ઈમરાન ખાનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના કુલપતિ પદ માટે જેલમાંથી દાવેદારી, પલાયન થવાનો પેંતરો કે પબ્લિસિટી સ્ટંટ?
Imran Khan files candidacy for Chancellor of Oxford University : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનનું સમગ્ર જીવન ફિલ્મી ડ્રામાથી ભરપૂર રહ્યું છે. ક્રિકેટર તરીકે મળેલી તોતિંગ સફળતા, દોમદોમ સાહ્યબીભરી જિંદગી, પાકિસ્તાનનું વડાપ્રધાન પદ, ત્રણ લગ્ન અને પછી સેના સાથે થયેલા ઘર્ષણને પગલે જેલવાસ. ઈમરાન ખાન સતત સમાચારોમાં રહેતા આવ્યા છે. તાજેતરમાં નવા સમાચાર આવ્યા છે કે એમણે બ્રિટનની જગપ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર એટલે કે કુલપતિ પદ માટે દાવો રજૂ કર્યો છે.
જેલમાં રહીને લડશે ચૂંટણી
એક વર્ષથી વધુ સમયથી પાકિસ્તાનમાં જેલવાસ ભોગવી રહેલા ઈમરાન ખાને ઓક્ટોબરમાં યોજાવા જઈ રહેલી ઓક્સફર્ડ યુનિવર્સિટીના કુલપતિ પદની ચૂંટણી માટે ઓનલાઈન દાવેદારી નોંધાવી છે. હાલમાં તેમની જેલની સજાને એક વર્ષ પૂર્ણ થયું હોવાથી તેમના સમર્થકો દ્વારા પાકિસ્તાનમાં રેલીઓનું આયોજન કરાઈ રહ્યું છે. બીજી તરફ, ઈમરાન ખાને જેલમાંથી જ આ દાવો કર્યો છે.
દાવેદારીએ પેદા કર્યા પ્રશ્નો
આ વાત જાહેર થતાં જ ઘણા બધા સવાલ પૂછાવા લાગ્યા છે, જેમ કે…
- ઈમરાન ખાનની આ દાવેદારીનો શો અર્થ કરવો? શું તેઓ ક્રિકેટ અને રાજનીતિ બાદ આ નવી કરિયર શરૂ કરવા માંગે છે? કે પછી…
- દુનિયાનું ધ્યાન એમના તરફ ખેંચવા માટેનો આ પ્રયાસ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે? કે પછી…
- જેલવાસથી હારી-થાકીને હવે તેઓ પાકિસ્તાનની શક્તિશાળી સેના સાથે સમાધાન કરી લેવાના મૂડમાં છે અને કુલપતિ પદ મેળવીને પાકિસ્તાનને અલવિદા કહી દેવા માંગે છે? ન ફળ્યું ‘નયા પાકિસ્તાન’નું સપનું
પાકિસ્તાનની આર્થિક હાલત સૌ કોઈ જાણે છે. દેશમાં વારંવાર સત્તાપલટા થતા રહ્યા છે. રાજકીય નેતાઓને જેલભેગા કરીને શાસનનો દોર હાથમાં લઈ લેતી સેનાના ઈતિહાસની પાકિસ્તાનમાં કોઈ નવાઈ નથી. રાજનીતિમાં ઈમરાન ખાનની સફર ‘નયા પાકિસ્તાન’ના વચન સાથે શરૂ થઈ હતી. 2018 થી 2022 સુધી તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન રહ્યા હતા, પરંતુ સેના સામે બાયોં ચડાવવું એમને ભારે પડી ગયું. સેનાએ એમના પર અનેક આરોપ લગાવીને એમને જેલમાં ધકેલી દીધા. એમની પાર્ટી ‘પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ’ પર પણ પાકિસ્તાનની વર્તમાન સરકારે પ્રતિબંધ મૂક્યો છે. એમના સમર્થકોનું કહેવું છે કે આ બધું રાજકીય ષડયંત્રનો ભાગ છે, બાકી એમના નેતા એકદમ નિર્દોષ છે.
ઈમરાન ખાનનો ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથેનો નાતો
ઈમરાન ખાન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં જ ભણ્યા હતા. 1970ના દાયકામાં ત્યાં તેમણે રાજકારણ, ફિલસૂફી અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. સ્ટાર ક્રિકેટર હતા ત્યારે ઈમરાનની જીવનશૈલી પ્લેબોય જેવી હતી અને તેઓ નિયમિતપણે બ્રિટિશ ગોસિપ મેગેઝિનોમાં ચમકતાં રહેતા. ચાન્સેલરનું પદ આમ તો ઔપચારિક જ હોય છે, પરંતુ તે અત્યંત પ્રતિષ્ઠા અને મહત્ત્વનું ગણાય છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ કોઈપણ દેશના નેતા બન્યા હોય છે તેમને ચાન્સેલર પદ માટે ચૂંટણી લડવાની તક આપવામાં આવે છે. ઈમરાન આ લાયકાત ધરાવે છે.
અગાઉ પણ કુલપતિ રહી ચૂક્યા છે ઈમરાન
ઈમરાન ખાન માટે કુલપતિ પદ નવું નથી. 2005 થી 2014 સુધી આઠ વર્ષ માટે તેઓ બ્રિટનની જ બ્રેડફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર રહ્યા હતા.
કુલપતિ પદ માટે કાંટે કી ટક્કર
ઈમરાન ખાન માટે કુલપતિ પદ મેળવવું આસાન નહીં હોય, કેમ કે આ ચૂંટણીમાં તેમના હરીફો મજબૂત છે. તેમનો મુકાબલો ટોની બ્લેર અને બોરિસ જોન્સન જેવા બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનો સાથે થવાનો છે.
શું થશે જો ઈમરાન જીતે?
કુલપતિ પદ માટે 28 ઓક્ટોબરે મતદાન થશે. ઈમરાન ખાન કુલપતિ પદ જીતે તો એ સફળતા મેળવનાર તેઓ એશિયન મૂળના પ્રથમ વ્યક્તિ હશે. એમ થયું તો આગળ શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. એમના પર લાગેલા આરોપો ઘણા ગંભીર હોવાથી એમાંથી એમના નિર્દોષ છૂટવાની શક્યતા ઓછી છે. તો શું પાકિસ્તાનની સેના એમને જેલમાંથી છોડીને બ્રિટન જવા દેશે? એમ થયું તો શું ઈમરાન કાયમ માટે પાકિસ્તાનને અને રાજનીતિને અદવિદા કહી દેશે? કે પછી કુલપતિ પદ જીત્યાને બહાને ઈમરાન ખાન કોઈ નવો રાજનૈતિક દાવ અજમાવશે?