આ દિવસોમાં અને આ યુગમા કોઈ દેશ અલિપ્ત રહી શકે નહીં : ઓસ્ટ્રેલિયામાં જયશંકરની સ્પષ્ટ વાત
- રશિયા પાસેથી તેલ ખરીદવું ભારત માટે અનિવાર્ય છે
- રશિયન પાસેથી ભારત તેલ ખરીદે છે તેથી ઓસ્ટ્રેલિયામાં ચિંતા છે, તેના જવાબમાં તેમણે કહ્યું પાક. સાથે ઘણા દેશો સંબંધ રાખે છે તો શું અમારે સંબંધો તોડી નાખવા ?
નવી દિલ્હી : વિદેશમંત્રી જયશંકરની વૈશ્વિક ભૂ-રાજકીય પરિસ્થિતિ અંગેની ઊંડી સમજ વિશ્વ વિખ્યાત છે. તેઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાતે ગયા ત્યારે સ્કાય ન્યૂઝ ઓસ્ટ્રેલિયાનાં શેરી માર્કસનને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન તેઓને કહ્યું કે ભારત રશિયા પાસેથી યુક્રેન યુદ્ધ છતાં તેલ ખરીદે છે તેથી ઓસ્ટ્રેલિયાને ચિંતા છે. તેના જવાબમાં આ મેઘાવી વિદેશમંત્રીએ કહ્યું 'મને નથી લાગતું કે અમે ચિંતા માટે કોઈ કારણ આપ્યું હોય. વાસ્તવમાં આ દિવસોમાં આ યુગમાં કોઈ દેશ અલિપ્ત રહી શકે નહીં'
આ સાથે જયશંકરે પાકિસ્તાનનું ઉદાહરણ ટાંકતાં કહ્યું કે ઘણા દેશો પાકિસ્તાન સાથે સંબંધ રાખે છે તો શું અમારે ચિંતા કરવી ? શું અમારે તેમની સાથેના સંબંધો તોડી નાખવા ? વિચારો તો ખરાં કે પાકિસ્તાન મારા માટે કેટલું ચિંતાજનક છે ?
યુક્રેન યુદ્ધ પછી પણ ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે. તે અંગે સ્પષ્ટતા કતાં જયશંકરે કહ્યું હતું કે ત્યાંથી સસ્તા દરે મળતું તેલ ખરીદવું કે ભારતની અનિવાર્યતા છે. આ સાથે ઓસ્ટ્રેલિયા સહિત પશ્ચિમના દેશોએ રશિયાના કરેલા સંપૂર્ણ બહિષ્કાર અંગે કહ્યું હતું કે કોઈ દેશને એકાકી કરી દેવાથી પ્રશ્નોનું સમાધાન મળી જ શકે નહીં. વાસ્તવમાં ભારતના રશિયા તથા યુક્રેન બંને સાથે રહેવા સારા સંબંધોનો લીધે ભારતને યુદ્ધ બંધ કરાવી ત્યાં શાંતિ સ્થાપવામાં વધુ સહાયભૂત થઇ શકે તેમ છે. ભારત માને જ છે કે યુદ્ધનાં મેદાન ઉપર કોઈ પ્રશ્નનો ઉકેલ આવી શકે નહીં. પ્રશ્નને મંત્રણા ટેબલ ઉપર જ ઉકેલી શકાય. ભારતને બંને દેશો સાથે સારા સંબંધો છે, તેથી તો દુનિયાના દેશો તે વિવાદમાં ભારતને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા કહે છે.