વડાપ્રધાન મોદીએ પોલેન્ડમાં, યુએનમાં પરિવર્તન કરવા અને ભૂરાજકીય પડકારોનો સામનો કરવા અનુરોધ કર્યો
- પોલોન્ડનાં વડાપ્રધાન સાથે, યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ યુક્રેન અને પ.એશિયામાં ચાલતાં યુદ્ધો અંગે ઘેરી ચિંતા દર્શાવી
વોર્સો : પોલેન્ડની બે દિવસની મુલાકાતને અંતે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે અહીં યોજેલી એક પત્રકાર પરિષદમાં યુનાઇટેડ નેશન્સમાં અને તેની સંસ્થાઓમાં પરિવર્તન કરવા ઉપર ભાર મુકવા સાથે પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધો અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
આ સાથે તેઓએ કહ્યું હતું કે અંતરરાષ્ટ્રીય મંચ ઉપર ગાઢ સંકલન સ્થાપવા ભારત અને પોલેન્ડ સંમત થયા છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે અમે બંને યુનાઇટેડ નેશન્સમાં, અને અન્ય અંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં પરિવર્તન કરવાનો સમય આવી ગયો છે, કારણ કે હવે વૈશ્વિક ભૂરાજકીય પરિસ્થિતિ જ ઘણી ચિંતાજનક બની રહી છે.
વડાપ્રધાન મોદીએ યુક્રેનની યાત્રાના પ્રારંભ પૂર્વે આપેલાં તેમનાં વક્તવ્યમાં કહ્યું હતું કે 'પશ્ચિમ એશિયા અને યુક્રેનમાં ચાલી રહેલાં યુદ્ધો આપણા સૌને માટે ચિંતાજનક બની રહ્યાં છે. ભારત નિશ્ચિત રીતે માને છે કે કોઈ પણ પ્રશ્નનો ઉકેલ યુદ્ધ ભૂમિ પર ચાલી જ ન શકે. કોઈપણ પ્રકારની આપત્તિમાં થતાં નિર્દોષોનાં મૃત્યુ સમગ્ર માનવજાત માટે શરમજનક છે. કોઈપણ વિવાદનો ઉકેલ મંત્રણા અને રાજદ્વારી કાર્યવાહીથી જ લાવવો જોઇએ તેમ ભારત સ્પષ્ટ રીતે માને છે અને તો જ શાંતિ અને સ્થિરતા વિશ્વમાં સ્થપાઈ શકશે.
ત્રીજી વખત વડાપ્રધાન પદે ચૂંટાયા પછી મોદીની રશિયાની મુલાકાત બંને દેશો વચ્ચેનો ઘરોબો દર્શાવે છે. તેમ છતાં યુક્રેન અને તેના મિત્ર દેશ પોલેન્ડની મુલાકાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરા અર્થમાં બેલેન્સિંગ એક્ટ કરી રહ્યા છે.