જસ્ટિન ટ્રુડોને માથે લટકતી તલવાર, સત્તા છીનવાઈ ગઈ તો આ નેતા બનશે કેનેડાના વડાપ્રધાન, શીખ સમુદાયની ચાવીરૂપ ભૂમિકા
India-Canada Conflict : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાનો રાજકીય આધાર મજબૂત કરવાના પ્રયાસમાં ભારત સાથેનો સંબંધ બગાડ્યો, જેને કારણે તેમના જ પક્ષમાં અસંતોષનો સૂર ઊઠ્યો છે. એક લિબરલ સાંસદ સીન કેસીએ તો ખુલ્લેઆમ ટ્રુડોના રાજીનામાની માંગ કરીને કહ્યું કે, ‘હવે તેમના જવાનો સમય આવી ગયો છે.’
સીન કેસી એકમાત્ર સાંસદ નથી, એમના જેવા ઘણા અસંતુષ્ટ નેતાઓ છે, જે નવા નેતૃત્વની શોધમાં છે. ટ્રુડોના રાજીનામાની માંગણી કરતી વખતે પણ આ વર્ગ કહી રહ્યો છે કે, ‘જો પી.એમ. રાજીખુશીથી ખુરશી છોડવા તૈયાર ન થાય તો તેમને બળજબરીથી પણ પાર્ટીના નેતા પદ પરથી હટાવી દેવા જોઈએ.’
આ કારણસર અળખામણા થયા ટ્રુડો
પાર્ટીના સભ્યોના ગુસ્સાનું મુખ્ય કારણ તાજેતરમાં થયેલો એક સર્વે છે, જે દર્શાવે છે કે હાલમાં ટ્રુડોના નેતૃત્વવાળી સત્તાધારી ‘લિબરલ પાર્ટી’ મુખ્ય વિપક્ષી પાર્ટી ‘કન્ઝર્વેટિવ પાર્ટી’થી ઘણી પાછળ છે. સત્તાધારી પાર્ટી હાલ વિપક્ષથી 20 ટકા પાછળ ચાલી રહી છે, એનો અર્થ એ કે જો વર્તમાનમાં ચૂંટણી યોજાય તો લિબરલ પાર્ટીની હાર નિશ્ચિત છે. સર્વે મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયરે પોઈલિવરે વર્ષ 2025માં યોજાનાર ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ જણાઈ રહ્યા છે.
આ પણ વાંચો : પુતિનનું આમંત્રણ મળતાં PM મોદી ફરી જશે રશિયાના પ્રવાસે, 16મી બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
એક નહીં અનેક સર્વેમાં ટ્રુડો પાછળ છે
ટ્રુડોની નીચે જઈ રહેલી લોકપ્રિયતા તરફ ઈશારો કરે એવો આ એકલદોકલ સર્વે નથી. આ ઉપરાંત થયેલા અન્ય સર્વેમાં પણ ટ્રુડો પ્રત્યે અસંતોષની લાગણી જોવા મળી છે. સપ્ટેમ્બર 2023માં થયેલા એક સર્વેમાં કેનેડાના 39 ટકા નાગરિકો વડાપ્રધાનની કામગીરીથી અસંતુષ્ટ હતા. આ આંકડો હવે વધીને 65 ટકા થઈ ગયો છે. ટ્રુડો ખુરશીની મમત નહીં છોડે તો લિબરલ પાર્ટીનું જહાજ ડૂબશે, એ ડરે પણ એમની પાર્ટીના સાંસદો હવે ટ્રુડો સામે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવા લાગ્યા છે.
બળવાખોર નેતાઓ એક થઈ રહ્યા છે, પણ હાકલપટ્ટી આસાન નથી
કેનેડિયન મીડિયામાં એવા અહેવાલ ચમકી રહ્યા છે કે લિબરલ સાંસદો ટ્રુડોને હટાવવા માટે એક થઈ રહ્યા છે. અંદાજે 30 સાંસદોએ લેખિતમાં આ માટેની માંગ મૂકી છે. જોકે, આ સંખ્યા પૂરતી નથી. હાલ સંસદમાં 150 કરતાં વધુ લિબરલ સાંસદો છે. પક્ષનું નેતૃત્વ બદલવું હોય તો ઓછામાં ઓછું 50 સાંસદોની જરૂર પડશે. તેથી એમ કહી શકાય કે ટ્રુડોને તાત્કાલિક ધોરણે પદભ્રષ્ટ કરી નહીં શકાય.
