માલદીવમાં મુઈજ્જુના સાંસદોને ગૃહમાં જ જમીન પર પછાડી વિપક્ષી સાંસદોએ માર્યા
- માલદીવ સંસદમાં અભૂતપૂર્વ ધાંધલ-ધમાલ
- દાયકાઓ સુધી ભારતે જ માલદીવને અછતના સમયે સહાય કરી છે છતાં મુઈજ્જુ ચીન તરફે વળતાં પૂર્વ રાષ્ટ્રપતિ અને તેના સાથીઓ ગરમાયા
માલે : ભારત સાથે સંબંધો બગાડયા પછી માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુની મુશ્કેલીઓ સતત વધી રહી છે. પૂર્વ પ્રમુખ મોહમ્મદ સોવીટની પાર્ટી મુઈજ્જુના ચીન પ્રેમથી અત્યંત ગરમાઈ ગઈ છે. સાથે ભારત સાથેના સંબંધો બગાડવા અંગે પણ નારાજ છે. તેઓ કહે છે કે ભારત તો આપણો ૧૯૯ નંબર (આપત્તિ સમયનો નંબર) છે. જ્યારે જ્યારે મુશ્કેલીઓ ઊભી થઈ છે ત્યારે ત્યારે ભારત 'અર્ધી રાતનો હોંકારો' બન્યું છે.
તેથી વિપક્ષી સાંસદો મોઈજ્જુની 'માલદીવીયન ડેમોક્રેટિક પાર્ટી' (એમડીપી) સાથે મારામારી ઉપર આવી ગયા તેટલું જ નહીં પરંતુ મોઈજ્જુના સાંસદોને જમીન પર પછાડી તેમને ગડદા-પાટુ પણ કર્યા. વરિષ્ટ નેતાઓએ માંડ-માંડ મામલો શાંત પાડયો.
આ વિપક્ષી સાંસદોમાં 'પીપલ્સ નેશનલ કોંગ્રેસ' (પી.એન.સી) અને 'પ્રોગ્રેસિવ પાર્ટી ઓફ માલદીવ' (પીપીએમ)ના સાંસદો સમાવિષ્ટ છે. તેઓ પૂર્વ પ્રમુખ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિટના સમર્થકો છે.
આ તોફાનની શરૂઆત ત્યારે થઈ કે જ્યારે વર્તમાન પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ તેમનાં મંત્રીમંડળના સભ્યો માટે મંજૂરી મેળવવા બોલાવાયેલાં સાંસદનાં વિશેષ સત્રમાં તેમના મંત્રીમંડળ સાથે ઉપસ્થિત થયા ત્યારે વિપક્ષી સભ્યોએ વિરોધમાં સૂત્રોચ્ચારો કર્યા તેમાંથી વાત વણસી, મુઈજ્જુના પક્ષના સાંસદો સામા થયા પછી તો છુટ્ટા હાથની મારામારી શરૂ થઈ. વિપક્ષી સાંસદોએ શાસક પક્ષ તેવા મુઈજ્જુના પક્ષના સાંસદોને જમીન પર પછાડી દીધા, ગડદા-પાટુ શરૂ કર્યા છેવટે સંસદ અચોક્કસ સમય સુધી મુલતવી રાખવી પડી. કેટલાક વરિષ્ટ સભ્યોએ મામલો માંડ માંડ શાંત કર્યો. ચીનના દાંત ખાટા થઈ ગયા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મુઈજ્જુ અત્યારે એટલા અળખામણા થઈ ગયા છે કે વિપક્ષો તેમની ઉપર મહાઅભિયોગ ચલાવવા તૈયારી કરી રહ્યાં છે.