સુદાનમાં ખાદ્ય માટે મહિલાઓને સૈનિકોની હવસ સંતોષવો પડે છે
- તાબે ન થતી મહિલાઓને બેફામ માર મરાય છે, પગ બાળી નખાય છે
- એક સમયે વિશ્વના કોઠારો પૈકીના એક તેવા સુદાનમાં ભારે ભૂખમરો છે, ત્યાં સૈનિકોની હવસ સંતોષવા મહિલાઓને ઉભી રખાય છે
ખાર્ટુમ : પુરા પ્રાચીન યુગથી મહાન ઇજીપ્શ્યન સામ્રાજ્યોના તાબામાં રહેલુ સુદાન તે સમયથી ઘઉના ગોલ્ડન હાર્વેસ્ટ માટે વિખ્યાત રહ્યું છે. તે વિશ્વના કોઠારો પૈકીનું એક કહેવાતું હતું. તેને અત્યારે દુષ્કાળે ભરડો લીધો છે. આ વિશાળ દેશ અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયો છે. મહામાતા નાઇલને મળતી શાખા નદી બ્લ્યુ નાઇલની ઉત્તરનો ભાગ ઇસ્લામ ધર્મી છે. દક્ષિણનો ભાગ ખ્રિસ્તી ધર્મી રહ્યો છ. ઉપરનો ભાગ અત્યારે અસામાન્ય અને ઉપરા ઉપરી પડતા દુષ્કાળથી ત્રસ્ત છે. ત્યાં લોકોને ખાવાના સાસા છે. પરિસ્થિતિ એવી ઉપસ્થિત થઇ છે કે ત્યાં ખાદ્ય પદાર્થો માટે મહિલાઓને સૈનિકોના હવસનો ભોગ બનવું પડે છે. તેઓ પાસે બીજો ઉપાય પણ નથી. પોતાની અને પોતાના કુટુંબીજનોની ભૂખ સંતોષવા તેમને પેલા હવસખોર સૈનિકોની ભૂખ સંતોષવી જ પડે છે.
ઓમ્બુદરમન શહેરમાં રહેતી એક મહિલાએ ઇંગ્લેન્ડના વર્તમાનપત્ર ધી ગાર્ડીયનને જણાવ્યું હતું કે દેશની ફેકટરીઓમાં અનાજ સંગ્રહવામાં આવે છે. અમને ત્યાં લઈ જવાય છે. તે પછી બળાત્કારોની પરંપરા શરૂ થઈ જાય છે. તે અસહ્ય છે પરંતુ અમે નિરૂપાય છીએ. અમારી અને અમારા ભૂખે મરતા કુટુંબીજનોની ભૂખ સંતોષવા અમારે તે સૈનિકોની રાક્ષસી ભૂખ સંતોષવી જ પડે છે. મારા માતા પિતા ઘણા જ વૃદ્ધ છે. હું મારી ૧૨ વર્ષની પુત્રીને તો ઘરની બહાર જવા જ દેતી નથી. મેં જ તે સૈનિકો પાસે પહોંચી અનાજ માગ્યું. તેના બદલામાં તેમનો હવસ સંતોષવો જ પડયો હતો. આ રાક્ષસી સૈનિકો બધે જ છે. ઠેર ઠેર છે, ફેકટરીઓ ઉપર પણ તેમનો કબજો છે. થોડા અનાજ અને થોડા મીટ માટે મારે તેમને તાબે થવું જ પડયું હતું.
ગત વર્ષની ૧૫મી એપ્રિલથી સુદાનમાં લશ્કર અને અર્ધ લશ્કરી દળો વચ્ચે વણ અટકયું યુદ્ધ ચાલી જ રહ્યું છે. આ યુદ્ધમાં નાગરિકો પણ ભોગ બન્યા છે. હજી સુધીમાં નાગરિકો સહિત કુલ ૧૫૯,૦૦૦ થી વધુના મોત થયા છે, દેશમાં દુષ્કાળની પરિસ્થિતિ છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે, ૧ કરોડ અને ૧૦ લાખથી વધુ નાગરિકો વિસ્થાપિત થઈ ગયા છે. યુએનનો જ અહેવાલ જણાવે છે કે દુનિયામાના દેશો પૈકી સૌથી વધુ વિસ્થાપિતો સુદાનમાં છે.
અત્યારે સુદાનમાં લશ્કર, અર્ધ લશ્કરી દળો અને કહવાતા ક્રાંતિકારી સુદાનીઝ ફોર્સ (રીવોલ્યુશનરી સુદાનીઝ ફોર્સ) (આરએસએફ) વચ્ચે જંગ ચાલી રહ્યો છે. પરંતુ તે ત્રણે જંગાલિયત ભરેલા છે. પોત-પોતાના તાબા નીચેના વિસ્તારોમાં બેફામ હવસખોરી ચલાવે છે.
સુદાનના શહેરો અને ગામડાઓમાંથી પણ અસંખ્ય લોકો ઘરબાર રેઢા મુકી ચાલી નીકળ્યા છે. તેમાં રહેલી ચીજવસ્તુઓની લૂંટફાટ થઈ રહી છે. તે અટકાવવા સૈનિકો ઊભા હોય છે. પરંતુ તે જ સૈનિકો- મહિલાઓને તે મકાનોમાં ઢસડી જાય છે. તેમની ઇચ્છા સંતોષાયા પછી તે મહિલાઓને તે ઘરોમાં રહેલી ચીજવસ્તુઓ ઉઠાવી લેવાની પણ છૂટ આપે છે. સાથે અનાજ અને માંસ આપે છે. તેમ કેટલીએ મહિલાઓએ ગાર્ડીયનને જણાવ્યું હતું. તેમણ કહ્યું કે પછી તે ચીજવસ્તુઓ તેઓ મોટા શહેરોમાં વેચે છે.
એક મહિલાએ તેની આપવીતિ કહેતાં ગાર્ડીયનન જણાવ્યું હતું કે તેણ સોલજરોને તાબે થવાની ના પાડી તો તેને બેફામ માર મારવામાં આવ્યો. તેના પગ બાળી નાખવામાં આવ્યા. પેલી મહિલા ચીસા ચીસ કરતી હતી પેલા રાક્ષસી સૈનિકો તે ચીસો સાથે ખડખડાટ હસતા હતા.
આવી ક્રૂર ઘટનાઓ વિશે એક સુદાની સૈનિક કે જેણે પીશાચલીલામાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો તેણે પણ ગાર્ડીયનને કહી હતી.