પાકિસ્તાન સરકારનો મોટો નિર્ણય, ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ’ પર મૂકશે પ્રતિબંધ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાન સરકારનો મોટો નિર્ણય, ઈમરાન ખાનની પાર્ટી ‘પાકિસ્તાન તહેરિક એ ઈન્સાફ’ પર મૂકશે પ્રતિબંધ 1 - image


Ban On Imran Khan Party PTI :  પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી પાર્ટી પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ પર પ્રતિબંધ લગાવવાની તૈયારી ચાલી રહી છે.  ઉલ્લેખનીય છે કે તેના વડા પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન છે જે હાલમાં જેલમાં છે. ઈમરાન ખાન પર રમખાણો ભડકાવવા, લાંચ લેવા અને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે તેમને આપવામાં આવેલી ભેટો વેચવાના આરોપો છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટીને સારી એવી બેઠકો મળી હતી, પરંતુ તેઓ સત્તામાં ન આવી શક્યા. હવે તેમની પાર્ટી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી થઇ રહી છે. સૂત્રો કહે છે કે પીટીઆઈ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને સરકારે લીધો નિર્ણય 

પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરારે કહ્યું કે સરકારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આ માંગણી સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે  ઈમરાન ખાને 1996માં પીટીઆઈ પાર્ટીની રચના કરી હતી. 22 વર્ષ પછી એટલે કે 2018માં તેમની પાર્ટી સત્તામાં આવી અને ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા. નોંધનીય છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ઈમરાન ખાનની રાજકીય ઈનિંગ નબળી રહી અને 2022માં વિશ્વાસ પ્રસ્તાવ હાર્યા બાદ તેમને સત્તા છોડવી પડી હતી.

પીટીઆઈ પર પ્રતિબંધ મૂકવાની માગના કારણ

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી બાદ સારું પ્રદર્શન કર્યું છતાં ઈમરાન ખાનની પાર્ટી સરકાર બનાવી શકી નહોતી.  નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એન અને આસિફ અલી ઝરદારીની પીપીપી સહિત અનેક પક્ષોએ ઈમરાન ખાન વિરુદ્ધ ગઠબંધન કરી લીધું હતું.  ઈમરાન ખાનની એપ્રિલમાં સત્તા પરથી હટ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ 9 મે, 2022ના રોજ ભારે હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેનાના અનેક મથકો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે તે ઘટનાને જ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ ગણવામાં આવી રહી છે. જેના કારણે સરકાર હવે સુપ્રીમ કોર્ટમાં જશે અને પીટીઆઈ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરશે.


Google NewsGoogle News