Get The App

ભારત-કેનેડાના ખટાશભર્યા સંબંધોને કારણે 70000 કરોડના વેપાર સંકટ; વિઝા-નોકરી અને સ્ટુડન્ટ્સ પર થશે આવી અસર

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
ભારત-કેનેડાના ખટાશભર્યા સંબંધોને કારણે 70000 કરોડના વેપાર સંકટ; વિઝા-નોકરી અને સ્ટુડન્ટ્સ પર થશે આવી અસર 1 - image


India Canada Diplomatic Row: ભારત અને કેનેડા વચ્ચે સતત સબંધો વણસી રહ્યા છે. વચ્ચે થોડા સમય માટે બંને દેશો વચ્ચે સ્થિરતા હતી પરંતુ ફરી એક વખત બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. વાસ્તવમાં કેનેડાએ ભારતીય રાજદ્વારીઓને હત્યામાં હાથ હોવાનો આરોપ લગાવીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. જેના જવાબમાં ભારતે પણ 6 કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા છે. આ ઘટના બાદ બંને દેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો છે. ત્યાર હવે ભારત-કેનેડાના ખટાશભર્યા સંબંધોને કારણે 70000 કરોડના વેપાર પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. 

આ તણાવને કારણે ત્યાં રહેતા ભારતીયો સહિત હજારો વિદ્યાર્થીઓ પર અસર થવાની સાથે જ બંને દેશો વચ્ચે લગભગ 70,000 કરોડ રૂપિયાના વેપારને પણ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલો જાણીએ કે એ કયા-કયા ઉત્પાદનો છે જે ભારતથી કેનેડા જાય છે અને કેનેડાથી ભારતમાં આયાત કરવામાં આવે છે. આ સાથે જ એ પણ જાણીએ કે આ તણાવની બંને દેશો પર શું અને કેટલી અસર થશે.

આ પણ વાંચો: આતંકવાદીઓને આશ્રય, ભારત વિરુદ્ધ ષડયંત્ર, જાણો કેવી રીતે કેનેડા બન્યું 'નવું પાકિસ્તાન'

ક્યાં-ક્યાં અને શું થશે તેની અસર

આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે, બંને દેશો વચ્ચેના આ ખટાશભર્યા સબંધોની અસર ક્યાં અને કેટલી થશે. આની સૌથી વધુ અસર સ્ટુડન્ટ પર પડી શકે છે. હાલમાં 60થી 70 હજાર ભારતીય વિદ્યાર્થીઓ પહેલાથી જ ડેપ્યુટેશનનો સામનો કરી રહ્યા છે. 

સૌથી વધુ અસર સ્ટુડન્ટ પર 

તમને જણાવી દઈએ કે, કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. બીજી તરફ દર વર્ષે હજારો સ્ટુડન્ટ કેનેડામાં અભ્યાસ માટે જાય છે. કેનેડા અને ભારતના ગાઢ વેપાર સંબંધો છે. સોમવારે ભારત વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સમાં ટ્રુડોએ વેપાર અને નાગરિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે ભારત સાથે ખરાબ સંબંધો નથી ઈચ્છતા. ટ્રુડોના આરોપો બાદ જો ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધશે તો તેની અસર દરેક પર પડી શકે છે.

ભારત-કેનેડા વચ્ચે 70000 કરોડનો વેપાર

વર્ષ 2022માં ભારત કેનેડાનું 10મું સૌથી મોટું વેપારી ભાગીદાર હતું. બંને દેશો વચ્ચે માલસામાનમાં દ્વિપક્ષીય વેપાર 10.50 બિલિયન અમેરિકી ડોલરનો હતો. તેમાંથી કેનેડાને 6.40 બિલિયન અમેરિકી ડોલરના માલસામાનની નિકાસ કરવામાં આવી હતી અને કેનેડાથી 4.10 અમેરીકી ડોલરની આયાત કરવામાં આવી હતી. સર્વિસ સેક્ટર જેવા નાણાકીય, આઈટી વગેરેમાં દ્વિપક્ષીય વેપારનું મૂલ્ય 8.74 બિલિયન યૂએસ ડોલર હતું. એક અહેવાલ પ્રમાણે 600થી વધુ કેનેડિયન કંપનીઓ અને સંગઠન ભારતમાં છે. 

કઈ વસ્તુનો થાય છે વેપાર

બંને દેશો વચ્ચેની આયાત અને નિકાસની વાત કરીએ તો ભારતથી કેનેડામાં રત્ન, જ્વેલરી અને કિંમતી પથ્થરો, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, રેડીમેડ કપડા, મિકેનિકલ એપ્લાયન્સિસ, ઓર્ગેનિક કેમિકલ્સ, લાઈટ એન્જિનિયરિંગ સામાન, આયર્ન અને સ્ટીલની નિકાસ થાય છે. જ્યારે ભારત કેનેડાથી કાગળ, લાકડાનો પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, આયરન સ્ક્રેપ, કોપર, મિનરલ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ખરીદે છે.

ભારતીય કંપનીઓ કેનેડામાં આપે છે નોકરી

કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના ગત વર્ષેના રિપોર્ટ પ્રમાણે કેનેડામાં 30થી વધુ ભારતીય કંપનીઓ છે અને તેમના દ્વારા દેશમાં કરાયેલા રોકાણની વાત કરીએ તો તે 40,446 કરોડ રૂપિયા છે. આ કંપનીઓ દ્વારા લગભગ 17,000થી વધુ લોકોને રોજગાર મળ્યો છે. આ કંપનીઓ દ્વારા R&D ખર્ચ પણ 700 મિલિયન કેનેડિયન ડોલર જણાવવામાં આવ્યો છે. 

સ્ટુડન્ટ પર શું થશે અસર

કેનેડામાં મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે. ભારતની વાત કરીએ તો કેનેડામાં 230,000 ભારતીય સ્ટુડન્ટ અભ્યાસ કરી રહ્યા છે. વિદેશી વિદ્યાર્થીઓ માટે કેનેડા એ સૌથી મોટું એજ્યુકેશન હબ છે. બંને દેશો વચ્ચેનો તણાવ સ્ટુડન્ટ માટે મુશ્કેલીઓ વધારી શકે છે. કેનેડામાં અભ્યાસ કરવાની યોજના બનાવી રહેલા હજારો સ્ટુડન્ટને વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. એવી પણ શક્યતા છે કે આ સમગ્ર ઘટના બાદ કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝામાં સખ્તી કરી શકે છે.


Google NewsGoogle News