Get The App

શું છે વિવાદાસ્પદ સંગઠન ‘ફાઇવ આઇઝ’, જેના ખભે બંદૂક મૂકીને કેનેડા ભારતને ટાર્ગેટ કરવાની ચાલ કરી રહ્યું છે

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
શું છે વિવાદાસ્પદ સંગઠન ‘ફાઇવ આઇઝ’, જેના ખભે બંદૂક મૂકીને કેનેડા ભારતને ટાર્ગેટ કરવાની ચાલ કરી રહ્યું છે 1 - image

India-Canada Conflict : તાજેતરમાં ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ સર્જાયો છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય રાજદ્વારીઓની સંડોવણી હોવાના આરોપ કેનેડાએ લગાવતા બંને દેશ વચ્ચેના સંબંધમાં ખટાશ આવી છે. આ જ સંદર્ભમાં હાલમાં એક ઘટના ઘટી. પત્રકારો સાથે વાત કરતી વખતે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો બોલી પડ્યા કે, ‘નિજ્જરની હત્યામાં ભારતીય રાજદ્વારીઓની સંડોવણી હોવા બાબતની તમામ માહિતી અને ઇનપુટ્સ કેનેડાએ ફાઇવ આઇઝ દેશો સાથે શેર કર્યા છે.’ આ જાણીને એવો પ્રશ્ન થાય કે ‘ફાઇવ આઇઝ’ એટલે કયા દેશો અને તેઓ શું કરે છે? ચાલો, જાણીએ.

આ છે ‘ફાઇવ આઇઝ’ દેશો

‘ફાઇવ આઇઝ’ એટલે પાંચ આંખ. વિશ્વભરમાં જાસૂસી કરવા માટે ભેગી થયેલી પાંચ આંખ. જે પાંચ દેશોનો આ સંગઠનમાં સમાવેશ થાય છે એ છે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા. જાસૂસી દ્વારા મળેલી માહિતી આ પાંચ દેશ અંદરોઅંદર વહેંચતા હોય છે. એ જ હિસાબે કેનેડાએ નિજ્જરની હત્યા બાબતે મળેલ વિગતો ‘ફાઇવ આઇઝ’ દેશો સાથે વહેંચી હોવાનું કહેવાયું છે. 

આવા કામ કરે છે ‘ફાઇવ આઇઝ’ 

અંગ્રેજીભાષી 5 સમૃદ્ધ દેશ ‘ફાઇવ આઇઝ’ (The FIVE EYES – ટૂંકમાં FVEY) તેમની સુરક્ષાને બહાને વિશ્વના કોઈપણ દેશમાં ડોકિયું કરતા રહે છે, જેમાં જાસૂસી કરવી, ફોન ટેપ કરવા, ગુપ્ત લશ્કરી મિશનો પાર પાડવા જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. પાંચેય દેશોએ ભેગા મળીને ગ્લોબલ ઈન્ટેલિજન્સનું ખતરનાક નેટવર્ક બનાવ્યું છે. જગત-જાસૂસીમાંથી મળેલી સંવેદનશીલ વિગતોનો ઉપયોગ તેઓ પોતાના હિતમાં તો કરે છે, પણ જરૂર પડ્યે એનો દુરુપયોગ અન્ય દેશોને દબડાવવા કે નાક દબાવવા માટે પણ કરવામાં આવે છે. 

આ પણ વાંચો : ભારત અને કેનેડા વચ્ચેના વિવાદને કારણે આ કંપનીઓનું ટેન્શન વધી ગયું, કર્યું છે મોટું રોકાણ

‘ફાઇવ આઇઝ’ની દાદાગીરી સામે રોષ

રાષ્ટ્રીય સુરક્ષાના નામે સર્જેલા આ સંગઠનની બાજનજર પર સવાલ ઉઠાવનાર અત્યાર સુધી કોઈ નહોતું, પણ હવે તેમની ક્રિયાઓ પર સતત સવાલો ઊભા કરાઈ રહ્યા છે. પશ્ચિમી દેશોનું એકહથ્થુ શાસન હવે અગાઉ જેવું નથી રહ્યું, અને એશિયાના ભારત-ચીન તથા રશિયા જેવા દેશો મહત્ત્વપૂર્ણ સત્તા તરીકે ઊભરી આવ્યા હોવાથી હવે ‘ફાઇવ આઇઝ’ની દાદાગીરી સામે અંદરખાને રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. એનું તાજું ઉદાહરણ એ છે કે ભારતે ‘ફાઇવ આઇઝ’ના નામે કેનેડાની શેહમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. 

શા માટે અસ્તિત્વમાં આવ્યું ‘ફાઇવ આઇઝ’?