આ મુદ્દાઓ બાબતે ટ્રુડો નબળા પડ્યા
ઓક્ટોબર 2025 માં કેનેડામાં ચૂંટણીઓ યોજાશે. એના એક વરસ અગાઉ અત્યારથી જ ટ્રુડો જે ક્ષેત્રે નબળા પડ્યા છે એના ગાણાં ગવાઈ રહ્યા છે, જેમ કે,
- કેનેડામાં ફુગાવો સતત વધી રહ્યો છે. વધતી મોંઘવારીથી પ્રજા ત્રાસી ગઈ છે.
- બીજા દેશમાંથી આવીને કેનેડામાં વસી જનાર લોકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. કેનેડાના નાગરિકો આવા વસાહતીઓથી ડરી ગયા છે અને દેશની સુરક્ષાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. ટ્રુડોની પાર્ટી વસાહતીઓ બાબતે કૂણું વલણ ધરાવે છે.
- એ તો બહુ જાણીતી વાત છે કે શીખ સમુદાયના વોટ મેળવવા માટે જ ટ્રુડો ખાલીસ્તાન સમર્થકો જૂથોની આળપંપાળ કર્યા કરે છે. ભારત જેવા દેશ સાથે ખરાબ થતા સંબંધને ભોગે પણ એમણે આવી નીતિ જારી રાખી છે, એ કારણે પણ કેનેડિયન પ્રજા વડાપ્રધાનથી નારાજ છે અને આગામી ચૂંટણીમાં લિબરલ પાર્ટીને બદલે કન્ઝર્વેટિવ પાર્ટીના પક્ષમાં મતદાન કરવાના મૂડમાં છે.
ટ્રુડો નહીં તો કોણ? આ છે વડાપ્રધાન પદના દાવેદાર નેતા
ટ્રૂડોને કારણે પક્ષને થઈ રહેલું નુકશાન ઓછું કરવા માટે લિબરલ પાર્ટીએ સમયસર તેમના પક્ષના નેતૃત્વમાં ફેરફાર કરવો પડે, ટ્રુડોની જગ્યાએ કોઈ એવા નેતાને આગળ કરવો પડે જેની છબી જનતામાં સારી હોય. આવું એક નામ છે- ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ. ફ્રીલેન્ડ હાલમાં કેનેડાના નાયબ વડાપ્રધાન અને નાણાં મંત્રી છે. એક દાયકાની ‘લિબરલ’ કરિયરમાં એમણે એવા ઘણા નિર્ણયો લીધા છે જેને લીધે એમની છબી એક મજબૂત નેતા તરીકે ઊભરી છે, તેથી જ તેમને ટ્રુડોના વિકલ્પ માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : જાણો કેવા સંજોગોમાં પહેલો અણુ બોમ્બ બન્યો હતો, કેવી રીતે થઈ હતી ઓપનહેઈમરની એન્ટ્રી
ભારતે બહુ હરખાવા જેવું નથી
ક્રિસ્ટિયા ફ્રીલેન્ડની વિદેશ નીતિ વર્તમાન પી.એમ. કરતાં સારી હોવાનું માનવામાં આવે છે, પણ ભારતના કિસ્સામાં તેઓ ટ્રુડો જેવા જ સાબિત થઈ શકે એમ છે. થોડા ઉદાહરણ જોઈએ.
- ભારતમાં ‘ખેડૂત આંદોલન’ ચાલી રહ્યું હતું એ સમયે ફ્રીલેન્ડએ કેનેડાના શીખ સમુદાયને ખુશ કરવા માટે ભારતના ખેડૂતોના પક્ષમાં નિવેદન આપ્યું હતું અને એવો ટોણો પણ માર્યો હતો કે, ‘કેનેડામાં લોકોને શાંતિપૂર્વક વિરોધ કરવાની સ્વતંત્રતા છે.’
