Get The App

પાક.માં ઈમરાન 'સૌથી મોટા' પણ સરકાર શરીફની

Updated: Feb 12th, 2024


Google NewsGoogle News
પાક.માં ઈમરાન 'સૌથી મોટા' પણ સરકાર શરીફની 1 - image


- ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો સાથે પાક. કોર્ટોમાં અરજીઓનો રાફડો ફાટયો, ઈમરાન સમર્થક અપક્ષોની 'સદી' એળે ગઈ

- ચૂંટણીમાં ઈમરાન ખાન સમર્થિત અપક્ષો 101, નવાઝ શરીફ 75, બિલાવલ ભુટ્ટો 54 અને અન્ય પક્ષો 12 બેઠકો જીત્યા

- નેશનલ એસેમ્બ્લીની ચૂંટણીમાં અંતે ત્રણ દિવસે મતગણતરી પૂરી થઈ

- નવાઝ શરીફે બિલાવલ ભુટ્ટો અને એમક્યુએમ સાથે મળી ગઠબંધન સરકાર બનાવવા વાટાઘાટો શરૂ કરી

ઈસ્લામાબાદ : આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હિંસા વચ્ચે થયેલી નેશનલ એસેમ્બલીની ચૂંટણીના પરિણામો પછી રાજકીય સંકટ ઘેરું બની રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. જનતાએ ખંડિત ચૂકાદો આપતા કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. જોકે, ૨૬૫ બેઠકોની નેશનલ એસેમ્બલીમાં સરકાર બનાવવા માટે ૧૩૩ બેઠકોની બહુમતી માટે નવાઝ શરીફ બિલાવલ ભુટ્ટો અને એમક્યુએમ સાથે સરકાર બનાવે તેવી સંભાવના છે. સૌથી વધુ બેઠકો જીતનારા પીટીઆઈએ પણ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. પરંતુ નવાઝ શરીફ સરકાર બનાવશે તો ઈમરાન સમર્થિક અપક્ષોની 'સદી' એળે જશે. જોકે, પાકિસ્તાનમાં આ સરકાર લઘુમતી સરકાર હશે તે નિશ્ચિત છે. પરંતુ આ પાકિસ્તાન છે, જેમાં કયા સમયે શંષ થઈ જાય તે કંઈ કહી શકાય તેમ નથી.પાકિસ્તાનના ચૂંટણી પંચે ત્રણ દિવસે જાહેર કરેલા પરિણામો મુજબ ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈના સમર્થકોએ અપક્ષ ઉમેદવાર તરીકે સૌથી વધુ ૧૦૧ બેઠકો જીતી છે. ત્યાર પછી નવાઝ શરીફના પીએમએલ-એને ૭૫ બેઠકો સાથે બીજા નંબરે છે. પરંતુ એક પક્ષ તરીકે પીએમએલ-એન સૌથી મોટો પક્ષ છે. બિલાવલ ઝરદારી ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ ૫૪ બેઠકો સાથે ત્રીજા નંબરે છે. કરાચી સ્થિત મુત્તાહિદા કૌમી મુવમેન્ટ પાકિસ્તાન (એમક્યુએમ-પી)ને ૧૭ બેઠકો જ્યારે અન્ય નાના પક્ષોને ૧૨ બેઠકો પર વિજય મળ્યો છે. આમ, ત્રિશંકુ સંસદની પરિસ્થિતિમાં ઈમરાન ખાનના વિરોધમાં નવાઝ શરીફ બિલાવલ ભુટ્ટો અને એમક્યુએમ-પી સાથે ગઠબંધન સરકાર બનાવે તેવી સંભાવના છે. જ્યારે  ઈમરાન ખાનના પીટીઆઈએ પણ સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

પાકિસ્તાનની નેશનલ એસેમ્બલી માટે ગુરુવારે ૨૬૫ બેઠકો પર મતદાન થયું હતું. અત્યાર સુધીમાં ૨૬૪ બેઠકોના પરિણામ જાહેર કરાયા છે. પાકિસ્તાન ચૂંટણી પંચે એનએ-૮૮ બેઠક પર ગેરરીતિઓની ફરિયોદ પછી પરિણામ અટકાવી દીધું હતું. વધુમાં અન્ય એક બેઠક પર એક ઉમેદવારનું મોત થઈ જવાના કારણે ચૂંટણી સ્થગિત કરવી પડી હતી.

