ભારત સાથેના બગડેલા સંબંધો માટે માત્ર ટ્રુડો જ જવાબદાર ! કેનેડામાં થયેલા સર્વેમાં પોલ ખોલી
India Canada Relations : ભારત અને કેનેડા વચ્ચે પાછલા કેટલાક સમયથી તણાવ વધ્યો છે. આ અંગે તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં દાવો કરાયો છે કે 40 ટકા કેનેડિયન નાગરિકોનું માનવું છે કે, જસ્ટિન ટ્રુડોની સરકારે ભારત સાથે સંબંધો સાચવવામાં યોગ્ય રસ દાખવ્યો નહોતો. આ સર્વે કેનેડાની એક પ્રખ્યાત સંસ્થા ARIAPFC (એન્ગસ રેઇડ ઇન્સ્ટિટ્યુટ એન્ડ એશિયા-પેસિફિક ફાઉન્ડેશન ઓફ કેનેડા) એ કર્યું હતું.
કેનેડાના નાગરિકોમાં રોષ
હકિકતમાં, ભારત અને કેનેડાની વચ્ચે બગડતા સંબંધોને લઇને કેનેડાના નાગરિકોમાં જસ્ટિન ટ્રુડો વિરૂદ્ધ રોષની લાગણી ફેલાઇ છે. સર્વે મુજબ, 40 ટકા કેનેડાના લોકોને લાગે છે કે ભારત સાથેના વિવાદમાં ટ્રુડોના વિરોધમાં છે. જ્યારે આનાથી ઉલટ 32 ટકા લોકોના મતે ટ્રુડો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ કોઇ પરિણામ મળી રહ્યા નથી.
ભારત-કેનેડા દ્વિપક્ષીય સંબંધો
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જ્યારે કેનેડિયન સંસદમાં આરોપ લગાવ્યો કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટ સામેલ હતા, ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડ્યા છે. જોકે, ભારતે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા. આ ઉપરાંત ભારતે તેના હાઈ કમિશનરને કેનેડામાંથી પાછા બોલાવીને કેનેડાના છ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.
ગૃહ મંત્રી પર પણ સંડોવણીનો આરોપ
ગયા મહિને, એક કેનેડિયન અધિકારીએ આરોપ મૂક્યો હતો કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કેનેડાની અંદર ખાલિસ્તાનીઓને નિશાન બનાવીને હિંસા અને ગુપ્ત માહિતી એકત્ર કરવાના અભિયાનનો આદેશ આપ્યો હતો. જોકે, વિદેશ મંત્રાલયે કેનેડાના આરોપની નિંદા કરી, તેને 'વાહિયાત અને પાયાવિહોણા' ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાના રાજદ્વારીને પત્ર સોંપીને વિરોધ પણ કર્યો હતો તેમજ ચેતવણી આપી હતી કે, 'આવી બેજવાબદાર કાર્યવાહીના દ્વિપક્ષીય સંબંધો પર ગંભીર પરિણામો આવશે.'
આ પણ વાંચોઃ ટ્રમ્પે પૈસા ખર્ચી સ્પેસવૉક કરનારા અબજપતિ બિઝનેસમેનને NASAના પ્રમુખ બનાવતાં વિવાદ