Get The App

ઇમરાન સમર્થકોનો સત્તા સામે બળવો આઠના મોત, દેખો ત્યાં ઠારના આદેશ

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ઇમરાન સમર્થકોનો સત્તા સામે બળવો  આઠના મોત, દેખો ત્યાં ઠારના આદેશ 1 - image


- ઇમરાન ખાનને જેલમૂક્ત કરોના નારા સાથે પત્ની બુશરા બીબીની આગેવાનીમાં હજારો લોકો રસ્તા પર

- સુપ્રીમ, સંસદ, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન આવેલા છે તે ડી ચોક સુધી ઇમરાન સમર્થકોની કૂચથી સરકાર-સૈન્ય ફફડયા 

- ઇસ્લામાબાદમાં પ્રવેશબંધી માટે ખડકેલા મોટા કન્ટેનરોને આંદોલનકારીઓએ હેવી મશીનરીથી ઉખાડી ફેંક્યા

ઇસ્લામાબાદ :પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી છોડવાની માગણી સાથે તેમના હજારો સમર્થકો રસ્તા પર ઉતર્યા હતા અને રાજધાની ઇસ્લામાબાદના રેડ ઝોન વિસ્તાર ડી-ચોકમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઇમરાન સમર્થકો અને પાકિસ્તાની સૈન્ય તેમજ અન્ય સુરક્ષાદળોના જવાનો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં છ સુરક્ષાકર્મીઓના મોત નિપજ્યા હતા જ્યારે ઇમરાન ખાનના પક્ષ પીટીઆઇનો દાવો છે કે સૈન્યના ગોળીબારમાં તેમના બે સમર્થકોના પણ મોત થયા છે. એક વર્ષથી વધુ સમયથી ઇમરાન ખાન જેલમાં હોવાથી હવે તેમના સમર્થકો તેમની મૂક્તી માટે હિંસાત્મક આંદોલન પર ઉતરી આવ્યા છે.

ઇમરાન ખાનના પત્ની બુશરા બીબીના નેતૃત્વમાં વિશાળ રેલી સાથે પીટીઆઇના હજારો સમર્થકોએ ઇસ્લામાબાદ તરફ કૂચ કરી હતી, આ દરમિયાન તેમને રોકવા માટે ઇસ્લામાબાદની સરહદે જ પોલીસે હેવી કન્ટેનર ખડકી દીધા હતા, જોકે ઇમરાન સમર્થકો ભારે મશીનરી સાથે આવ્યા હતા અને આ કન્ટેનરોને હટાવી દીધા હતા. જે બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને હજારો આંસૂ ગેસના શેલ છોડયા હતા, તેમ છતા ઇમરાન સમર્થકો અટકવા તૈયાર નહોતા, જેથી બાદમાં પાક. સૈન્ય મેદાનમાં ઉતારવામાં આવ્યું હતું. આ દરમિયાન સામસામે ઘર્ષણમાં આઠ લોકો માર્યા ગયા છે. જેમાં છ સુરક્ષા જવાનો અને બે ઇમરાન સમર્થકોનો સમાવેશ થાય છે. જોકે આ અંગે સત્તાવાર આંકડો જાહેર કરવામાં નથી આવ્યો. 

પરિસ્થિતિ કાબુ બહાર જતી જણાતા પાકિસ્તાન સૈન્યને દેખો ત્યાં ઠારના આદેશ આપવામાં આવ્યા છે, જેને પગલે હાલ પાકિસ્તાનમાં ઇમરાન સમર્થકો અને પાકિસ્તાન સૈન્ય બન્ને સામસામે આવી ગયા છે. ઇમરાનની મૂક્તીના આ આંદોલનનું નેતૃત્વ તેમના પત્ની બુશરા બીબીએ લીધું હતું, ઇમરાન ખાનના સમર્થકોની માગણી છે કે જ્યાં સુધી ઇમરાનને છોડવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર સાથે હવે કોઇ જ વાટાઘાટો કરવામાં નહીં આવે. પાકિસ્તાનમાં આંદોલનનું કેન્દ્ર ગણાતા ઇસ્લામાબાદના ડી-ચોક તરફ હાલ આ રેલી આગળ વધી રહી છે. આ વિસ્તારમાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સહિતના હાઇપ્રોફાઇલ નેતાઓ તેમજ મંત્રીઓના આવાસ અને કાર્યાલયો પણ આવેલા છે. 

પાકિસ્તાનના ખૈબરના મુખ્યમંત્રી અને પીટીઆઇના નેતા અલી અમીન પણ રેલીને સંબોધી રહ્યા છે, તેઓએ ઇમરાન સમર્થકોને કહ્યું હતું કે આપડે ગમે તેમ કરીને ઇસ્લામાબાદના ડી ચોક સુધી પહોંચવાનું છે. પોલીસે ખડકેલા મોટા કન્ટેનર પર ચડીને પીટીઆઇના નેતા અને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા ઓમર આયુબ ખાને સમર્થકોને સંબોધતા કહ્યું હતું કે જ્યાં સુધી આપણી માગણીઓ પુરી કરવામાં ના આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે. સાથે તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્ય અને પોલીસ પીટીઆઇ સમર્થકો પર ગોળીબાર કરી રહી છે જેને તાત્કાલીક અટકાવવામાં આવે. હાલ ઇસ્લામાબાદમાં પીટીઆઇ-ઇમરાન સમર્થકોએ પાક.ની સરકારને ઘેરી લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ પહેલા ઇમરાન ખાનના પત્ની બુશરા બીબીએ કહ્યું હતું કે જ્યાં સુધી ઇમરાન ખાન અહીંયા ડી ચોકમાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી નહીં જઇએ, મુસ્લિમ બીજા મુસ્લિમ પર હુમલો નથી કરતો, અમારા પર શેલિંગ કેમ કરવામાં આવી રહ્યું છે તેનો પાક. સરકાર જવાબ આપે. ઇસ્લામાબાદના ડી ચોક પર હું અંતિમ મહિલા હોઇશ, અહીંયાથી અમે નહીં હટીએ. 

બીજી તરફ ઇસ્લામાબાદનો ડી ચોક રેડ ઝોન માનવામાં આવે છે, અહીંયા સંસદ, સુપ્રીમ કોર્ટ, વડાપ્રધાન કાર્યાલય સહિતની ટોચની કચેરીઓ આવેલી છે. આ સમગ્ર વિસ્તારને હાલ ચારેય બાજુ કન્ટેનર લગાવીને કોર્ડન કરી લેવાયો છે. ઇમરાન સમર્થકો ડી ચોકની એકદમ નજીક પહોંચી ગયા છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે દાવો કર્યો હતો કે સુરક્ષા જવાનો પર પીટીઆઇ સમર્થકોએ વાહન ચડાવી દેતા છના મોત નિપજ્યા છે. અમને વધુ બળ પ્રયોગ કરવા માટે મજબૂર ના કરો. રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ હાલ પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદને સૈન્ય છાંવણીમાં ફેરવી નાખ્યું છે અને દેખો ત્યાં ઠારના આદેશ પણ અપાયા છે જેનો પાકિસ્તાનમાં સક્રિય માનવ અધિકાર સંસ્થાઓએ વિરોધ કર્યો હતો.


Google NewsGoogle News