પાકિસ્તાનઃ ઈમરાનનું ફરી પીએમ બનવાનું સપનું રોળાયું, બંને બેઠકો પરથી ઉમેદવારી રદ કરાઈ
image : Socialmedia
ઈસ્લામાબાદ,તા.4 જાન્યુઆરી 2024,ગુરૂવાર
એમ્બેસીના ગુપ્ત દસ્તાવેજો લીક કરવાના મામલામાં હાલમાં જેલમાં બંધ ઈમરાન ખાનનુ પાકિસ્તાનની આગામી ચૂંટણી લડવાનુ સપનુ રોળાઈ ગયુ છે.
આઠ ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે તેમણે બે બેઠકો પરથી ઉમેદવારી નોંધાવી હતી પણ બંને બેઠકો પર ચૂંટણી અધિકારીએ તેમની ઉમેદવારી રદ કરી નાંખી હોવાથી હવે પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાનની મુશ્કેલી વધી ગઈ છે. સાથે સાથે બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવાની તેમની ઈચ્છા પણ હવે પૂરી થાય તેમ લાગતી નથી.
જોકે ઈમરાન ખાને ચૂંટણી અધિકારીના નિર્ણય સામે લાહોર હાઈકોર્ટમાં પિટિશન કરી છે. તેમણે પોતાની ઉમેદવારી રદ રકવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાને પંજાબના લાહોર અને મિયાંવાલી જિલ્લામાંથી સંસદની બે બેઠકો માટે ફોર્મ ભર્યા હતા. જોકે ચૂંટણી અધિકારીએ તોશાખાના ભ્રષ્ટાચાર મામલામાં ઈમરાન ખાન દોષી જાહેર થયા હોવાનુ કારણ આપીને તેમના ફોર્મ રદ કરી નાંખ્યા હતા.
ઈમરાન ખાને કોર્ટમાં કરેલી પિટિશનમાં કહ્યુ છે કે , તોશાખાના કેસમાં દોષી સાબિત થવાના અને નિયમ62(1) હેઠળ ઉમેદવારી ફોર્મ રદ કરવાને કોઈ સબંધ નથી. સંવિધાન પ્રમાણે મારી ઉમેદવારી રદ થઈ શકે નહીં.
ઉલ્લેખનીય છે કે, ઈમરાન ખાન પર પાકિસ્તાન એમ્બેસીના ગુપ્ત દસ્તાવેજોને જાહેરમાં રજૂ કરવાનો પણ આરોપ છે અને તેના કારણે હાલમાં તેઓ જેલમાં બંધ છે.