ઇમરાન ખાનનાં પૂર્વ પત્ની જેમીમા ગોલ્ડ સ્મિથે જેલમાં રહેલ ખાનની તંદુરસ્તી અંગે ચિંતા દર્શાવી
- ઇમરાનને એક કોટડીમાં એકલા જ પૂરી રખાયા છે તેમને કુટુંબીજનો, વકિલો કે પાર્ટીના નેતાઓને મળવા દેવાતા નથી
લંડન : અત્યારે બ્રિટનમાં રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના પૂર્વ પત્ની જેમીમા ગોલ્ડ સ્મિથે પોતાના પૂર્વ પતિની તંદુરસ્તી અંગે ચિંતા વ્યકત કરી છે. બુધવારે સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ ઉપર તેઓએ ઇમરાન ખાનની મુકિત માટે પાકિસ્તાનના સત્તાવાળાઓને વિનંતી પણ કરી હતી. આ સાથે તેઓને અત્યારે તેમનાં કુટુંબીજનો, વકિલો કે તેઓની પાર્ટીના નેતાઓને મળવા દેવાની પરવાનગી આપવા પણ અનુરોધ કર્યો હતો.
પાકિસ્તાન માટે સૌથી વધુ શરમજનક બાબત તો તે છે કે પાકિસ્તાનમાં ચાલી રહેલી શાંઘાઈ-કોઓપરેશન બેઠકના બીજા અને છેલ્લા દિવસે જ ઠ ઉપર તેઓએ આ બાબત પોસ્ટ કરી હતી.
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને પાકિસ્તાન તહેરિક એ ઇન્સાફ (પીટીઆઈ) નામક પાર્ટીની સ્થાપના કરી હતી. આ પાર્ટી પાકિસ્તાનની વર્તમાન શાસક પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) (નવાઝ)ની પ્રતિસ્પર્ધી પાર્ટી હોવાથી તેને સત્તાધારી પક્ષે બરોબરની દાઢમાં રાખી છે. તેની ઉપર પણ પ્રતિબંધો મુકાયા છે. જયારે હાલ જેલમાં રખાયેલા પૂર્વ વડાપ્રધાન ઉપર અનેક સાચા ખોટા કેસો કર્યા છે. તે પૈકી કેટલાક કેસોમાં ઇમરાન ખાનને તકસીરવાર ઠરાવ્યા છે તેમને રાવલપિંડી અદીયાલા જેલમાં એક વરસથી વધુ સમય સુધી બંદીવાન રખાયા છે.
જેમીમા ગોલ્ડ સ્મિથે ઇમરાન ખાનની તરફદારી કર્યા પછી તેઓને ધમકી અપાય છે. પાકિસ્તાનના એજન્ટો અને પીએલએલ (નવાઝ) ગૂંડાઓ પણ મોકલે છે અને બળાત્કારની પણ ધમકી આપે છે.
ઇમરાન ખાનથી તેઓને બે પુત્રો સુલેમાન અને કાસીમ ખાન થયા છે. તેઓ તેમની માતા સાથે લંડનમાં રહે છે. તેઓને તેમના પિતાને મળવાની ઇચ્છા છે પરંતુ તેમને મળવા દેવાનો પાકિસ્તાન સરકાર વિરોધ કરે છે.