15 દિવસમાં જ ઘૂંટણિયે હીઝબુલ્લાહની ઇઝરાયેલને યુદ્ધવિરામની આજીજી
- યુદ્ધવિરામ અને યુદ્ધ એક સાથે, હીઝબુલ્લાહે ઇઝરાયેલ પર 180 રોકેટ છોડયાં
- ઇઝરાયેલે હમાસના છ કમાન્ડરો સહિત 50 આતંકીઓને ઠાર કર્યા, ગાઝાના હુમલામાં ૧૫ના મોત : ગાઝા તથા લેબનોનમાં 45 અને 200 આતંકવાદી સ્થાનો ખતમ, ઇઝરાયેલે ચોથી ડિવિઝન પણ બોલાવી
મધ્યપૂર્વનું યુદ્ધ રોકવા અમેરિકા અને આરબ દેશોએ ઇરાન સાથે ખાનગી રાહે મંત્રણા શરૂ કર્યાના અહેવાલ
તેલઅવીવ : ગાઝામાં ચાલતા યુદ્ધમાં ખતમ થવાને આરે આવ્યા છતાં હમાસે શરણાગતિ સ્વીકારી નથી તો હીઝબુલ્લાહે ઇઝરાયેલા યુદ્ધ શરુ કર્યાના ૧૫ જ દિવસમાં ઘૂંટણ ટેકવી દીધા છે અને ઇઝરાયેલને યુદ્ધવિરામ માટે આજીજી કરી છે. તેની સાથે તેણે ઇઝરાયેલ પર ૧૮૦ જેટલા રોકેટ છોડતા સરકારે લોકોને ઘરની બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત પ્રમાણમાં રાખવાની ચેતવણી આપી છે.
હીઝબુલ્લાહના નાયબ વડા નઇમ કાસિમે ઇઝરાયેલને યુદ્ધવિરામની અપીલ કરી છે. આ યુદ્ધવિરામ માટે હીઝબુલ્લાહે ઇઝરાયેલ ગાઝામાં યુદ્ધવિરામ કરે તેવી શરત મૂકી હતી તે પણ છોડી દીધી છે. ઇઝરાયેલના લશ્કરે ગણતરીના દિવસોમાં હીઝબુલ્લાહના ટોચના કમાન્ડરોનો ખાતમો કરી દીધો છે.
હસન નસરલ્લાહ પછી તેના ઉત્તરાધિકારી અને પછી તેના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે. તેની સાથે શસ્ત્રોનો જંગી જથ્થો કબ્જે કરી ચૂક્યા છે અને સેકન્ડો કમાન્ડરો અને આતંકવાદીઓનો ખાત્મો કરવામાં આવી ચૂક્યો છે. ઇઝરાયેલે સાઉથ લેબનોનના ૧૨૩ કસ્બા તેના કબ્જામાં લઈ લીધા છે અને ત્યાંથી હીઝબુલ્લાહના આતંકવાદીઓને ખતમ કરી નાખ્યા છે અથવા તો કેટલાય ભાગી ગયા છે.ઇઝરાયેલ હીઝબુલ્લાહના આતંકવાદીઓ સામે તેની કાર્યવાહી તીવ્ર બનાવવા માટે લેબનોનનમાં ચોથી ડિવિઝન ઉતારવાની પણ તૈયારી કરી રહ્યું છે.
હીઝબુલ્લાહના નાયબ વડા નઇમ કાસિમે જણાવ્યું હતું કે તે યુદ્ધવિરામના રાજકીય પ્રયત્નોનું સમર્થન કરે છે. એક વખત યુદ્ધવિરામ સ્થપાઈ જાય તો કૂટનીતિ દ્વારા અન્ય બાબતો પર પણ સંમતિ થઈ શકશે. આ સમયે અમારા માટે લેબનોનવાસીઓથી વધીને કશું નથી. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે જણાવ્યું હતું કે અમેરિકા અને અરબ રાજ્યોએ મધ્યપૂર્વમાં ચાલતા આ યુદ્ધને રોકવા માટે ઇરાન સાથે ખાનગી રાહે મંત્રણા શરુ કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને બુધવારે સવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત પણ કરી છે. બંને વચ્ચે ઇરાન સાથે ચાલતા સંઘર્ષને લઈને ચર્ચા પણ કરવામાં આવી. બંનેએ લેબનોન અને ગાઝાના યુદ્ધ પર પણ ચર્ચા કરી હતી. આ વાતચીત તાજેતરના સપ્તાહોમાં લાંબા સમય પછી બંને વચ્ચે થયેલી પ્રથમ વાતચીત હતી. નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે તેમણે ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પ સાથે પણ વાત કરી હતી. ટ્રમ્પે નેતન્યાહુને આ પ્રકારે મક્કમતાપૂર્વક ઓપરેશન ચલાવવા બદલ અભિનંદન આપ્યા હતા.
આ દરમિયાન ઇઝરાયેલ ગાઝામાંથી હમાસ અને લેબનોનમાંથી હીઝબુલ્લાહને ખતમ કરી નાખીશું તે અભિયાનમાં બરોબરનું લાગેલું છે. ઇઝરાયેલે છેલ્લા ૨૪ કલાકમાં હીઝબુલ્લાહના ૫૦થી વધુ આતંકવાદીઓને ઠાર કર્યા અને તેમા કેટલાક સીનિયર કમાન્ડરોનો સમાવેશ થાય છે. હીઝબુલ્લાહના આતંકવાદીઓને ઇઝરાયેલ શોધી-શોધીને મારી રહ્યુ છે. ઇઝરાયેલે છેલ્લા ૨૪ કલાકમાં હમાસ-હીઝબુલ્લાના લગભગ અઢીસો જેટલા ઠેકાણા ખતમ કરી નાખ્યા. ઇઝરાયેલે ગાઝામાં પણ બે મહિલા અને ચાર બાળકો સહિત ૧૫ને ઠાર કર્યા છે.
ઇઝરાયેલના લશ્કરે દક્ષિણ લેબનોનમાં હીઝબુલ્લાહના ઘણા લોન્ચ પડે ખતમ કરી નાખ્યા. હીઝબુલ્લાહ આ લોન્ચ પેડ પરથી રોકેટ અને ડ્રોન ઉત્તરી ઇઝરાયેલમાં છોડતું હતું. આ ઉપરાંત તેણે કેટલીય એર સ્ટ્રાઇકમાં હીઝબુલ્લાહના સ્થાનોને ખતમ કરી નાખ્યા છે. આ ઉપરાંત તેણે ગાઝામાં હમાસના બીજા ૪૫ ટાર્ગેટ્સ ખતમ કર્યા છે. ઇઝરાયેલે ગાઝામાં પણ તેની લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે. ઉત્તરી ગાઝામાં હજી પણ ઇઝરાયેલનું લશ્કર આકરી લડાઈ લડી રહ્યું છે. ઇઝરાયેલે આખા વિસ્તારના કાટમાળમાં ફેરવી દઈ અલગથલગ પાડી દીધો છે. તેમા ગાઝા સિટીનો પણ સમાવેશ થાય છે. તેણે ગયા ઓક્ટોબરમાં જ લોકોને ગાઝાની દક્ષિણે જવા ફરમાન કર્યુ હતુ. અત્યાર ગાઝાની ૨૩ લાખની વસ્તીમાં કુલ ૨૦ લાખ વિસ્થાપિત છે. અત્યાર સુધીમાં ૪૪ હજાર ગાઝાવાસીઓ માર્યા ગયા છે. આંકડો સતત વધી રહ્યો છે.