બીજીબાજુ ચૂંટણી પરિણામોની જાહેરાતમાં વિલંબ બદલ ઈમરાન ખાનના પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારો સહિત અનેક પક્ષોએ કોર્ટમાં અરજીઓ કરીને ચૂંટણી પરિણામોને પડકાર્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે ચૂંટણી પંચે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. લાહોરની બેઠકોમાં હારનો સામનો કરનારા પાકિસ્તાન તહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) સમર્થિત ઉમેદવાર ડૉ. યાસ્મીન રાશિદે ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચે ફોર્મ ૪૫ના બદલે નકલી ફોર્મ ૪૭ મુજબ પીએમએલ-એનના પ્રમુખ નવાઝ શરીફ અને તેમની પુત્રીને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ફોર્મ-૪૫ને  સામાન્ય રીતે મત ગણતરીનું પરિણામ ફોર્મ કહેવાય છે. તે પાકિસ્તાની ચૂંટણીનો મહત્વનો રેકોર્ડ હોય છે. 

ચૂંટણી પંચે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના પક્ષ પીટીઆઈનું ચૂંટણી ચિહ્ન રદ કરી દીધા પછી પીટીઆઈના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડયા હતા. નવાઝ શરીફને એનએ-૧૩૦ બેઠક પર ડૉ. રશિદ સામે ૫૯૦૦૦ મતોથી જ્યારે એનએ-૧૧૯ બેઠક પર શરીફની પુત્રી મરિયમ નવાઝને પીટીઆઈના ઉમેદવાર ફારુક શહજાદ સામે ૧૫૦૦૦ મતોથી વિજેતા જાહેર કરાયા હતા.

જોકે, લાહોર હાઈકોર્ટમાં આ પરિણામોને પડકારતા થયેલી અરજીઓમાંથી એકમાં યાસ્મીને કહ્યું કે, તેમણે ફોર્મ-૪૫ મુજબ શરીફ સામે વિજય મેળવ્યો હતો. પરંતુ ચૂંટણી પંચે ફોર્મ-૪૭ જાહેર કરીને પીએમએલ-એનના પ્રમુખને વિજેતા જાહેર કરી દીધા. એ જ રીતે શહજાદે કહ્યું કે, મરિયમ મતદાન કેન્દ્રના પરિણામો મુજબ બેઠક હારી ગઈ હતી, પરંતુ નકલી ફોર્મ-૪૭ મારફત તેને વિજેતા જાહેર કરાઈ હતી.

બીજીબાજુ અપક્ષ તરીકે ચૂંટણી લડનારા પીટીઆઈના સમર્થકોને ત્રણ દિવસમાં કોઈ એક પક્ષમાં જોડાવા નિર્દેશ આપવા અથવા તેમને ગેરલાયક ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી થઈ છે. અરજદાર હૈદરે દાવો કર્યો છે કે પીટીઆઈના સમર્થકો કોઈ રાજકીય પક્ષમાં જોડાય નહીં તો તેઓ અનામત બેઠકો પર ચૂંટણી લડવા અયોગ્ય ઠરી શકે છે.

ઈમરાન ખાનને રોકવાનો તખ્તો તૈયાર

બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન, શરીફ રાષ્ટ્રપતિ બને તેવી પણ અટકળો

પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્રણ દિવસે પરિણામો પણ જાહેર થઈ ગયા છે. કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતા હવે સરકાર બનાવવા માટેની ગઠજોડ શરૂ થઈ ગઈ છે. ઈમરાન ખાનને સરકાર બનાવતા રોકવા નવાઝ શરીફ તેના પક્ષે વધુ બેઠકો જીતી હોવા છતાં પીપીપીના નેતા બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન બનાવવા તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.સૂત્રોના જણાવ્યા મુજબ નવાઝ શરીફ અને આસિફ અલી ઝરદારી વચ્ચે સેટિંગ થઈ ગયું છે. સરકાર બનાવવા માટે અનેક વિકલ્પો પર વિચારણા થઈ રહી છે. પહેલા વિકલ્પ તરીકે બિલાવલ ભુટ્ટોને વડાપ્રધાન અને નવાઝ શરીફને રાષ્ટ્રપતિ બનાવાય તથા નવાઝના નાના ભાઈ શાહબાઝ શરીફ અથવા નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને પંજાબ પ્રાંતનું સુકાન સોંપવામાં આવે તેવી અટકળો છે. અન્ય એક અટકળો મુજબ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન વચ્ચે અઢી-અઢી વર્ષ શાસન કરવાના મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. અન્ય એક વિકલ્પ એવો છે, જેમાં શાહબાઝ શરીફ વડાપ્રધાન હોઈ શકે અને આસિફ ઝરદારી રાષ્ટ્રપતિ બની શકે.


Google NewsGoogle News