ઇઝરાયલ ઇરાન વચ્ચે સંઘર્ષ વધતો રોકવા ભારત સહાય કરી શકે તેમ છે : ઇરાનના રાજદૂત
- ભારતનાં 3 યુદ્ધ જહાજો ઇરાનનાં બંદરે પહોંચ્યા સ્વાગત થયું
- ભારતને બંને દેશો સાથે રાજદ્વારી સંબંધો છે તેમજ ગાઢ વ્યાપારી સંબંધો છે : મધ્ય પૂર્વમાં શાંતિ સ્થપાય તે સૌના હિતમાં છે
નવી દિલ્હી : ઇઝરાયલ ઇરાન સંઘર્ષ વચ્ચે ભારતનાં ત્રણ નૌકા જાહજો ઇંડીયન કોસ્ટ ગાર્ડ શિપ (આઈસીજી એસ) વીરા, આઈએનએસ શાર્દુલ અને આઈએનએસ તીર ઇરાનનાં બંદર અબ્બાસે પહોંચી ગયાં છે. તેઓ ઇરાનનાં યુદ્ધ જહાજો સાથે નૌકા યુદ્ધની કસરત કરવાના છે. યુદ્ધ જહાજો વાસ્તવમાં પર્શિયન ગલ્ફમાં એક ટ્રેનિંગ મિશનમાં પણ ભાગ લેશે. આ યુદ્ધ જહાજો જ્યારે બંદર અબ્બાસ પહોંચ્યું ત્યારે ઇરાનનાં યુદ્ધ જહાજ જેરેટે તેમનું સ્વાગત કર્યું હતું.
દરમિયાન ભારત સ્થિત ઇરાનના રાજદૂત ઇલાહીએ કહ્યું હતું કે ભારતના બંને દેશો સાથે રાજદ્વારી સંબંધો છે. તેમજ બંને દેશો સાથે સારા એવા વ્યાપારી સંબંધો પણ છે. તેથી ભારત બંને વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે તેમ છે.
ભારતીય નૌકાદળે પ્રસિદ્ધ કરેલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ મુલાકાતનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે સમુદ્રી સહયોગ અને આપસી મૈત્રી વધારવાનો છે. આ પૂર્વે પણ આ વર્ષનાં ફેબુ્રઆરીમાં ઇરાની યુદ્ધ જહાજ ડેના ભારત આવ્યું હતું ત્યારે તેણે નૌકાદળના મિલન સમારોહમાં ભાગ લીધો હતો. માર્ચમાં ઇરાનનું ટ્રેનિંગ યુદ્ધ જહાજ ભારત આવ્યું હતું. તે સમયે જહાજ સાથે આવેલા ઇરાની નૌ સૈનિકોને પણ તાલિમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે બ્રિટિશ ઇંડીયા સમયથી જ ભારતીય ભૂમિદળ નૌકાદળ અને વાયુ દળ તેની ટ્રેનિંગ માટે વિખ્યાત છે. તેમાંયે સ્વાતંત્ર્ય પછી ભારતીય અધિકારીઓનો પણ તેમાં બહુ મોટો ફાળો છે. તેથી આફ્રો એશિયાઈ દેશો તેમના સૈનિકોને ભારતમાં તાલીમ લેવા મોકલતા રહે છે.
ઇરાન ઇઝરાયલ યુદ્ધમાં ભારતે અસામાન્ય સંતુલન જાળવ્યું છે. બંને દેશો સાથે તેના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધો છે. દાયકાઓ જૂના રાજદ્વારી અને વ્યાપારી સંબંધો છે. ભારતીય નૌકાદળના અધિકારીએ કહ્યું હતું કે ઇઝરાયલ અને ઇરાન બંને ભારત માટે મહત્વના છે. ઇઝરાયલ અદ્યતન ટેકનોલોજી માટે મહત્વનું છે જ્યારે તેલ માટે ઇરાનનું મહત્વ છે. ઇરાનના દક્ષિણ પૂર્વ તટે ભારત ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે.
ઇઝરાયલ ઇરાન સંઘર્ષ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને સંયમપૂર્વક વર્તવા કહ્યું હતું. વિશેષજ્ઞાો કહે છે કે ઇરાન તબાહ થાય તે ભારતને પોસાય તેમ નથી. માત્ર તેલ જ નહીં વિદેશનીતિનાં બહુવિધ ક્ષેત્રમાં ભારત માટે ઇરાન મહત્વનું છે તો આધુનિક ટેકનોલોજી માટે ઇઝરાયલ મહત્વનું છે. ભારત ટાઈટ રોપ પર ચાલી રહ્યું છે. બંને વચ્ચે બેલેન્સ રાખે છે. ઇરાનને આશા છે કે ભારત માર્ગ શોધી શકશે.