યુએનમાં ઇઝરાયેલ વિરુદ્ધ મતદાનમાં ભારત ગેરહાજર

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
યુએનમાં ઇઝરાયેલ વિરુદ્ધ મતદાનમાં ભારત ગેરહાજર 1 - image


- યુદ્ધ વિરામના ઠરાવ માટે 120 દેશોનું સમર્થન : 14 દેશો વિરુદ્ધમાં

- હમાસના ત્રાસવાદી કૃત્યને સંયુક્ત રાષ્ટ્ર વખોડે છે એવો ઠરાવ જનરલ એસેમ્બલીમાં પસાર થયો નથી

ન્યૂ યોર્ક : ઇઝરાયેલ ઉપર ત્રાસવાદી સંગઠન હમાસે કરેલા હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધના લીધે ગાઝા પ્રદેશમાં માનવીય સહાય પહોચાડવા માટે યુદ્ધવિરામની તાકીદે ઘોષણા કરવાના માંગ સાથેના યુનોની સમાન્ય સભાના એક ઠરાવમાં મતદાન સમયે ભારત ગેરહાજર રહ્યું હતું. આ ઠરાવમાં શસ્ત્રવિરામ ઉપરાંત, ગાઝા વિસ્તારમાં માનવીય સહાય માટે વિના વિક્ષેપ આવન-જાવનની છૂટની પણ માંગ કરવામાં આવી હતી. ભારત માનવીય સહાયના ઠરાવમાં ગેરહાજર રહેતા કેન્દ્ર સરકારની નીતિને કોંગ્રેસે વખોડી કાઢી છે. 

હમાસે કોઇપણ ઉશ્કેરણી વગર હમાસે ઈઝરાયેલી ઉપર હજારો મિસાઈલથી તા.૭ ઓક્ટોબરે હુમલો કર્યા બાદ ભારતે ઇઝરાયેલને ત્રાસવાદ સામેની લડાઈમાં ટેકો જાહેર કર્યો છે. જોકે, માનવીય ધોરણે ગાઝા વિસ્તારમાં પેલેસ્ટાઈન નાગરીકોની હાલત ધ્યાને લઇ કેન્દ્ર સરકારે સહાય અને સામગ્રી પણ રવાના કરી છે. આ ઉપરાંત, રાજદ્વારી રીતે ભારત સરકારે પેલેસ્ટાઈની નેતાગીરી સાથે ટેલીફોનીક ચર્ચાઓ પણ કરી બન્ને બાજુએ સમતુલા જાળવવા પ્રયત્ન કર્યો છે. 

યુનાઈટેડ નેશન્સના ૧૯૩ સભ્યોની જનરલ એસેમ્બલીમાં ઇઝરાયેલ યુદ્ધ અંગે તાકીદની બેઠકની શુકવારે ૧૦મી બેઠક હતી જેમાં જોર્ડને બનાવેલા તથા રશિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા સહિતના અન્ય ૪૦ દેશોએ ગાઝા વિસ્તારમાં માનવીય સહાય માટેનો ઠરાવ રજૂ કર્યો હતો. જેના ઉપર ચર્ચા બાદ તેના ઉપર મતદાન કરવામાં આવ્યું હતું. આ ઠરાવની ૧૨૦ દેશોએ તરફેણ કરી હતી જ્યારે ૧૪ જેટલા દેશોએ વિરોધ કર્યો હતો. ભારતની જેમ ઓસ્ટ્રેલીયા, કેનેડા, જર્મની, જાપાન, યુક્રેન અને યુનાઈટેડ કિંગ્ડમ જેવા દેશોએ મતદાના ભાગ લીધો હતો નહી. 

બીજી તરફ, જોર્ડનના ઠરાવ પહેલા કેનેડા અને અમેરિકાએ આ ઠરાવમાં સુધારણા માટે એક અલગ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ પ્રસ્તાવમાં ઇઝરાયેલ ઉપર હમાસે કરેલા હુમલા, ઈઝરાયેલી નાગરિકોના અપહરણ કરી તેમને બંદી બનાવવાની ઘટનાને એકસૂરે યુનો વખોડી કાઢે છે એવો એક ફકરો ઉમેરવાની રજૂઆત કરી. આ ઉપરાંત, પ્રસ્તાવમાં હમાસ આ નાગરીકોને યોગ્ય રીતે સાચવે અને તરત જ છોડી મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. આ ઠરાવનો ભારત સહીત અન્ય ૮૭ દેશોએ સ્વીકાર કર્યો હતો જ્યારે ૫૫ દેશોએ વિરોધ કર્યો હતો. જોકે, બે તૃતીયાંશ બહુમતીના અભાવે આ પ્રસ્તાવનો સ્વીકાર થયો હતો નહી.

ઠરાવમાં ગેરહાજરીથી ભારતમાં આક્ષેપબાજી

- ભારતનું વલણ આઘાતજનક : કોંગ્રેસ તો સરકારનો બચાવ કે ઠરાવમાં હમાસનો ઉલ્લેખ જ નથી

યુનોમાં ગાઝામાં માનવીય સહાયના શરુ કરવાના ઠરાવમાં ભારત ગેરહાજર રહેતા વિરોધ પક્ષ અને સરકાર વચ્ચે રાજકીય આક્ષેપબાજી જોવા મળી હતી. કોંગ્રેસે ભારતની ગેરહાજરી અંગે આઘાતનો અનુભવ થયો હોવાનું જણાવ્યું હતું તો સરકારે બચાવમાં જણાવ્યું હતું કે ઠરાવમાં હમાસના ત્રાસવાદી કૃત્યનો ઉલ્લેખ નહી હોવાથી ઠરાવના મતદાનમાંથી ગેરહાજર રહેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. 

કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ સરકારની નીતિની ટીકા કરતા જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનમાં હજારો પુરુષ, મહિલા અને બાળકોનો શ્વાસ રૃંધાઇ રહ્યો છે ત્યારે મૌન રહી જોતા રહેવું એક આઘાતજનક બાબત છે. 

બીજી તરફ, ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ ગાંધીને જવાબ આપતા જણાવ્યું હતું કે ભારત ક્યારેય પણ ત્રાસવાદીઓના પક્ષે રહેશે નહી. રાષ્ટ્રવાદી કોંગ્રેસના સ્થાપક શરદ પવારે ફરી એકવખત ભારતની નીતિની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારતે ક્યારેય ઇઝરાયેલની તરફેણ નથી કરી એવું લાગી રહ્યું છે કે આ ભારતની વિદેશ નીતિમાં આવેલો ફેરફાર છે. 

નકવીએ પ્રિયંકાને જણાવ્યું હતું કે ભારતે ક્યારેય ત્રાસવાદની તરફેણ નથી કરી. કોંગ્રેસના કેટલાક નેતાઓ રાહુલ કરતા પ્રિયંકા હોશિયાર છે એવું પુરવાર કરવા આવા નિવેદનો કરાવી રહ્યા છે પણ તેમના નિવેદનથી તે વધુ બાલિશ પુરવાર થઇ રહ્યા છે.


Google NewsGoogle News