પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
પૂરાવા વગર જ ભારતને દોષી જાહેર કરી દેવાયુ, કેનેડાનો આવો કાયદો છે? ભારતના હાઈકમિશનરે રોકડુ પરખાવ્યુ 1 - image

ઓટાવા,તા.25 નવેમ્બર 2023,શનિવાર

કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં એન્કરને જડબાતોડ જવાબ આપ્યો હતો.

સંજય કુમાર વર્માએ કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકી હરદીપ નિજ્જરની હત્યાના કેસમાં સહકાર આપવા માટે ભારતે ક્યારેય ઈનકાર કર્યો નથી. ભારતે સતત કહ્યુ છે કે, કોઈ નક્કર પૂરાવા અમને આપવામાં આવે તો અમે તેના પર ધ્યાન આપીશું પણ પૂરાવા વગર જ કેનેડાની સરકારે ભારતને દોષી જાહેર કરી દીધુ છે. આ બાબત કોઈ પણ દેશ માટે યોગ્ય નથી. શું કેનેડામાં આ જ પ્રમાણેના કાયદા છે?

ચેનલની એન્કરે સવાલ કર્યો હતો કે, ભારતનો જો હત્યામાં હાથ નથી તો તે તપાસમાંથી પાછળ કેમ હટી રહ્યુ છે ત્યારે સંજય કુમારે કહ્યુ હતુ કે, ભારતે ક્યારેય પીછેહઠ નથી કરી. કેનેડાએ વગર પૂરાવાએ જ ભારતને ગુનેગાર ઠેરવી દીધુ છે. કેનેડામાં આ જ રીતે કાયદાનુ શાસન ચાલે છે જેમાં કોઈ જાતની તપાસ વગર કોઈને પણ દોષી જાહેર કરી દેવામાં આવે....તપાસમાં સહયોગ આપવા માટે ઈનકાર નથી પણ તમે કોઈને પહેલેથી જ કસૂરવાર માનીને તેની પાસેથી સહકાર માંગો તો સ્થિતિ મુશ્કેલ બની જતી હોય છે. આમ છતા ભારત કહી રહ્યુ છે કે, અમારી સામે કોઈ નક્કર માહિતી મુકવામાં આવશે તો અમે તેના પર કાર્યવાહી કરીશું.

ભારતના હાઈકમિશન સંજય કુમાર વર્મા પહેલા પણ કેનેડાની સરકારને કહી ચુકયા છે કે, નિજ્જરની હત્યામાં ભારત સામે કોઈ પૂરાવા કે તપાસનો અહેવાલ નથી. આમ છતા નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ છે તેવુ નિવેદન આપી દેવામાં આવ્યુ છે.


Google NewsGoogle News