માત્ર દોઢ વર્ષમાં અઢી લાખ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ભણવા પહોંચ્યાં, વિદેશ તરફ ધસારો વધ્યો
Indian Students in Australia for Study: 2020 થી 2022ના કોવિડના બે વર્ષ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ઝીરો માઈગ્રેશન અને ઈમિગ્રેશનની સ્ટ્રીક્ટ પોલીસી બાદ 2023થી દુનિયાના વિઝીટર્સ, ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા ઈચ્છતા હાઈલી સ્કીલ્ડ પ્રોફેશનલ્સની સંખ્યામાં ઘણો વધારો થયો છે.
6 લાખ મુલાકાતીઓ વિવિધ કેટેગરી હેઠળ ઓસ્ટ્રેલિયા જાય છે
માત્ર 2023માં 6 લાખ મુલાકાતીઓ વિવિધ કેટેગરી હેઠળ ઓસ્ટ્રેલિયા આવ્યા છે જેમાં 1,24,829 તે એકલા ભારતીય વિદ્યાર્થીઓ હતા અને આ વર્ષે એપ્રિલ સુધીમાં ભારતના 1,16,610 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા આવ્યા છે જે પૈકીના 73,489 ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે.
અઢી લાખ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જાય છે
2005 થી 2023ના 18 વર્ષોમાં ભારતના અઢી લાખ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા હતા. પરંતુ છેલ્લા દોઢ જ વર્ષમાં બીજા અઢી લાખ વિદ્યાર્થીઓ આવતા અત્યાર સુધી 5 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અહીં આવ્યા છે. તેવું મુંબઈ ખાતેના નવા ઓસ્ટ્રેલીયન કોન્સ્યુલેટ જનરલ પોલ મરફીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં ભારતીય કલ્ચરલ સેન્ટર્સ
તેમણે કહ્યું, 'ભારતની પ્રજા અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાને બહુ આદર છે કારણ કે, સાંસ્કૃતિક વારસાનું તે સુંદર રીતે જતન કરે છે અને મુખ્ય પ્રવાહમાં ભળી જાય છે. કેનબેરામાં તમને એમ લાગે કે તમે ચેન્નાઈ, મુંબઈ, દિલ્હી કે અમદાવાદમાં ફરી રહ્યા છો એટલા ભારતીય કલ્ચરલ સેન્ટર્સ અને ઈટીંગ આઉટલેટ્સ છે.
વિદ્યાર્થીઓ મિસગાઇડ ન થાય એટલે એક્રીડેટેડ યુનિવર્સિટી લિસ્ટ પણ તૈયાર
હમણાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ વાઇડ સ્ટુડન્ટસ વીઝા ફી વધારી છે એનું કારણ એ છે કે આટલા બધા ધસારાનું મેનેજમેન્ટ કરવા સાથે, અનેક તબક્કે ગળાઈને શ્રેષ્ઠ ટેલેન્ટ ફિલ્ટર થઈને ઓસ્ટ્રેલિયા આવે, ભણે અને કારકિર્દી પણ ત્યાં બનાવે. વિદ્યાર્થીઓ મિસગાઇડ ન થાય તે એટલે એક્રીડેટેડ યુનિવર્સિટીઓ-કોલેજોનું લિસ્ટ પણ તૈયાર કરાયેલું જ છે જેને તેઓ અનુસરી શકે છે.
આર્થિક રીતે સદ્ધર ન હોય પણ અત્યંત તેજસ્વી હોય એવા ભારતીય વિદ્યાર્થીઓ ભારતમાં જ રહીને ટોચની ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે તે માટે વૂલનગોંગ જેવી નોંધપાત્ર યુનિવર્સિટી ભારતમાં આવી છે, જે 50 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરશે. એવી જ રીતે ડીકીન યુનિવર્સિટી ગાંધીનગરમાં ગિફ્ટ સીટીમાં 300 વિદ્યાર્થીઓ ભણાવશે.
ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો સુખી છે
ઓસ્ટ્રેલિયામાં કોઈવાર વંશીય હુમલાની ઘટનાઓ બને છે તે સાચુ છે પરંતુ કેટલાકમાં વ્યક્તિગત ઇશ્યુ અને પ્રોબ્લેમ્સ પણ હોય છે તેમ છતાં ગુનેગારોને ક્યારેય છોડવામાં આવતા નથી. બાકી વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહેતા 10 લાખ ભારતીયો ઘણા સુખી છે જે પોતાના કલ્ચર સાથે ઓસ્ટ્રેલિયાના વિકાસમાં પ્રદાન કરી રહ્યા છે.
એક અન્ય પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ભારત 2036નો ઓલિમ્પિક રમતોત્સવ પોતાના ત્યાં લાવવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેને જાહેરમાં વોકલ ટેકો આપ્યો છે અને જો ઓલિમ્પિક મળશે તો પોતાના અનુભવને આધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને લોજીસ્ટીક સહિત તમામ ટેકનિકલ સહાય કરશે.
તેમણે વધુમાં કહ્યું કે, 'હું ભારતમાં અગાઉ આવી ચૂક્યો છું, પણ આ વખતે કોન્સ્યુલ જનરલ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ઓલિમ્પિક ઉપરાંત ગ્રીન ઇકોનોમીમાં સહકારના મુદ્દે ચર્ચા કરીશ જેમાં સોલાર, ઇલેક્ટ્રીસીટી અને લોંગ લાસ્ટીંગ, હાઇ કેપેસીટી બેટરી પર ભાર મૂકીશ.'
ઓસ્ટ્રેલલિયા પોતે ગ્લોબલ વોર્મીંગ અને ગ્રીન હાઉસ ગેસીસ ઇફેક્ટનો સામનો કરી રહ્યું છે અને ત્યાં કેટલેક ઠેકાણે ઓઝોન લેયરના જે ગાબડા છે એને અમે જે ટેકનીકથી અટકાવી દીધા છે તેની પણ ચર્ચા કરીશ. ઓઝોન લેયરમાં ગાબડાને લીધે સ્કીન કેન્સરના પ્રમાણમાં ઘણો વધારો થાય છે ત્યારે આખા વિશ્વએ જાગૃત થવાની જરૂર છે.