કુઆલાલમપુરમાં ફૂટપાથ પર ભૂવો પડતાં ભારતીય મહિલા ગરકાવ થઈ
- મલેશિયાના બે મહિનાના પ્રવાસે ગયેલી મહિલા ગુમ
- પીડિત 26 ફૂટ ઊંડા ખાડામાં ખોવાઈ ગઈ, પાણીની પાઈપો અને ડ્રેનેજ બંધ કરવાની સરકારની આનાકાની
કુઆલાલમપુર : મલેશિયાની રાજધાનીમાં ૪૮ વર્ષીય ભારતીય મહિલા પર્યટક ભૂવામાં પટકાતાની સાથે જ ગાયબ થઈ ગઈ હતી. આ ઘટના ડાંગ વાંગી વિસ્તારમાં ઘટી હતી. આ ઘટના નજરે જોનારે જણાવ્યું કે, મહિલા ફૂટપાથ પર ચાલી રહી હતી ત્યારે અચાનક જ ગાબડુ પડયું હતું અને ૨૬ ફૂટ ઊંડો ખાડો તેને ભરખી ગયો હતો. મલેશિયા સરકારના અધિકારીએ કહ્યું કે, મહિલા પાણીના પ્રવાહમાં વહી ગઈ હોવાની સંભાવના છે. કુઆલાલમપુર પોલીસે જણાવ્યું કે, મહિલા તેના પતિ અને મિત્રો સાથે મલેશિયા ફરવા માટે આવી હતી. તેની શોધખોળ માટે સ્પેશિયલ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે વિસ્તારની નાકાબંધી કરીને કાટમાળ હટાવવા માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ, તેમને અત્યાર સુધી મહિલાની કોઈ ભાળ મળી નથી. પોલીસ અધિકારીએ મહિલા અંડરગ્રાઉન્ડ પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હોઈ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, આ વિસ્તારમાં ગત વર્ષે પણ ભૂવો પડયો હતો. તે સમયે રિપેરિંગ કરીને તેને ફરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. હાલ, આ વિસ્તારની તમામ દુકાનોને બંધ કરવામાં આવી છે. આ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર હોવાથી સરકાર ધીમી ગતિથી આગળ વધી રહી છે. અધિકારીએ કહ્યું કે, આ વિસ્તારમાં પાઈપો અને ડ્રેનેજ બંધ કરવામાં આવે તો વિસ્તારમાં પૂર આવી શકે છે. મહિલા છેલ્લા બે મહિનાથી મલેશિયામાં હતી અને શનિવારે ભારત પરત ફરવાની હતી.