એક વર્ષ બાદ જેલમાંથી બહાર આવશે ઈમરાન ખાન: ત્રણ કેસમાં સજા તો ત્રણ કેસમાં મળી રાહત
Image: Facebook
Imran Khan Bushra Bibi Unlawful Marriage Case: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન જેલથી બહાર આવી શકે છે. ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી બંનેને ઈદ્દત કેસ (બનાવટી નિકાહ) માં મુક્ત કરી દેવાયા છે. ઈસ્લામાબાદ કોર્ટે શનિવારે આ નિર્ણય સંભળાવ્યો. આ પહેલા તોશાખાના કેસ અને સાઈફર મામલે મુક્તિ મળી ચૂકી છે.
ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટે શનિવારે આદેશ આપ્યાં છે જો ઈમરાન ખાન અને બુશરા બીબી કોઈ અન્ય મામલે વોન્ટેડ નથી તો તેમને તાત્કાલિક જેલમાંથી મુક્ત કરવામાં આવે. ઈમરાન ખાન અને તેમની પત્નીને ફેબ્રુઆરીમાં બનાવટી નિકાહ મામલે 7 વર્ષની જેલ અને બંને પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
ખાનને ગયા વર્ષે 9 મે એ ઈસ્લામાબાદ હાઈકોર્ટથી અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પાકિસ્તાની રેન્જર્સે કરી હતી.હવે ઈસ્લામાબાદ કોર્ટના નિર્ણયને ઈમરાન ખાનની પાર્ટી PTIના ચેરમેન ગૌહર ખાને દેશની જીત ગણાવી છે. તેમણે જણાવ્યું કે આજે અદિયાલા જેલમાં મુલાકાત થઈ છે. ખાન નિર્ણયથી ખૂબ ખુશ છે.
શું છે બનાવટી નિકાહ (ઈદ્દત) કેસ?
બુશરા બીબીના પૂર્વ પતિ, ખાવર ફરીદ મનેકાએ બુશરા અને ઈમરાન વિરુદ્ધ ઈદ્દતના સમયગાળા દરમિયાન લગ્નનું ઉલ્લંઘન કરવાનો કેસ નોંધાવ્યો હતો. આ મામલે 3 ફેબ્રુઆરીએ દોષિત ઠેરવાયા હતા. જે બાદ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને 7 વર્ષની સજા અને 5 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટાકારાયો હતો.
આ પહેલા ઈસ્લામાબાદ હાઈકોર્ટે 3 જૂને ઈમરાન ખાનને પુરાવાના અભાવે સાઈફર કેસ (સિક્રેટ લેટર ચોરી)માં મુક્ત કરી દેવાયા હતા. તેમને ઈસ્લામાબાદની વિશેષ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી હતી. ઈમરાન ખાનની 29 ઓગસ્ટ 2023એ સાઈફર ગેટ સ્કેન્ડલમાં ધરપકડ કરાઈ હતી.
સિક્રેટ લેટર ચોરી કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પાર્ટીના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરૈશી દોષિત સાબિત થયાં હતાં. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(FIA) એ બંનેને સાઈફર કેસમાં આરોપી બનાવ્યા હતાં.