અફઘાનિસ્તાનમાં તાલિબાનનું મોહરમ પર કડક વલણ, છાતિ કુટવા પર પ્રતિબંધ મુકયો
ઝેબ્રિયલ ટાઉનશીપમાં તાલિબાને શોક મનાવતા લોકોના ઝંડા ફાડી નાખ્યા
નકકી કરેલા સ્થળોએ જ મોહર્રમનું આયોજન કરવાનું ફરમાવાયું
કાબૂલ, ૧૭ જુલાઇ,૨૦૨૪,બુધવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા પછી તાલિબાન સંગઠન જાતભાતના પ્રતિબંધો અને ફરમાન બહાર પાડતું રહે છે.તાજેતરમાં તાલિબાને રસ્તાઓ પર છાતી પીટવા અને ખુદને મારવા પર પ્રતિબંધ મુકયો છે. મહોરમમાં આ એક વિધી હોય છે. ખાસ કરીને શિયા સમુદાયને ધ્યાનમાં રાખીને તાલિબાને ફરમાન જાહેર કર્યુ હતું. આ ઉપરાંત કેટલાક સ્થળોએ આશૂરા મનાવવા પર પણ સખત વલણ અપનાવ્યું હતું.
હેરાતમાં ઝેબ્રિયલ ટાઉનશીપમાં તાલિબાને શોક મનાવતા લોકોના ઝંડા ફાડી નાખ્યા હતા. એટલું જ નહી પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ અંગે શિયા મુસ્લિમોએ રોષ પ્રગટ કર્યો હતો. તાલિબાને શિયા મુસ્લિમોને કેટલાક નકકી કરેલા સ્થળોએ જ મોહર્રમનું આયોજન કરવાનું નકકી કરવામાં આવ્યું હતું. એક અહેવાલ મુજબ આ માટે શિયા ધર્મગુરુઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી.
કોઇ પણ સડક કે ફૂટપાથ બંધ ના થાય તેની કાળજી રાખવા સૂચના આપી હતી. બેઠકમાં આશૂરા દરમિયાન રાજકીય માહોલ કે પ્રચાર ઉભો ના થાય તેનું ધ્યાન રાખવા પણ જણાવાયું હતું. જાહેરાતમાં તાલિબાનના સૂચના અને સંસ્કૃતિ વિભાગના પ્રમુખ અહમદુલ્લા મુત્તાકીએ મોહરમના સમારોહને રાજકીય અને વિદેશી ગણાવ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમનું ભાષણવાયરલ થતા લોકોએ તિવ્ર પ્રતિક્રિયા આપી હતી.