સુદાનમાં યોજાયેલી 'ટંગ ઓફ વૉર'માં ભારતીય જવાનોએ ચીનના સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધા
- યુએનના પીસ કીપીંગ ફોર્સમાં સામેલ ભારતના જવાનો અને ચીની સૈનિકો વચ્ચે દોરડા ખેંચ યોજાઈ હતી
ખાર્ટુમ/નવી દિલ્હી : સુદાનમાં યુએનનાં પીસ કીપીંગ મીશનમાં સામેલ ભારતના જવાનો અને ચીનના સૈનિકો વચ્ચે ટંગ ઓફ વોર (દોરડા ખેંચ) સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભારતના જવાનોએ ચીનના સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધા હતા.
આનો વિડીયો વાયરલ થઇ રહ્યાં છે અને તેને ભારતીય સેનાના અધિકારીઓએ પ્રમાણભૂત પણ જણાવ્યો છે.
બીજી તરફ ભારતીય નેટીઝન્સ આ ઘટના તેમના ડાયલ ઉપર જોઈ શાંત રહી શક્યા ન હતા. તેઓએ તુર્ત જ તેઓના સંપર્કમાં રહેલા અન્ય નેટીઝન્સને પણ તે વિડીયો પ્રસારિત કરી દીધો. જેમાં ચીનના સૈનિકો પછડાઈ જઈ ધૂળ ભેગા થયેલા દેખાતા હતા. તે સાથે તમામ નેટીઝન્સે તાળીઓથી તે વિજય વધાવી લીધો હતો. જેમાં ભારતીય જવાનોએ તેઓની તાકાત દર્શાવી દીધી હતી.
સ્વીકાર્ય છે કે, તે સ્પર્ધા માત્ર મિત્રતાભરી સ્પર્ધા જ હતી. પરંતુ ૧૯૬૨માં ચીને માત્ર અને માત્ર દગાખોરી કરી ભારતના લડાખમાં ઘૂસણખોરી કરી હતી અને અરૂણાચલ પ્રદેશ (તે સમયના નેફામાં) પણ ઘૂસણખોરી કરવા કરેલા પ્રયત્ન પછી બંને દેશો વચ્ચે વૈમનસ્ય વ્યાપી રહ્યું છે.
તેટલું જ નહીં પરંતુ તાઇવાનને બદલે તળ ભૂમિ પરનાં ચીનને યુએન (ત્યારના યુનો)માં સ્થાન અપાવવા તેમજ તે સમયે યુનોની સલામતી સમિતિમાં પણ કાયમી સભ્યપદ અપાવવા ભારતે (જવાહરલાલ નહેરૂએ) કરેલા પ્રયત્નોનો બદલો ચીને ભારતને દરેક ક્ષેત્રમાં વિયેત સ્થિત ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશનમાં પણ વિધિવત સ્થાન આપવા સામે વીટો વાપરી ભારતને તે સ્થાનથી વંચિત રાખ્યું હતું. તેવા દગાખોર ચીનના સૈનિકોને ધૂળ ચાટતા જોવા તે નેટિઝન્સ માટે એક ઉત્સવ બની રહ્યો હતો.