પાકિસ્તાનમાં હિન્દુ મંદિરને ઢોરવાડામાં ફેરવી નંખાયુ, ગાય-ભેંસો-બકરીઓ બાંધવાનો વિડિયો વાયરલ
Image Source: Twitter
ઈસ્લામાબાદ, તા. 5. ડિસેમ્બર. 2023 મંગળવાર
પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો યથાવત છે.આમ છતા દુનિયાનુ કોઈ માનવાધિકાર સંગઠન તેના પર હરફ સુધ્ધા ઉચ્ચારી રહ્યુ નથી.
છેલ્લા કેટલાક દિવસોથી હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાઈ રહ્યા છે.મંદિરો તોડવાની ઘટનાઓ વચ્ચે પંજાબ પ્રાંતમાં એક મંદિરને ઢોરવાડામાં ફેરવી નાંખવામાં આવ્યુ છે.રહીમયાર ખાન જિલ્લાના અહમદપુર લુમ્મા નામના ટાઉનમાં કેટલાક લોકોએ મંદિર પર કબ્જો કરીને તેમાં હવે ગાય, ભેસ અને મરઘીઓ રાખવાનુ શરુ કર્યુ છે.જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વિડિયો જોઈને લોકોની લાગણી દુભાઈ રહી છે.પાકિસ્તાન સરકારને લોકો મંદિરની કાળજી લેવા માટે અપીલ પણ કરી રહ્યા છે.
વિડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે મંદિરમાં દબાણ કરવામાં આવ્યુ છે અને હવે ત્યાં ગાય , ભેંસો બાંધવામાં આવી રહી છે.આ વિડિયો જોઈને લોકોએ પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતા પર અને લઘુમતીઓ સાથે થઈ રહેલા વર્તાવ પર સવાલો ઉઠાવ્યા છે.
કેટલાકનુ કહેવુ છે કે, પાકિસ્તાનની આર્થિક હાલત સારી નથી, ખાવાના પણ ફાંફા છે છતા પાકિસ્તાનીઓ લઘુમતીઓ સાથે ખરાબ વ્યવહાર કરવાનુ ચુકી રહ્યા નથી.
બે દિવસ પહેલા આ જ શહેરનો એક વિડિયો પણ સામે આવ્યો હતો.જેમાં પ્રાચીન કૃષ્ણ મંદિરને મદરેસામાં ફેરવવાની હિલચાલ નજરે પડી હતી.હવે આ જ શહેરના બીજા પ્રાચીન મંદિરને પણ ખતમ કરી દેવા માટે ત્યાં ઢોરવાડો બનાવી દેવાયો હોવાનુ જોઈને લોકોનુ લોહી ઉકળી રહ્યુ છે.