છેલ્લાં 20 વર્ષમાં વાવાઝોડાની 10 ઘટનામાં 5 લાખનાં મોત, એકલા આ દેશમાં દુષ્કાળથી 2.5 લાખના મોત
Climate Change News | ક્લાઈમેટ ચેન્જની અસરથી ચક્રવાત,અતિપૂર અને દુષ્કાળ જેવી પ્રાકૃતિક આફતોમાં વધારો થયો છે. છેલ્લા 20 વર્ષમાં ચક્રવાતની 10 ઘટનામાં 5 લાખ લોકોના મોત થયા છે. (1) સૌથી પહેલા તો 2011માં સોમાલિયામાં પડેલા દુષ્કાળની વાત કરીએ તો ૨.૫ લાખ લોકોના કરુણ મોત થયા હતા. કુપોષણ,બીમારી અને ભૂખમરાથી મુત્યુ પામેલામાં મહિલાઓ અને બાળકોનો સમાવેશ થતો હતો. (2) 2009માં ત્રાટકેલા સિદ્ર નામના ચક્રવાતે 4200થી વધુનો ભોગ લીધો હતો. કાંઠા વિસ્તારમાં વિનાશના કમકમાટીભર્યા દ્વષ્યો રચાયા હતા.
(3) 2008માં મ્યાંમારના ઇરાવતી ડેલ્ટા ક્ષેત્રમાં નરગિસ નામના ચક્રવાતે ભારે તબાહી મચાવી હતી. નરગિસ ચક્રવાતે 1.38 લાખ લોકોનો ભોગ લીધો હતો. (4) 2010માં રશિયામાં અત્યંત ગરમીના લીધે જંગલોમાં આગ લાગવાથી 55000 થી વધુ લોકો ભડથું થઇ ગયા હતા. વાયુપ્રદૂષણથી ખેતી અને ઉધોગ પર વિપરિત અસર થઇ હતી. જેમાં ખોરાકનું સંકટ મુખ્ય હતું. (5) 2013માં ટાઇફૂન હૈયાન (યોલાડ)ને ફિલિપાઇન્સનો લોકો ભૂલ્યા નથી. શકિતશાળી હૈયાને દરિયાકાંઠાના વિસ્તારોમાં અપાર નુકસાન કર્યુ હતું. 7.30 હજારથી વધુના મુત્યુ થયા હતા.
(6) 2013માં જ ઉતરાખંડમાં પૂરનું તાંડવ અને ભૂસ્ખલન થવાથી 6000થી વધુ લોકોના મોત થયા હતા. હિમાલયની પર્વતમાળાઓમાં આ પ્રકારની આફત કોઇએ જોઇ નથી. તીર્થસ્થળો અને કસ્બાઓ કાળમાળમાં ફેરવાઇ ગયા હતા. (7) 2022માં સમગ્ર યુરોપમાં ગરમીએ કાળો કેર વરતાવ્યો હતો. શિતલહેર માટે જાણીતા વિસ્તારોમાં હિટ વેવ ફરી વળ્યું હતું. અત્યંત ઠંડા વાતાવરણથી ટેવાયેલા લોકો માટે અનેક પડકારોનો સામનો કરવો પડયો હતો. ઇટાલી,સ્પેન, જર્મની, ફ્રાંસ, ગ્રીસ, રોમાનિયા,પોર્ટુગલ અને યુકેમાં 53 હજારથી વધુના મોત થયા હતા.
(8) 2023માં યુરોપમાં પણ ભીષણ ગરમી યથાવત રહી હતી જેમાં 37 હજારથી વધુના મોત થયા હતા. (9) 2023ના વર્ષમાં લિબિયામાં ડેનિયલ ચક્રવાત ફરી વળ્યું હતું. ડેનિયલની અસરથી ભારે વરસાદના પગલે જળબંધ તૂટવાથી 12000થી વધુ તણાયા હતા. શહેરી વિસ્તારો પાણીમાં ડૂબી જવાથી હાહાકાર મચી ગયો હતો.(10) 2015માં પ્રથમવાર યુરોપે ગરમીનો અનુભવ કર્યો હતો જેમાં જળવાયુ પરિવર્તનની સમસ્યા ઉજાગર થતી હતી. અતિ તાપમાનથી 3275 લોકોના મુત્યુથી કલાયમેટ ચેંજની વિકરાળ સમસ્યા પર સૌનું ધ્યાન ખેંચાયું હતું.