છેલ્લા ૧૦ વર્ષમાં આફ્રિકાથી ૨૫૦૦ ટન સોનુ ચોરી છૂપીથી દુબઇ લવાયું, સનસનીખેજ ખુલાસો
આ સોનાની કિંમત ૧૧૫ અબજ ડોલર જેટલી થાય છે
૨૦૨૨માં ૪૩૫ ટન સોનાની તસ્કરી કરવામાં આવી હતી
દુબઇ,૩૦ મે,૨૦૨૪,ગુરુવાર
સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે આફ્રિકાથી દુબઇ સોનાની દાણચોરી પણ વધી છે. આફ્રિકા મહાદ્વીપના કેટલાક ગરીબ દેશોમાં સોનાની ખાણો આવેલી છે આ ખાણોમાંથી ગેર કાયદેસર રીતે સોનુ બહાર પહોંચે છે. પ્રાપ્ત માહિતી અનુસાર સ્વિસએન્ડ નામની સંસ્થાએ વિસ્તૃત વિશ્લેષણ કર્યા બાદ એક રિપોર્ટ તૈયાર કયો છે જેમાં જણાવ્યા અનુસાર ૨૦૨૨માં આફ્રિકાથી ૪૩૫ ટન એટલે કે ૩૦ અબજ ડોલરથી વધુ રકમનું સોનાની દાણચોરી થઇ હતી.
આફ્રિકાથી ચોરી થતા સોનાનું મુખ્ય ઠેકાણુ યુનાઇટેડ આરબ અમિરાત છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૨૫૦૦ ટન સોનુ ચોરી દ્વારા દુબઇ પહોંચ્યું છે જેની કિંમત ૧૧૫ અબજ ડોલર થાય છે. યુએઇના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોનાની તસ્કરી રોકવા માટે અનેક પગલા ભરવામાં આવી રહયા છે. સોના જેવી કિંમતી ધાતુઓના વેપાર માટે નવા નિયમો પણ લાગુ પાડવામાં આવશે. નિષ્ણાતોનું માનવું છે કે જો ૪૦૦ ટનથી વધુ સોનુ ગેર કાયદેસર આવતું હોય તેનો અર્થ કે સિસ્ટમ અને નિયમોમાં જ ખામી છે.
આફ્રિકામાં નાના સ્તર પર સોનાની ખાણોમાંથી સોનું મેળવવાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે જેમાં લાખો લોકો કામ કરે છે આનું પ્રમાણ વ્યવસાયિક ધોરણે થતા ખનનકાર્ય કરતા પણ વધારે છે. ૨૦૧૯માં સમાચાર એજન્સી રોયટર્સના એક સંશોધન રિપોર્ટમાં જણાવાયું હતું કે આફ્રિકાથી સેંકડો ટન સોનુ વાયા યુએઇના રસ્તે યુરોપ અને અમેરિકાના બજારમાં પહોંચે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાની તસ્કરીથી જે તે દેશને ટેકસનું નુકસાન થાય છે એટલું જ નહી ગેર કાયદેસર અર્થ વ્યવસ્થા પણ ઉભી થાય છે.
આ નાણાનો ઉપયોગ મની લોન્ડ્રિંગ અને આતંકવાદી સંગઠનોને મદદ માટે થાય છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ આફ્રિકાખંડમાંથી નિકાસ થતા સોનાની સરખામણીમાં અન્ય દેશોમાંથી થતી આયાતમાં મોટો તફાવત જોવા મળે છે. કેટલીક સ્વિસ કંપનીઓ આફ્રિકામાં ગેર કાયદેસર રીતે ખોદકામ કરીને મેળવવામાં આવતું સોનુ ખરીદતી નથી પરંતુ આજ સોનુ જયારે તસ્કરીથી દાણચોરી દ્વારા યુએઇ પહોંચે છે ત્યારે ખરીદી કરે છે. ઘણા સમયથી યુએઇ આફ્રિકાથી ખરીદી કરીને લાવવામાં આવતા સોનાનું કેન્દ્ર રહયું છે.