આતંકવાદીઓને આશ્રય, ભારત વિરુદ્ધ ષડયંત્ર, જાણો કેવી રીતે કેનેડા બન્યું 'નવું પાકિસ્તાન'
Image Source: Twitter
India Canada Diplomatic Row: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સત્તામાં આવતા નવું પાકિસ્તાન બનાવવાનો વાયદો કર્યો હતો, પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના નેતૃત્વમાં કેનેડા ભારત માટે 'નવું પાકિસ્તાન' બની ગયું છે. તેનું કારણ પાકિસ્તાનની જેમ જ કેનેડા દ્વારા આતંકવાદીઓને આશ્રય આપવો, રાજદ્વારી વિવાદ અને બંને દેશો વચ્ચે સતત વધી રહેલો તણાવ છે. ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે એક વર્ષ પહેલાં કથળેલા સંબંધો કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના તાજેતરના આરોપોથી વધુ બગડયા છે.
ભારત-કેનેડાના સબંધોમાં તણાવ
ભારત-કેનેડાના સબંધોમાં તણાવ ત્યારે વધ્યો જ્યારે કેનેડાએ ભારત પર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. જૂન 2023માં નિજ્જરની કેનેડાના સરે શહેરમાં એક ગુરુદ્વારાના પાર્કિંગમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ કેનેડા સરકારે કોઈ પણ ઠોસ પુરાવા વિના ભારત પર ગંભીર આરોપ લગાવ્યા છે.
કેનેડાના ભારત વિરુદ્ધ નિવેદનો
ભારતે વારંવાર ઠોસ પુરાવાની માગ કરી પરંતુ કેનેડાએ પુરાવા આપવાના બદલે ભારત વિરુદ્ધ સતત નિવેદનો ચાલું રાખ્યા. તાજેતરમાં જ કેનેડાએ ભારતીય હાઈકમિશનર સંજય કુમાર વર્મા પર આરોપ લગાવ્યા હતા. તેના જવાબમાં ભારતે પોતાના દૂતને પરત બોલાવી લીધા છે અને કેનેડાના 6 રાજદ્વારીની હકાલપટ્ટી કરી દીધી છે.
કેનેડા બન્યું નવું પાકિસ્તાન
ઘણા આંતરરાષ્ટ્રીય સંબંધના નિષ્ણાતોએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના વરિષ્ઠ ફેલો સુશાંત સરીને કહ્યું કે, કેનેડા ભારત માટે નવું પાકિસ્તાન બની ગયું છે. સરીનનું આ નિવેદન એ બાબત તરફ ઈશારો કરે છે કે, જેવી રીતો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપે છે અને રાજદ્વારી વિવાદોનો હિસ્સો બને છે, તેવી જ રીતે હવે કેનેડા પણ ભારત વિરોધી તત્ત્વોને આશ્રય આપી રહ્યું છે. માઈકલ કુલમેન, અભિજીત અય્યર-મિત્રા અને અમીશ ત્રિપાઠી જેવા લોકોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે જસ્ટિન ટ્રુડોના નેતૃત્વમાં કેનેડા નવું પાકિસ્તાન બની ગયું છે. કુલમેને કહ્યું કે, હાલમાં ભારતના કેનેડા સાથેના રાજદ્વારી સબંધ પાકિસ્તાનની તુલનામાં ખરાબ છે.