અમેરિકાની ચૂંટણીમાં ભારતીયો 'ગેમચેન્જર' ની ભૂમિકામાં? ટ્રમ્પ-હેરિસમાંથી કોને વધુ સમર્થન?
US Presidential Election 2024 : આગામી નવેમ્બર માસમાં યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ત્યારે બંને ઉમેદવારોની નજર ભારતીય અમેરિકન(NRI) મતદારો પર છે. ડેમોક્રેટિક પક્ષથી લઈને લઈને રિપબ્લિકન પક્ષ દરેક 50 લાખ ભારતીય અમેરિકન મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ઘણાં રાજ્યોમાં ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિએશનના પ્રમુખ અવિનાશ ગુપ્તાએ કહ્યું કે, અમેરિકામાં ભારતીયોની સંખ્યા અને પ્રભાવ વધી રહ્યો છે. મતદારોની સંખ્યા ઓછી હોવા છતાં ભારતીય મતદારો ટેક્સાસ, જ્યોર્જિયા અને પેન્સિલવેનિયા જેવા રાજ્યોમાં નિર્ણાયક બની શકે છે.
5 નવેમ્બર, 2024 ના રોજ યોજાનારી ચૂંટણીમાં જીત માટે ઓછું અંતર ધરાવતી બેઠકો પર ભારતીય અમેરિકનોના મત મહત્ત્વપૂર્ણ રહેશે. તેમણે કહ્યું હતું કે ઇમિગ્રેશન પોલિસીને લઈને કેટલાક મુદ્દાઓ છે કે, જે ભારતીય અમેરિકનોને સીધી અસર કરે છે. ગ્રીન કાર્ડ અને H1B વિઝામાં સુધારા સંબંધિત મુદ્દાઓ પણ મહત્ત્વપૂર્ણ છે. રિપબ્લિકન પક્ષ ટેક્સ ઘટાડવાની તરફેણમાં છે, જ્યારે ડેમોક્રેટિક પક્ષ ધનિકો પર ટેક્સ લગાવવા અને ગરીબો પર ખર્ચ કરવાના પક્ષમાં છે.
તેમણે કહ્યું કે આર્થિક વિકાસને ટેકો આપતી નીતિઓ અને નાના ઉદ્યોગોને મદદ કરતી યોજનાઓને ભારતીય અમેરિકનો પસંદ કરે છે. મધ્ય-પૂર્વ અને યુરોપમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મોંઘવારી વધી છે. મધ્યમ વર્ગ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. કરિયાણા, ગેસ, તબીબી જેવી અનેક જીવન જરૂરિયાત વસ્તુની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી રહી છે. અમુક મુદ્દાને લઈને ભારતીય અમેરિકનો અલગ-અલગ મત ધરાવે છે. નવી પેઢી વધુ ઉદાર છે, જ્યારે મોટી ઉંમરના લોકો વધુ રૂઢિચુસ્ત બની રહ્યા છે. યુવા પેઢી વંશીય મુદ્દાઓ, ધાર્મિક સ્વતંત્રતા અને LGBTQ+ મુદ્દાઓ પર વધુ ઉદાર છે, પરંતુ પારિવારિક મૂલ્યોમાં માનતા લોકો રિપબ્લિકન પક્ષને પસંદ કરે છે.
ભારતીય અમેરિકનોના મત મેળવવા માટે બંને પક્ષો તમામ પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે. ફ્લોરિડા, જ્યોર્જિયા, એરિઝોના, વર્જીનિયા, ન્યુ જર્સી અને પેન્સિલવેનિયા રાજ્યોમાં ભારતીય અમેરિકનોની સંખ્યા વધુ છે. અમેરિકી કોંગ્રેસ(સંસદ) અને રાજ્ય સરકારોમાં ભારતીયોની વધતી સંખ્યા સમુદાયની વધતી જતી તાકાતનું પ્રતિક છે.
અમેરિકા-ઈન્ડિયા પબ્લિક અફેર્સ કમિટીના પ્રમુખ જગદીશ સિહવાનીએ જણાવ્યું હતું કે, જે બેઠકો પર પરિણામ ખૂબ ઓછા અંતરથી પ્રભાવિત થઇ શકે છે, ત્યાં ભારતીય મૂળના મતદારો મહત્ત્વની ભૂમિકા ભજવશે. પ્રવાસી ભારતીયો માટે ઇમિગ્રેશન એ એક મુદ્દો છે. જે પક્ષ ઇમિગ્રેશનની તરફેણમાં હશે, તેને પ્રાથમિકતા મળી શકે છે. કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને ઉમેદવારોને લઈને ભારતીય સમુદાય વિભાજિત છે. એક સમય હતો જ્યારે ભારતીય મતદારો ફક્ત ડેમોક્રેટ્સને જ મત આપતા હતા. પરંતુ આ વખતે એવું કહી શકાય તેમ નથી. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મુશ્કેલ ચૂંટણી છે.
બિહાર ફાઉન્ડેશન યુએસએના અધ્યક્ષ આલોક કુમારે કહ્યું કે, કમલા હેરિસ અમેરિકાના પહેલા મહિલા રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચી શકે છે. દરેક NRI તેમની સાથે જોડાણ અનુભવે છે. ટ્રમ્પ અને મોદી વચ્ચેના સંબંધો ભારતીય અમેરિકનો મહત્ત્વપૂર્ણ છે. 2024ની ચૂંટણી ભારતીયો માટે એક પડકાર છે. ભારત-અમેરિકા સંબંધો સાંસ્કૃતિક ઓળખ, રાજકીય મૂલ્યો અને બંને દેશોના ભવિષ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.