ટ્રુડોના ખાલિસ્તાન પ્રેમના કારણે કેનેડાને 70 કરોડ ડોલરનો ફટકો વાગી શકે છે

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
ટ્રુડોના ખાલિસ્તાન પ્રેમના કારણે કેનેડાને 70 કરોડ ડોલરનો ફટકો વાગી શકે છે 1 - image

image : Socialmedia

નવી દિલ્હી,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર

ખાલિસ્તાનીઓ પ્રત્યેના પ્રેમના કારણે ભારતમાં અળખામણા બની ગયેલા જસ્ટિન ટ્રુડોના કારણે કેનેડાને કરોડો રુપિયાનુ નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ મુકીને ટ્રુડોએ ભારત અને કેનેડાના સબંધોને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. હવે ભારત પણ કેનેડાની સામે આક્રમક થઈ ચુકયુ છે.બીજી તરફ ભારતમાંથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ચિંતાનો માહોલ છે.

એક ઈન્સ્ટિટ્યુટના તારણ પ્રમાણે બંને દેશો વચ્ચેના તણાવના કારણે જો ભારતથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પાંચ ટકાનો પણ ઘટાડો થાય તો કેનેડાની ઈકોનોમીને 70 કરોડ ડોલરનો ફટકો વાગી શકે છે.

કેનેડામાં ભણવા જતા વિદ્યાર્થીઓમાં મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની છે. ભારતમાંથી દર વર્ષે બે લાખ વિદ્યાર્થીઓ કેનેડા જતા હોય છે. 2022માં પણ 2.25 લાખ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડાએ વિઝા આપ્યા હતા.

ઈન્સ્ટિટ્યુટના કહેવા પ્રમાણે ભારતના વિદ્યાર્થીઓ જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર એમ ત્રણ બેચમાં કેનેડા જતા હોય છે. જાન્યુઆરીમાં કેનેડા જતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 65000ની આસપાસ હોય છે. કેનેડા અને ભારત વચ્ચેના વિવાદના કારણે  વિદ્યાર્થીઓમાં ડર છે અને કેનેડાને અભ્યાસ માટે પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી શકે છે.

આ સ્ટડી પ્રમાણે કેનેડામાં દરેક ભારતીય વિદ્યાર્થી 16000 ડોલર ખર્ચ કરે છે. બે વર્ષના સ્ટડી અને રહેવાનો કુલ ખર્ચ 53000 ડોલર થાય છે. બે વર્ષમાં એક ભારતીય વિદ્યાર્થી કેનેડાની ઈકોનોમીમાં 69000 ડોલરનો ઉમેરો કરે છે.

જો જાન્યુઆરીમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પાંચ ટકાનો પણ ઘટાડો થયો અને એ પછી બીજી બે બેચમાં જનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી તો કેનેડાને 70 કરોડ ડોલરનુ નુકસાન થશે.


Google NewsGoogle News