ભારત- અફઘાનિસ્તાનમાં વધી રહી છે નિકટતા, તાલિબાન રાજદૂતને UAEમાં રિપબ્લિક ડેની થનારી ઉજવણીમાં આમંત્રણ
દુબઈ, તા. 21 જાન્યુઆરી 2024
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન સ્થપાયા બાદ પાકિસ્તાન ખુશખુશાલ હતુ અને ભારત માટે મુશ્કેલીઓ વધી હતી.
જોકે હવે સ્થિતિ ઉલટી થઈ રહી છે.પાકિસ્તાનને તાલિબાનો સાથે વાંકુ પડ્યુ છે તો બીજી તરફ હવે ભારત અને તાલિબાન વચ્ચે નિકટતા વધે તેવા સંકેતો મળી રહ્યા છે.
યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમિરાતમાં ભારતીય એમ્બેસીમાં 26 જાન્યુઆરીની ઉજવણી થવાની છે અને આ માટે ભારતના રાજદૂતે તાલિબાના રાજદૂતને ઉજવણીમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે. યુએઈ સ્થિત ભારતના રાજદૂત સંજય સુધીરે તાલિબાન સરકારના રાજદૂત બદરુદ્દીન હક્કાની અને તેમના પત્નીને એમ્બેસીમાં થનારી રિપબ્લિક ડેની ઉજવણી માટે બોલાવ્યા છે.આ ઉજવણી અબુધાબીમાં થવાની છે.
આ આમંત્રણને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના સબંધોમાં આવી રહેલા બદલાવ તરીકે જોવામાં આવી રહ્યુ છે.જાણકારોનુ કહેવુ છે કે, ભારતે કાબુલ અને અફઘાનિસ્તાનના મુખ્ય શહેરોમાં તાલિબાન નેતાઓ સાથે સબંધો બનાવીને રાખ્યા છે.
અફઘાનિસ્તાનમાં રહેલા ભારતના હિતોના કારણે અને પાકિસ્તાન સાથે તાલિબાનની વધતી જતી દુશ્મનાવટનો ફાયદો ઉઠાવવા માટે ભારત સરકાર તત્પર હોય તેમ લાગી રહ્યુ છે અને તેના કારણે બંને દેશોના સબંધો હૂંફાળા બનીર રહ્યા છે.
2021માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળી ત્યારે ભારત સાથેના તેના સબંધો પર અસર પડી હતી.ભારતે અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા પોતાના મોટાભાગના પ્રોજેકેટ બંધ પડયા હતા.બીજી તરફ તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે હનીમૂન શરુ થયુ હતુ.જોકે તેનો અંત આવી ગયો તેમ લાગે છે.આતંકી સંગઠન ટીટીપી(તહરીક એ તાલિબાન પાકિસ્તાન) દ્વારા પાકિસ્તાનમાં થઈ રહેલા આતંકી હુમલાઓ બાદ પાકિસ્તાન સરકારે નિવેદન આપ્યુ છે કે, ટીટીપીના આંતકીઓને અફઘાનિસ્તાન પોતાની જમીન પર આશ્રય આપવાનુ બંધ કરે.
બીજી તરફ સેંકડો અફઘાન રેફ્યુજીઓને પાકિસ્તાને પોતાના દેશમાંથી અફઘાનિસ્તાન પાછા મોકલી દીધા હોવાથી તાલિબાન સરકાર પણ છંછેડાઈ છે.