મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે : ઇરાનના પ્રમુખ
- 16મી બ્રિક્સ પરિષદ દરમિયાન બંને નેતાઓની મંત્રણામાં દ્વિપક્ષીય સંબંધો અને ચાબહાર બંદરના વિકાસ જેવા મુદ્દાઓ વિષે પણ ચર્ચા થઈ
કાઝાન (રશિયા) : અહીં ચાલી રહેલી બ્રિકસ પરિષદ દરમિયાન ઇરાનના પ્રમુખ મસૌદ પેઝેમૂકીયાન, નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેઓએ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિ સ્થાપવા માટે, પ્રયત્નો કરવા, નરેન્દ્ર મોદીને અનુરોધ કર્યો હતો.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલું અવિરત યુદ્ધ તીવ્ર બનતાં નરેન્દ્ર મોદીએ તે અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રશ્નો તો હોય જ, પરંતુ તે મંત્રણાઓ અને રાજદ્વારી પદ્ધતિથી ઉકેલવા જોઈએ યુદ્ધથી નહીં.
એક વર્ષથી વધુ સમય સુધી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં ઇરાનના પીઠબળવાળા જૂથ હીઝબુલ્લાહ પણ હમાસની તરફેણમાં યુદ્ધમાં જોડાતાં મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ તંગ બની હતી. તેમાં ઇરાને પણ બેલાસ્ટિક મિસાઇલ્સ વડે ઇઝરાયલ પર હુમલા કરતા ઇઝરાયેલે ઝનૂને ભરાઈ ઇરાન ઉપર જ વેરની વસુલાત કરવાનો નિર્ણય લેતાં પરિસ્થિતિ સ્ફોટક બનવાની અણી ઉપર આવી ગઈ છે.
આ પરિસ્થિતિમાં ઇરાનના પ્રમુખ મસૌદ પેઝેશ્કીયાને અંગાર ઠંડા પાડવા માટે પ્રયત્ન કરવા નરેન્દ્ર મોદીને અનુરોધ કરતાં કહ્યું હતું કે, તમારે તેમાં સંડોવાયેલા દરેક પક્ષો સાથે સારા સંબંધો છે. તેથી તમો ત્યાં શાંતિ સ્થાપવામાં સાર્થક પ્રયત્નો કરી શકો તેમ છો.
ઉલ્લેખનીય છે કે ભારત સાર્થક ભૂમિકા ભજવી શકે તેમ છે. તેઓ ૨૦૨૨ થી ચાલતાં રશિયા, રશિયા-યુક્રેન યુદ્ધમાં પણ શાંતિ સ્થાપવા પ્રયત્નો કરી રહ્યા છે. મોદીને પ્રમુખ પુનિત તેમજ પ્રમુખ ઝેલેન્સ્કી તેમ બંને સાથે સારા સંબંધ છે.
છેલ્લા ૩ મહિનામાં મોદી બે વખત રશિયા ગયા હતા, તે ઉપરાંત યુક્રેન પણ ગયા હતા.
એવું પણ જાણવા મળ્યું છે કે ગયા મહિને નરેન્દ્ર મોદીએ પ્રમુખ પુતિનને શાંતિ યોજના પણ ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત દોવલ સાથે પુતિનને મોકલી આપી હતી. આ ઉપરથી ઇરાન આશા રાખે છે કે, મોદી મધ્ય પૂર્વ અંગે પણ કોઈ શાંતિ યોજના રજૂ કરી શકશે.
બંને નેતાઓ વચ્ચે અહીં (કાઝાનમાં) યોજાયેલી મંત્રણા દરમિયાન ભારત-ઇરાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા અંગે તથા કેટલાક મહત્વનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપવા વિષે વાતચીત થઈ હતી તેમજ દક્ષિણપૂર્વ ઇરાનનાં ચાબહાર બંદરના વિકાસ વિષે ઉપરાંત ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરીડોર (આઈએનએસટીસી) વિષે પણ ચર્ચા થઇ હતી.