- બે વર્ષ પહેલાં જીનીવામાં યુએનની બેઠક યોજાયેલી ત્યારે પણ ફ્રીલેન્ડએ ભારતના માનવાધિકાર રેકોર્ડ્સ પર ચિંતા વ્યક્ત કરી હતી.
- હરદીપ સિંહ નિજ્જરની મોત બાદ ફ્રીલેન્ડએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. શીખ સમુદાયના મત અંકે કરવાનો દેખીતો પ્રયાસ!
આમ, ટ્રુડો જેવા આકરાં નહીં થાય તોય ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ ભારતને અછોવાના કરે એવું અત્યારે તો નથી લાગતું.
જ્યારે પત્રકારે ફ્રીલેન્ડને ઘેર્યા
હરદીપ સિંહ નિજ્જરની મોત બાદ ફ્રીલેન્ડએ તેને શ્રદ્ધાંજલિ આપેલી એ મુદ્દે એક પત્રકારે એમને પૂછ્યું હતું કે, ‘નિજ્જર જીવતા હતા ત્યારે તમારી જ પાર્ટીની સરકારે એમને ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂક્યા હતા, તો એમના મૃત્યુ પછી તમે એમના પ્રત્યે આટલો પ્રેમ કેમ બતાવો છો? (નો-ફ્લાય લિસ્ટ એટલે એવી વ્યક્તિઓની યાદી જેમની જોખમી પ્રવુત્તિ/વલણને કારણે એમને હવાઈ મુસાફરી કરવા પર પ્રતિબંધ મુકાયો હોય.)
પત્રકારના સવાલથી ફ્રીલેન્ડ અવાચક થઈ ગયા હતા અને પછી ગોળગોળ જવાબ આપીને એમણે મુદ્દો ટાળી દીધો હતો. આ બાબતે કેનેડામાં દિવસો સુધી ચર્ચા ચાલી હતી.
વિરોધ પક્ષનું શીખ સમુદાય પ્રત્યે વલણ કેવું છે?
ફક્ત શીખ સમુદાય જ નહીં, દુનિયાના તમામ દેશના કેનેડામાં વસી ગયેલા વસાહતી લોકો ‘લિબરલ પાર્ટી’ને જ સમર્થન આપે છે, કેમ કે વિરોધ પક્ષ ‘કન્ઝર્વેટિવ પાર્ટી’ હંમેશથી બહારના લોકોને કેનેડામાં આશ્રય આપવા બાબતે કડક નીતિઓ લાગુ કરવાનો મત ધરાવે છે. તેઓ ધાર્મિક સ્વતંત્રતા આપવા બાબતે પણ ખુલ્લો અભિગમ નથી ધરાવતા. દાખલા તરીકે, કન્ઝર્વેટિવ પાર્ટી નેતાઓએ જાહેર સ્થળોએ કિરપાણ લઈને ફરતા શીખ લોકોનો ઘણી વખત વિરોધ કર્યો છે. વર્ષ 2006 થી 2015 વચ્ચે દેશમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર હતી ત્યારે એમણે ઈમિગ્રેશન કાયદામાં ફેરફાર કરીને બહારના લોકોનું આગમન ઘટાડી દીધું હતું. વિદેશી નાગરિકોની અરજીઓ નકારી કાઢવામાં એમણે અભૂતપૂર્વ ઝડપ દેખાડી હતી. ટ્રુડોની લિબરલ પાર્ટી સત્તામાં આવતાં જ આ કાયદા ફરીથી હળવા થઈ ગયા હતા.
ગરજ નથી વિદેશીઓની
‘કન્ઝર્વેટિવ પાર્ટી’ની પોતાની ખાસ વોટ બેંક હોવાથી તેઓ શરણાર્થીઓની આળપંપાળ કરવામાં નથી માનતા. છેલ્લા એક દાયકામાં જસ્ટિન ટ્રુડોના કામથી અસંતુષ્ટ કેનેડિયન પ્રજા વધુ માત્રામાં કન્ઝર્વેટિવ પાર્ટી તરફ ઢળી રહી છે.