શું કેનેડા બાદ અમેરિકા ભારતના રાજદ્વારીઓ પર લેશે એક્શન? વિદેશ મંત્રાલયે કરી ચોખવટ
Image Source: Twitter
India-US Relations: ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધતો જઈ રહ્યો છે. કેનેડિયન હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા બાદ અને ભારતે પોતાના અધિકારીઓને પરત બોલાવ્યા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે. હવે આ વચ્ચે અનેક મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે અમેરિકા પણ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવા જઈ રહ્યું છે.
અમેરિકન વિદેશ મંત્રાલયે આ દાવાનું ખંડન કર્યું છે કે, ભારત અને કેનેડા વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે વોશિંગ્ટન ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢવા પર વિચારી રહ્યું છે. મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે ચોખવટ કરતા કહ્યું કે, મને આવા કોઈ પણ રિપોર્ટની જાણકારી નથી.
આ પણ વાંચો: 'કેનેડામાં ગુનાઈત ષડયંત્ર પાછળ મોદીના 'ખાસ'નો હાથ...', ટ્રુડો સરકારના નવા દાવાથી ખળભળાટ
આવા કોઈ પણ રિપોર્ટની જાણકારી નથી: અમેરિકા
મેથ્યુ મિલરે કહ્યું કે, 'હું એવા અહેવાલોથી પરિચિત નથી કે અમે ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે... મને કોઈ પણ હકાલપટ્ટીની જાણ નથી.' આ મહિનાની શરૂઆતમાં કેનેડાની સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય રાજદ્વારીને 'પર્સન ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કર્યા બાદ ભારતે કેનેડામાંથી છ રાજદ્વારીઓને પાછા બોલાવી લીધા હતા.
વિકાસ યાદવના પ્રત્યાર્પણ પર ન્યાય વિભાગ નિર્ણય લેશે
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભૂમિકા ધરાવતા ભારત સરકારના પૂર્વ કર્મચારી વિકાસ યાદવના કેસ પર પણ અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે. જ્યારે યાદવના સંભવિત પ્રત્યાર્પણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મિલરે કહ્યું કે, 'પ્રત્યાર્પણનો મામલો યુએસ ન્યાય વિભાગના વિશેષાધિકાર હેઠળ આવે છે. અમેરિકા આ મુદ્દે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે.'
આ પણ વાંચો: કેનેડાની સંસદમાં વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો ભાગ નહીં લે, હિન્દુઓમાં આક્રોશ