બલુચિસ્તાનમાં 20 ખાણિયા મજૂરોની કરપીણ હત્યાથી ચકચાર : સાતને ઈજા
આતંકીઓએ બધાને લાઈનમાં ઉભા રાખી ગોળીથી વીંધી નાંખ્યા
કવેટા: પાકિસ્તાનમાં ૧૬-૧૭ ઓક્ટોબરે શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસ.સી.ઓ)ની પરિષદ મળવાની છે, તેમાં ચીનના વડાપ્રધાન લી કવીચાંગ સહિત અન્ય ઘણા દેશોના વડાઓ કે સરકારના વડાઓ ઉપસ્થિત રહેનારા છે. કોઈ દેશ વરિષ્ટ મંત્રીઓને પણ મોકલશે. ભારત તરફથી વિદેશ મંત્રી જયશંકર ઉપસ્થિત રહેવાના છે, તેનાં પાંચ દિવસ પહેલાં જ બલુચિસ્તાનમાં કોલસાની ખાણમાં કામ કરતા ખૈબર-પખ્તુનમા (સરહદ) પ્રાંતના મજૂરોને તેમને માટેનાં રહેણાંકનાં મકાનમાંથી બહાર કાઢી લાઈનસર ઉભા રાખી આતંકીઓએ ઠાર માર્યા છે. શુક્રવારે બનેલી આ ઘટનામાં ૭ને ઈજાઓ થઈ છે જે પૈકી કેટલાક ગંભીર છે.આ ઘટના અંગે બલુચિસ્તાનમાં સ્વાતંત્ર્યની માંગણી કરી રહેલા બલુચ લિબરેશન આર્મી (બી.એલ.એ) દ્વારા હજી સુધી તેની કોઈ જવાબદારી સ્વીકારવામાં આવી નથી. પરંતુ તે કૃત્ય તેમનું જ હોવાનું માનવામાં આવે છે.
દેશમાં દક્ષિણ-પશ્ચિમે આવેલો આ પ્રાંત તેલ અને કોલસાનાં ભંડારો ધરાવે છે. પાકિસ્તાનની સમવાયતંત્રી (કેન્દ્ર) સરકાર તે ખોદી લઈ જાય છે, પરંતુ કાયદેસર તો જે પ્રાંતમાંથી ખનીજો પ્રાપ્ત થાય તેનો ૨૫ ટકા હિસ્સો આપવો જ જોઈએ. જે સમવાયતંત્રી સરકાર આપતી નથી. તેથી બલુચિસ્તાનમાં જનતાનો આક્રોશ વધ્યો છે.
બીજી મહત્વની વાત તે છે કે ચીને તેના બેલ્ટ રોડ ઈનિસ્વેટિવ (બીઆરઆઈ) નીચે ચીની ઈજનેરો, ચીની ભાષા શીખવનારા શિક્ષકો, વગેરે પાકિસ્તાન મોકલે છે તેથી બલુચો ઝનૂને ભરાયા છે અને ચીની નાગરિકોને વીણી વીણીને મારી નાખે છે.પાકિસ્તાનમાં સતત વધી રહેલી અશાંતિના સંદર્ભે તા. ૧૨ ઓક્ટોબરથી ૧૬મી ઓક્ટોબર સુધી તમામ રેસ્ટોરાં, લગ્નો માટેના હોલ, કાફે અને સ્નૂકર કલબ ઈસ્લામાબાદમાં બંધ રખાશે.
હવે તો તે જગજાહેર થઈ ગયું છે કે, બલુચો ચીનાઓની હાજરીના સખત વિરોધી છે. ગયા સોમવારે પાકિસ્તાનનાં સૌથી મોટા વિમાનગૃહ કરાંચીનાં વિમાનગૃહની બહાર ચીનના નાગરિકોની હત્યા કરાઈ હતી. તે પૂર્વે કરાચીની શાળાઓમાં અને કોલેજોમાં ચીની ભાષા શીખવાડનારા શિક્ષકો અને પ્રોફેસરોની પણ હત્યા કરવામાં આવી હતી. ખૈબર-પખ્તુનવા પ્રાંતમાંથી પસાર થતાં તે માર્ગનાં કામકાજ પર દેખરેખ રાખતા ચીની સુપરવાઈઝરો અને ઈજનેરોની પણ હત્યા કરાતી હોય છે.
બલુચિસ્તાનનાં ગ્વાડા બંદરે કામ કરતાં ચીની ઈજનેરોની પણ હત્યા થઈ હતી તે પછી ચીને પાકિસ્તાનના વડાપ્રધાનને ખખડાવી નાખ્યા હતા અને તેમને તે બધું નીચાં મોંએ સાંભળી લેવું પડયું હતું.કેટલાક વિશ્લેષકો તો સ્પષ્ટ માને છે કે, શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની મીટ (શિખર પરિષદ) સમયે જ બલુચ આતંકીઓ કે. ખૈબર પખ્તુન્વા પ્રાંતમાં રહેવા તાલિબાન-એ-પાકિસ્તાન અનેકને 'જન્નત-નશીન' કરી નાખશે, તો પાકિસ્તાનની ચીંથરેહાલ થયેલી આબરૂના પણ વધુ ચીથરાં ઉડી જશે.