જગત જ્યારે બીજા વિશ્વયુદ્ધની ત્રાસદી વેઠી રહ્યું હતું ત્યારે આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું. જેનો શાસન-સૂર્ય ક્યારેય ન આથમતો હોવાનું કહેવાતું એવા બ્રિટિશ શાસનના વાવટા આખી દુનિયામાં સંકેલાઈ રહ્યા હતા. અમેરિકા મહાસત્તા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. સામે છેડે સોવિયેત રશિયાના ઉદયથી અમેરિકાની સર્વોપરિતા સામે જોખમ સર્જાય એમ હતું. અવકાશ સર કરવામાં અને એટમ બોમ્બની લંગાર લગાવવામાં બંને વચ્ચે કાંટે કી ટક્કર જામી હતી. સોવિયેત રશિયાનો સામ્યવાદ પશ્ચિમી દેશોને આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. એ કારણસર પશ્ચિમી વિશ્વને એવા સંગઠનની જરૂરિયાત અનુભવાઈ જે દુશ્મનો દેશો પર જાસૂસી કરી શકે. બ્રિટન અને અન્ય યુરોપિયન દેશોની ગુલામીમાંથી આઝાદ થઈ રહેલા ઘણાબધા દેશોની નવી, બિનઅનુભવી સરકારની કામગીરી પર ચાંપતી નજર રાખવાની પણ જરૂર હતી. આ કારણસર ‘ફાઇવ આઇઝ’નો જન્મ થયો.

પહેલાં બે, પછી પાંચ 

1943 અમેરિકા અને બ્રિટને આ બાબતે સંધિ કરી. નામ અપાયું BRUSA (બ્રિટન–યુનાઇટેડ સ્ટૅટ્સ ઓફ અમેરિકા કોમ્યુનિકેશન્સ ઇન્ટેલિજન્સ એગ્રીમેન્ટ). 1946માં એનું નામ બદલીને UKUSA એગ્રીમેન્ટ કરવામાં આવ્યું. કેનેડા આ જૂથમાં 1948 જોડાયું. ત્યારબાદ 1956માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની એન્ટ્રી થઈ. આ રીતે આ સંગઠનની પાંચ આંખો અસ્તિત્વમાં આવી.

આ પણ વાંચો : ભારત સાથે સંબંધો મજબૂત રાખવા પશ્ચિમના દેશો મક્કમ : ટ્રુડોને તેમની ઓકાત દેખાડી દીધી

આ કારણસર સંગઠનને છુપાવીને રખાયું 

વર્ષો સુધી ‘ફાઇવ આઇઝ’ વિશે દુનિયાના અન્ય દેશો અજાણ હતા. આ સંગઠન નીતિ-નિયમોને નેવે મૂકીને કામ કરતું હોવાથી એના અસ્તિત્વને એના સભ્ય દેશોએ ગુપ્ત રાખ્યું હતું. સોવિયેત રશિયાની પડતી થયા પછી ચીનની ચડતી થતાં ‘ફાઇવ આઇઝ’ના ડોળા એના તરફ મંડાયા. હવે છેલ્લા થોડા વર્ષોથી ભારત પણ એના રડારમાં છે.

આ રીતે નામ મળ્યું આ જાસૂસી સંગઠનને

અમુક દસ્તાવેજ એવા હોય છે જેન ફક્ત ‘જોવાના’ હોય છે, એની પ્રિન્ટ નથી કાઢી શકાતી કે બીજી કોઈ રીતે એને કૉપી નથી કરી શકાતી. આવા, જાહેર થઈ જાય તો ધરતીકંપ સર્જાય એવા, અત્યંત સંવેદનશીલ અને ગોપનીય દસ્તાવેજો માટે ‘આઇઝ ઓન્લી’ શબ્દો વપરાય છે. ‘ફાઇવ આઇઝ’ દેશોની કામગીરી પણ દુનિયાથી ‘ઢાંકી’ને રાખવાની હોવાથી એને આવું નામ આપવામાં આવ્યું છે. 

દાયકાઓ સુધી જળવાઈ ગુપ્તતા

‘ફાઇવ આઇઝ’ નામની કોઈ ગુપ્તચર એજન્સી ખાનગી રાહે દુનિયાભરના દેશોની ખણખોદ કરતી રહી પણ કોઈને એના વિશે ખ્યાલ પણ ન આવ્યો. છેક વર્ષ 2010 માં અમેરિકા અને બ્રિટન વચ્ચે થયેલા કરારની ફાઈલો બહાર પડી ત્યારે વિશ્વને આ સંસ્થા વિશે જાણ થઈ હતી. 

હવે, આ જાસૂસી સંસ્થાના ઠેકેદાર દેશોની ‘વગ’નો દુરુપયોગ કરીને કેનેડાના વડાપ્રધાન નિજ્જરની હત્યા મુદ્દે ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, ભારતે આરોપને કડક ભાષામાં નકારીને, કેનેડામાં હાજર ભારતના હાઈ કમિશનરને પાછા બોલાવીને અને દિલ્હીમાં હાજર છ કેનેડિયન રાજદ્વારીઓને દેશ છોડવાનું ફરમાન કરીને કોઈની પણ સાડાબારી નથી રાખી, એ પગલું પ્રશંસનીય છે.

આ પણ વાંચો : ખાલિસ્તાની પન્નુ બાદ જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન, 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'


Google NewsGoogle News