતું કે તેમની પાસે મજબૂત પુરાવા છે કે ભારત સરકારના એજન્ટો આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. આ જાહેર સલામતી માટે ખતરો છે. આમાં ગુપ્ત માહિતી એકત્ર કરવાની તકનીકો, દક્ષિણ એશિયાના કેનેડિયન નાગરિકોને નિશાન બનાવવા અને હત્યા સહિત ધાકધમકી અને હિંસક કૃત્યોના ડઝનથી વધુ કેસોમાં સંડોવણીનો સમાવેશ થાય છે.'
ટ્રુડોએ ભારત-કેનેડાના સંબંધો પર શું કહ્યું?
ભારત અને કેનેડા વચ્ચે પરસ્પર સંબંધો પર જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું કે,'કેનેડા અને ભારત પરસ્પર સંબંધો અને વેપારનો લાંબો ઇતિહાસ ધરાવે છે. પરંતુ અત્યારે જે થઈ રહ્યું છે તે આપણે સહન કરી શકતા નથી. અમે ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરીએ છીએ. આ ઉપરાંત અમે આશા રાખીએ છીએ કે ભારત પણ અમારા માટે આવું જ કરે.'
18મી જૂન 2023ના રોજ થઈ હતી નિજ્જરની હત્યા
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કર્યો હતો. 18 જૂન, 2023ના રોજ, બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવી દીધા હતા. પરંતુ અહીંથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડવાની શરૂઆત થઈ હતી.