એક વર્ષમાં 97 હજાર ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા ઝડપાયા
- થોડાં વર્ષોમાં ભારતીયોની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી પાંચ ગણી વધી
- 30 હજાર ભારતીય નાગરિકો કેનેડાની સરહદેથી અને 40 હજાર મેક્સિકોની હદમાંથી અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતા : ઘૂસણખોરી બાબતે ભારતીયો ત્રીજા ક્રમે
વૉશિંગ્ટન : છેલ્લાં એક જ વર્ષમાં ૯૭ હજાર ભારતીય નાગરિકોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને ઝડપાઈ ગયા હતા. અમેરિકન બોર્ડર પ્રોટેક્શન એજન્સીના આંકડાં પ્રમાણે ઓક્ટોબર-૨૦૨૨થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીના ગાળામાં ૯૬૯૧૭ ભારતીય નાગરિકો ઝડપાયા હતા. અમેરિકામાં ઘૂસણખોરી બાબતે ભારતીયો ત્રીજા ક્રમે છે. એ સંદર્ભમાં અમેરિકન સાંસદે ભારતીયો પર કટાક્ષ કર્યો હતો અને અમેરિકન મીડિયાએ પણ ભારતીયોના વલણની ટીકા કરી હતી.
અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના ડેટા પ્રમાણે એક જ વર્ષમાં ૯૭ હજાર ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સૌથી વધુ ૪૧ હજાર ભારતીય નાગરિકોએ મેક્સિકો-અમેરિકાની બોર્ડરેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ૩૦ હજારથી વધુ ભારતીય નાગરિકોએ કેનેડાની હદમાંથી અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી હતી. ડેટા પ્રમાણે છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીયોની ઘૂસણખોરીનું પ્રમાણ પાંચ ગણું વધી ગયું છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં ૧૯૮૮૩ ભારતીયો ગેરકાયદે ઘૂસણખોરીમાં પકડાયા હતા. ૨૦૨૧માં આ આંકડો વધીને ૬૧,૯૨૭ થયો હતો. આ વર્ષે એમાં વધારો થયો હતો અને એક લાખની નજીક પહોંચ્યો હતો. ઘૂસણખોરીને અમેરિકન એજન્સીએ ચાર કેટેગરીમાં વહેચી હતી. બાળકો, પરિવારો, એકલા વ્યક્તિઓ અને પરિવારથી અલગ પડીને ઘૂસતા એકલ-દોકલ ગુ્રપ. એમાંથી એકલા ઘૂસતા ભારતીયોની સંખ્યા બહુ જ મોટી છે.
આ અંગે રિપબ્લિકન પાર્ટીના સાંસદ જેમ્સ લેન્કફોર્ડે કટાક્ષ કર્યો હતો કે ભારતીયોને ભારતમાં રહેવું હવે સલામત લાગતું નથી અને નોકરીઓનો અભાવ હોવાથી એ અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. આ સાંસદે કહ્યું હતું કે ગયા વર્ષે ૪૫ હજાર ભારતીયો અમેરિકાની દક્ષિણ સરહદ પાર કરીને દેશમાં ઘૂસી ચૂક્યા છે. તેનો અર્થ એવો થતો હતો કે આટલા ભારતીયો બોર્ડર સિક્યુરિટીની નજર ચૂકવીને અમેરિકામાં આવી ચૂક્યા છે.
બીજી તરફ અમેરિકન મીડિયાએ પણ ભારતીયોના આ વલણની ઝાટકણી કાઢી હતી. મીડિયા અહેવાલોમાં કહેવાયું હતું કે ભારતમાં ધાર્મિક ભેદભાવ વધ્યો છે. રાજકારણની સ્થિતિ બદલાઈ છે અને આર્થિક તકો ઘટી ગઈ છે. નોકરીઓ મળતી નથી, બેરોજગારીનો દર ખૂબ ઊંચો છે તેથી મોટા પ્રમાણમાં ભારતીયો અમેરિકામાં આવવા માગે છે. ન્યૂ અમેરિકન થિંક ટેંકના કહેવા પ્રમાણે અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની બાબતમાં ભારતીયો ત્રીજા ક્રમે છે.