'આપણે નાદારીથી બચવા ભીખ માગી રહ્યા છે અને ભારત..' પાકિસ્તાન સરકારનો વિપક્ષે ઉધડો લીધો
Pakistan News | શાહબાઝ સરકાર સામે મોંઘવારી, ખરાબ અર્થવ્યવસ્થા, આતંકવાદ અને અન્ય અનેક ગંભીર સંકટનો સામનો કરવો એ સૌથી મોટો પડકાર છે. જોકે, પાકિસ્તાનની નવી ચૂંટાયેલી શાહબાઝ સરકારે આ બધું છોડીને હજુ પણ વારંવાર કાશ્મીરનો રાગ આલાપી રહી છે.
મૌલવીએ કરી ભારતની પ્રશંસા
બીજી તરફ પાકિસ્તાન સરકાર ઈચ્છે છે કે ભારત સાથે તેના સંબંધો સુધરે. આ દરમિયાન પાકિસ્તાનના વિપક્ષી નેતા અને JUI-Fના વડા મૌલાના ફઝલુર રહેમાને ભારતની પ્રશંસા કરી છે. નેશનલ એસેમ્બલીમાં એક ભાષણ દરમિયાન તેમણે કહ્યું હતું કે, "ભારત મહાસત્તા બનવાનું સપનું જોઈ રહ્યું છે, જ્યારે આપણે નાદારીથી બચવા માટે ભીખ માંગી રહ્યા છીએ. આ માટે કોણ જવાબદાર છે?"
સાંસદોની પસંદગી બહારના સત્તાધીશો કરે છે : મૌલાના ફઝલુર રહેમાન
તેમણે પાકિસ્તાનની દુર્દશા માટે કેટલાક લોકોને જવાબદાર ગણાવ્યા. જોકે, તેમણે એ લોકોના નામ લીધા ન હતા. તેમણે કહ્યું કે આ લોકોએ ચૂંટાયેલા અધિકારીઓને માત્ર કઠપૂતળી બનાવી દીધા છે. પડદા પાછળ કેટલીક શક્તિઓ છે જે આપણને નિયંત્રિત કરી રહી છે અને તેઓ નિર્ણયો લે છે જ્યારે આપણે માત્ર કઠપૂતળી છીએ. મૌલાના ફઝલુર રહેમાને વધુમાં આક્ષેપ કર્યો હતો કે, સરકાર મહેલોમાં રચાય છે અને અમલદારો નક્કી કરે છે કે વડાપ્રધાન કોણ હશે. ક્યાં સુધી આપણે સમજૂતી કરવાનું ચાલુ રાખીશું?
હારેલા અને જીતેલાં બંને સંતુષ્ટ નથી: JUI-F ચીફ
તેમણે 2018 અને 2024 બંને ચૂંટણીઓમાં ચૂંટણી ધાંધલીની ટીકા કરતાં પૂછ્યું કે "આ ગૃહ (સંસદ)માં બેસીને આપણો અંતરાત્મા કેવી રીતે શુદ્ધ થઈ શકે છે, કારણ કે હારેલા અને વિજેતા બંને સંતુષ્ટ નથી." રહેમાને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ને લોકશાહી અધિકારોના મહત્વ પર ભાર મૂકતા, જાહેર સભાઓ યોજવા દેવાની હિમાયત કરી હતી.