ભારત-કેનેડા વિવાદથી બંને દેશોને નુકસાન થશે કેનેડાને વ્યાપારમાં, ભારતને પ્રતિષ્ઠા અંગે નુકસાન થશે

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
ભારત-કેનેડા વિવાદથી બંને દેશોને નુકસાન થશે કેનેડાને વ્યાપારમાં, ભારતને પ્રતિષ્ઠા અંગે નુકસાન થશે 1 - image


- આંતરરાષ્ટ્રીય સંબંધોના તજજ્ઞાોનું મંતવ્ય

- નિજ્જરની હત્યા અંગે કેનેડાએ ભારતની સંડોવણીના આક્ષેપો મૂક્યા : ભારતે એ આક્ષેપોને સ્પષ્ટ રદિયો આપ્યો

- ''ભારતની પ્રગતિથી ટ્રુડો ઈર્ષાથી બળી મર્યા છે''

વોશિંગ્ટન : અલગતાવાદી શીખ નેતાની હત્યા અંગે ભારત ઉપર મુકેલા પાયા વિહોણા આક્ષેપોને ભારતે સ્પષ્ટ રદિયો આપ્યો છે. બીજી તરફ કેનેડાએ ઘણા મોડા-મોડા પુરાવા રજૂ કર્યા છે. આ સાથે બંને દેશો વચ્ચેનો વિવાદ વધુ ને વધુ વકરતો જાય છે. બંને દેશોએ એકબીજાના રાજદ્વારી અધિકારીઓને અનિચ્છનીય વ્યક્તિ જાહેર કરી દેશ છોડી દેવા કહ્યું છે. એવું લાગે છે કે આ વિવાદનો કોઈ ઉકેલ તત્કાળ તો મળી શકે તેમ નથી. પરંતુ તેથી બંને દેશોને નુકસાન જ થઈ રહ્યું છે.

આ વિવાદનું મૂળ અલગતાવાદી શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની બ્રિટિશ કોલંબિયામાં ૧૮મી જૂને થયેલી હત્યામાં છે તે હત્યામાં ભારતની સંડોવણી હોવાનો કેનેડાના વડાપ્રધાને આક્ષેપ મુક્યો છે તે સામે ભારતે પુરાવા માંગતા આશરે ત્રણ મહિના પછી કેનેડાએ પુરાવા રજૂ કર્યા છે.

આ અંગે વિલ્સન ઈન્સ્ટીટયુટે શુક્રવારે કેનેડા ઈન્સ્ટીટયુટના એસોસિએટ પ્રોફેસર ઝેવિયર ડેલગાડોને ટાંકતાં જણાવ્યું છે કે, 'આ વિવાદથી સૌથી પહેલાં વ્યાપારને નુકસાન થશે અને અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ (ઈપીટીએ) અત્યારે સ્થગિત થઈ ગયો હોવાથી વ્યાપાર-વાણિજ્યને વધુ નુકસાન થવાનું છે.' કેનેડાના વ્યાપારમંત્રી મેરી નેગે ઓક્ટોબરમાં યોજાનારી તેમની દિલ્હી મુલાકાત અચોક્કસ મુદત માટે મુલતવી રાખી છે.

આંતરરાષ્ટ્રીય સંબંધોના તજજ્ઞાો વધુમાં કહે છે કે, ઉક્ત મંત્રણાઓ કેનેડાની ઈન્ડો-પેસિફિક રણનીતિના મહત્વના ભાગરૂપે હતી. જેથી ઈપીટીએ વ્યાપક કોમ્પ્રીહેન્સીવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઈપીએ)માં જોડાવા માટેનું મહત્વનું પગલું બની રહે તેમ હતું.

પરંતુ ભારત સાથેના સંબંધોમાં 'ઠંડી પ્રવર્તી' રહી હોવાથી ઈન્ડો-પેસિફિક સંસ્થાઓ જોડાવાની કેનેડાની ગતિવિધિ મંદ પડી જવાની છે. કારણ કે મોદી સરકાર જ કેનેડાનું સભ્યપદ રોકી શકે તેમ છે. ઓટાવા, ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ભારતના પ્રભાવથી બરોબર પરિચિત છે, આથી તે ભારત ઉપર આક્ષેપો કરી તેની છબી ધૂધળી કરવા માંગતું હોય તે પણ શક્ય છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય નિયમો આધારિત રહેલાં ભારતની પણ છબી તેના વલણને લીધે ધૂમિલ થઈ છે. તેમ પણ કેટલાક તજ્જ્ઞાો જણાવે છે. અન્ય વિદ્વાનો ચીન સામેની સ્પર્ધામાં ભારતની વિશ્વસનીયતા વિષે પણ પ્રશ્નો ઉઠાવે છે. જોકે તે અર્થહીન છે.

ઉલ્લેખનીય તો તે છે કે કેટલાક તજ્જ્ઞાો તેમ પણ કહે છે કે ભારતની પ્રગતિથી ટ્રુડો બળી રહ્યા છે. તેથી ભારતની છબી ધૂમિલ કરવા મનઘડંત આક્ષેપો કરે છે. તેઓ જે પુરાવા રજૂ કરે છે તે કેટલે અંશે વિશ્વસનીય છે તેમ પણ તજ્જ્ઞાો પૂછે છે. 'પુરાવા' ૩ મહિના પછી કેમ રજૂ થયાં ? તે આક્ષેપો સાથે કેમ રજૂ ન કરાયાં ?


Google NewsGoogle News