જી-7માં પીએમ મોદી એઆઈ, આફ્રિકા, ઊર્જા, ગ્લોબલ સાઉથ જેવા મુદ્દા ઉઠાવશે

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
જી-7માં પીએમ મોદી એઆઈ, આફ્રિકા, ઊર્જા, ગ્લોબલ સાઉથ જેવા મુદ્દા ઉઠાવશે 1 - image


- મોદી જી-7ની બેઠક વચ્ચે મેલોની, બાઈડેન સાથે બેઠક યોજે તેવી શક્યતા

નવી દિલ્હી/રોમ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા કાર્યકાળ સંભાળ્યા પછી ગુરુવારે સાંજે તેમના સૌથી પહેલા વિદેશ પ્રવાસે રવાના થયા હતા. પીએમ મોદી ઈટાલીમાં યોજાઈ રહેલી જી-૭ સમિટમાં ભાગ લેવા અપુલિયા પહોંચ્યા છે. પીએમ મોદી આ પ્રવાસમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જા, આફ્રિકા અને મધ્ય-પૂર્વના મુદ્દાઓ પર ફોકસ કરશે. આ સમિટ વચ્ચે મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની તથા અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સહિત અન્ય વૈશ્વિક નેતાઓ સાથે બેઠકો કરે તેવી સંભાવના છે.

દુનિયાના વિકસિત દેશોના સંગઠન જી-૭ની વાર્ષિક બેઠક આ વર્ષે ઈટાલીના પ્રમુખપદ હેઠળ અપુલિયામાં ગુરુવારથી શરૂ થઈ ગઈ છે, જે શનિવાર સુધી ચાલશે. યુરોપીયન સંઘમાં જમણેરી વિચારસરણી ધરાવતા નેતાઓનું પ્રભુત્વ વધ્યું હોવા છતાં જી-૭ સમિટમાં યુરોપીયન સંઘના દેશ યુક્રેન માટે ૫૦ અબજ ડોલરની લોનની એક સમજૂતી પર જાહેરાત થવાની સંભાવના છે. પશ્ચિમના દેશોમાં રશિયાની સંપત્તિઓ જપ્ત કરીને મેળવવામાં આવેલા નફામાંથી આ લોનની રીકવરી કરાશે તેમ મનાય છે. 

યુરોપમાં રશિયા અને યુક્રેન તથા મધ્ય-પૂર્વમાં ઈઝરાયેલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલી પ્રતિસ્પર્ધા વચ્ચે જી-૭ દેશોની આ બેઠક યોજાઈ રહી છે. જી-૭ જૂથમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઈટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. 

ભારત જી-૭નું સભ્ય રાષ્ટ્ર નથી, પરંતુ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણથી પીએમ મોદી જી-૭માં ભાગ લેવા માટે ઈટાલી પહોંચ્યા છે. જી-૭ શિખર સંમેલનમાં પીએમ મોદી સતત પાંચમી વખત ભાગ લઈ રહ્યા છે અને ભારત ૧૧મી વખત ભાગીદાર બની રહ્યું છે. એનડીએ સરકારના સતત ત્રીજા કાર્યકાળમાં પીએમ મોદી તેમના પહેલા વિદેશ પ્રવાસના ભાગરૂપે ઈટાલીના અલુપિયા પહોંચ્યા છે. તેઓ શુક્રવારે આઉટરીચ સેશનમાં ભાગ લેશે. આ સત્રમાં મોદી ઊર્જા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, આફ્રિકા અને ગ્લોબલ સાઉથ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ સિવાય પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની સંભાવના છે. જી-૭ બેઠક દરમિયાન મોદી જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં તેઓ ભારત અને ઈટાલી વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા તથા ઈન્ડો-પેસિફિક અને મેડિટેરેનિયન પ્રાંતોમાં સહકાર વધારવા પર ભાર મુકશે. આ સિવાય મોદી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત કેટલાક વૈશ્વિક નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય મુલાકાત કરે તેવી સંભાવના છે. ટ્રુડો સાથેની બેઠકમાં મોદી કેનેડામાં ખાલિસ્તાની તત્વોને સ્થાનિક સરકાર દ્વારા મળતા સમર્થનનો વિરોધ કરી શકે છે.


Google NewsGoogle News