અફઘાનિસ્તાનમાં ઘરોમાં બારી ના હોવી જોઇએ, મહિલાઓને બહાર જોવા પર પણ પ્રતિબંધ
- અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજમાં ઘર મહિલાઓ માટે જેલ બન્યા
- મહિલાઓને કામ પર રાખી તો લાઇસન્સ રદ કરવામાં આવશે : તમામ એનજીઓને તાલિબાને ચેતવણી આપી
કાબુલ : અફઘાનિસ્તાન પર કબજો કરી બેઠેલુ તાલિબાન દિવસે ને દિવસે મહિલાઓના અધિકારો છીનવી રહ્યું છે. અગાઉ મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ મુક્યો હતો હવે વધુ એક ફરમાન જારી કર્યું છે. તાલિબાને અફઘાનિસ્તાનની મહિલાઓ પર એનજીઓમાં કામ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે. જેને પગલે મહિલાઓ અફઘાનિસ્તાનની કે વિદેશની સંસ્થાઓમાં કામ નહીં કરી શકે. અન્ય એક ફરમાન ઘરોને લઇને છે, તાલિબાને કહ્યું છે કે મહિલાઓ ઘરોની બહાર કઇ જોઇ ના શકે તે રીતે ઘરોને તૈયાર કરવામાં આવે અને આવી કોઇ બારી ના રાખવામાં આવે.
અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો માટે એનજીઓ અવાજ ઉઠાવી રહ્યા છે જે તાલિબાનીઓને પસંદ નથી આવી રહ્યું, આ એનજીઓ મહિલાઓ પર અત્યાચારના રિપોર્ટ પણ જારી કરતા આવ્યા છે. એવામાં તાલિબાને મહિલાઓ પર કોઇ પણ પ્રકારની સંસ્થામાં કામ કરવા પર પ્રતિબંધ મુકતુ ફરમાન જારી કરી દીધુ છે. જો અફઘાનિસ્તાનમાં કામ કરતી કોઇ સંસ્થા આ ફરમાનનું પાલન નહીં કરે અને મહિલાઓને કામ પર રાખશે તો તેનું લાઇસેંસ રદ કરવાની પણ ચિમકી આપી છે.
મહિલાઓને ઘરોમાં નિસહાય કેદ કરીને રાખવાનું વધુ એક ફરમાન તાલિબાન દ્વારા જારી થયું છે, તાલિબાની નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાએ કહ્યું હતું કે ઘરોમાં એવી બારીઓ કે વ્યવસ્થા ના હોવી જોઇએ કે જ્યાં મહિલાઓ બેસી શકે કે ઘરની બહાર જોઇ શકે. તાલિબાને મહિલાઓને ન માત્ર ઘરોમાં રહેવા મજબૂર કરી છે સાથે સાથે તેમને ઘરોમાંથી બહારની દુનિયા જોવા પર પણ પ્રતિબંધ મુકતા આદેશ આપ્યા છે. એટલે કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે ઘરોને જ જેલ બનાવી દેવાયા છે. આ પહેલા તાલિબાન મહિલાઓને અફઘાનિસ્તાનમાં શિક્ષણ મેળવવાથી અટકાવી ચુક્યું છે. વિદેશમાં અભ્યાસ માટે જતી મહિલાઓને પરેશાન કરાઇ રહી છે. પુરુષ વગર મહિલાઓના બહાર નિકળવા કે પાર્ક અથવા ગાર્ડનમાં જવા પર પણ પ્રતિબંધ મુકી ચુક્યું છે.