ભારત-કેનેડાએ એકબીજાના રાજદૂતોની હકાલપટ્ટી કરી

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ભારત-કેનેડાએ એકબીજાના રાજદૂતોની હકાલપટ્ટી કરી 1 - image


- ભારતે ખાલિસ્તાની નિજ્જરની હત્યા કરાવી : કેનેડાની સંસદમાં પીએમ ટ્રુડોના નિવેદનથી ભારે હોબાળો

- કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો પર ખાલિસ્તાનીઓ - ભારતના દુશ્મનોને કેનેડામાં આશરો આપવાનો ભારતનો આક્ષેપ

- ટ્રુડોએ ભારતના રાજદૂતને રૉના એજન્ટ ગણાવી નામ જાહેર કર્યું, અમેરિકન પ્રમુખ સમક્ષ પણ મુદ્દો ઉઠાવ્યો

- કેનેડામાં હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત ગૂના સહિત અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અપાય છે ઃ ભારત

ઓટ્ટાવા/નવી દિલ્હી: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો દાવો કરતાં ભારે હોબાળો સર્જાયો છે. એટલું જ નહીં કેનેડાએ એક પગલું આગળ વધીને ભારતના ટોચના રાજદૂતને દેશ છોડવા આદેશ આપી દીધો છે. આ આક્ષેપો સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે હોબાળો મચી ગયો છે. જોકે, ભારતે ટ્રુડોના આક્ષેપોને ફગાવી દીધા હતા અને કેનેડાને વળતો જવાબ આપતાં ભારત ખાતેના ટોચના કેનેડિયન રાજદૂતની હકાલપટ્ટી કરી દીધી છે. આ ઘટનાના પગલે મહત્વના પશ્ચિમી ભાગીદાર દેશ સાથે ભારતના સંબંધો એકદમ તળીયે પહોંચી ગયા છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં મંગળવારે જણાવ્યું હતું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકારની સંભવિત સંડોવણીના વિશ્વસનીય આરોપોની સક્રિય તપાસ કરી રહી છે. અમારા નાગરિકોની સુરક્ષા અમારી સંપ્રભુતાની રક્ષા મૌલિક છે. હરદીપસિંહ નિજ્જરની હત્યાના દોષિતોને ન્યાયના કઠેડામાં ઊભા કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી પગલાં લેવાશે.  કેનેડાના આક્ષેપો પછી ભારતે વળતા પ્રવાહ રૂપે કેનેડાનાં ભારત સ્થિત હાઈકમિશનના રાજદ્વારી ઓલિવિયર સિલ્વેસ્ટરને પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે આદેશ આપી દીધો છે.જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડાએ ભારત સરકારના ટોચના અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ગયા સપ્તાહે મેં જી-૨૦માં વ્યક્તિગતરૂપે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈપણ કેનેડિયન નાગરિકની અમારી જ ધરતી પર હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી અમારી સંપ્રભુતાનો ભંગ છે.કેનેડાના વડાપ્રધાન ટ્રુ આટલેથી જ રોકાયા નહોતા. તેમના આ નિવેદન પછી કેનેડાએ ભારતના ટોચના રાજદૂત પવન કુમાર રાયને દેશમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો હતો. ટ્રુડોએ પવન કુમાર રાયને ભારતની ગુપ્તચર સંસ્થા રૉના એજન્ટ ગણાવ્યા હતા. વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે, ટ્રુડોની વાત સાચી સાબિત થાય તો તે અમારી સંપ્રભુતા અને એકબીજા સાથેના સંબંધોના પાયાના નિયમોનો ભંગ ગણાશે. તેથી અમે ભારતના ટોચના ડિપ્લોમેટને કાઢી મૂક્યા છે. પીએમ ટ્રુડો આ બાબત અમેરિકન પ્રમુખ બાઈડેન સમક્ષ પણ ઉઠાવી ચૂક્યા છે. હરદીપ નિજ્જરની ૧૮ જૂને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 

બીજીબાજુ ભારતનાં વિદેશ મંત્રાલયે કેનેડાના હાઈકમશ્નર કેમરૂન મેક્કેઇને આજે સમન પાઠવી કેનેડીયન હાઈકમિશનના વરિષ્ઠ અધિકારી ઓલિવિયર સિલ્વેસ્ટરને પાંચ દીવસમાં ભારત છોડી દેવા આદેશ આપ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત-વિરોધી ગતિવિધિઓમાં તેમની ભાગીદારી ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવાની તેમની હરકતોને લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, કેનેડામાં થયેલી હિંસામાં ભારત સરકારની સંડોવણીનો આરોપ તર્કહીન અને ચોક્કસ હિતોને પ્રેરિત છે. કેનેડાના વડાપ્રધાન તરફથી આવા આરોપ અમારા વડાપ્રધાન મોદી સામે પણ લગાવાયા હતા, જેને સંપૂર્ણપણે નકારી દેવાયા હતા. બીજીબાજુ ભારતે કેનેડા પર દેશના દુશ્મનો, ખાલિસ્તાની સમર્થકો અને કટ્ટરવાદીઓને આશરો આપવાનો આરોપ મૂક્યો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત પર આવા નિરાધાર નિવેદનો ખાલિસ્તાની આતંકીઓ અને કટ્ટરવાદી તત્વો તરફથી ધ્યાન ભટકાવવા માટે અપાયા છે. આવા તત્વોને કેનેડામાં આશરો અપાયો છે અને તે સતત ભારતની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતા માટે જોખમી છે. આવા કેસોમાં કેનેડા સરકાર દ્વારા લાંબા સમયથી કાર્યવાહી કરાઈ નથી, જે ચિંતાની બાબત છે. વધુમાં કેનેડામાં હત્યા, માનવ તસ્કરી અને સંગઠિત ગૂના સહિત અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓની હવે નવાઈ નથી રહી. અમે આવી કોઈપણ ઘટના સાથે ભારતની સંડોવણીના પ્રયત્નો નકારી કાઢીએ છીએ.


Google NewsGoogle News