1892માં ગ્રોવર કલીવલેંડે પણ ટ્રમ્પની જેમ વ્હાઇટ હાઉસમાં ફરી એન્ટ્રી કરી હતી
અમેરિકાના રાજકિય ઇતિહાસમાં ટ્રમ્પનું ઐતિહાસિક કમબેક
પહેલા ચુંટણી હારી ચુકયા હોવાથી વિરોધીઓએ કમ આંકયા હતા.
વોશિંગ્ટન,૬ નવેમ્બર,૨૦૨૪,બુધવાર
ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૧૬ થી ૨૦૨૦ અને હવે ૨૦૨૪ થી વધુ ચાર વર્ષ માટે રાષ્ટ્રપતિ પદની ચુંટણી જીત્યા છે. કોરોના મહામારી પછી ૨૦૨૧માં યોજાયેલી ચુંટણીમાં ટ્રમ્પે હાર ખમવી પડી હતી. અમેરિકાના રાજકિય ઇતિહાસમાં એક વાર ચુંટણી હાર્યા પછી કમબેક કરીને ચુંટણી જીતવામાં આવી હોય તેવું માત્ર એક વાર જ બન્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની જેમ ૧૩૨ વર્ષ પહેલા ગ્રોવર કલીવલેંડ ટ્રમ્પની જેમ જ હારીને કમબેક કરીને બાજીગર બન્યા હતા.
ગ્રોવર કલીવલેંડ ૧૮૮૪માં પ્રથમવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા હતા. તેમની પ્રેસિડેન્ટ ટર્મ પુરી થતા ૧૮૮૮માં ફરી ચુંટણીના મેદાનમાં ઉભા રહયા પરંતુ હાર ખમવી પડી હતી. ગ્રોવરે વ્હાઇટ હાઉસ છોડવું પડયું પરંતુ ફરી પ્રેસિડેન્ટ બનવાની આશા છોડી ન હતી. ૧૮૯૨માં યોજાયેલા પ્રેસિડેન્ટ ઇલેકશનમાં ફરી લોકો પાસે મત માગ્યા હતા.
અગાઉની ચુંટણી હારી ચુકયા હોવાથી તેમના વિરોધીઓએ કમ આંકયા હતા.ચુંટણીના પરિણામોમાં કલીવલેન્ડ જીત્યા એટલું જ નહી પોપ્યુલર મત પણ મળ્યા હતા. ગ્રોવર એક એવા રાષ્ટ્રપતિ હતા જેમણે એક વાર વ્હાઇટ હાઉસ છોડયા પછી ફરી એન્ટ્રી મળી હતી. આ ઇતિહાસ ૧૩૨ વર્ષ પછી ટ્રમ્પે દોહરાવ્યો છે. ગ્રોવર કલીવલેંડ ડેમોક્રેટસ જયારે ટ્રમ્પ રીપબ્લીકન પાર્ટી વતી બે વાર વ્હાઉટ હાઉસમાં એન્ટ્રી કરનારા મહાનુભાવ છે.