મહાત્મા ગાંધીના માર્ગે ઈમરાન ખાન : સમર્થકોને 'સવિનય કાનૂન ભંગ'નો માર્ગ લેવા કહ્યું
- અત્યાર સુધીનાં આંદોલનો ઉગ્રપંથી હતાં તેથી હિંસા થઈ 10ના મૃત્યુ પણ થયા તેથી ઈમરાને ગાંધીજીનો માર્ગ લેવા કહ્યું
ઈસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિ માટે દેશભરમાં જબરજસ્ત આંદોલનો થયા. આંદોલનકારીઓએ તેઓના નેતાની મુક્તિ માટે દેશનાં વિવિધ શહેરોમાંથી ઈસ્લામાબાદ તરફ કૂચ શરૂ કરતાં માર્ગમાં તેઓને રોકવામાં આવ્યા. આ સાથે સલામતી દળો અને દેખાવકારો વચ્ચે ભારે સંઘર્ષો થયા જેમાં ૧૦ના મૃત્યુ પણ થયા.
આથી ઈમરાન ખાને જેલમાંથી જ તેઓના સમર્થકોને કોઈ પણ પ્રકારની હિંસાથી દૂર રહેવા અને મહાત્મા ગાંધીએ ચીંધેલા સવિનય કાનૂન ભંગનો માર્ગ અપનાવવા જણાવ્યું છે. આ સાથે તેઓએ સરકારને પણ ચેતવણી આપી દીધી છે કે, હવે ગાંધી ચીંધ્યા રાહે આંદોલનો શરૂ કરવામાં આવશે.
ગુરૂવારે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ 'ટ' ઉપર એક પોસ્ટમાં જણાવ્યું કે, 'દેશમાં સરમુખત્યારશાહી આવી ગઈ છે. આ સાથે તેઓએ તેમના સમર્થકોને ખૈબર-પખ્તુનવા પ્રાંતનાં પાટનગર પેશાવરમાં ૧૩મી ડીસેમ્બરે એકત્રીત થવા જણાવ્યું હતું.' ત્યાં અત્યારે ઈમરાનખાનની પાર્ટી 'પાકિસ્તાન-તહેરિક-એ-ઈન્સાફ' (પીટીઆઈ)ની સરકાર છે.
આંદોલનકારીઓએ અત્યારે આંદોલન સ્થગિત રાખવા સાથે, સરકાર સમક્ષ બે માંગણીઓ મુકી છે અને કહ્યું છે કે તે પૂરી નહીં થાય તો ફરી આંદોલન થશે.
ઈમરાન ખાને ટ પર લખ્યું દેશમાં સરમુખત્યારશાહી આવી ગઈ છે. નિર્દોષ રાજકીય કાર્યકર્તાઓને ગોળી મારવામાં આવે તેથી ઘણાં શાંતિપૂર્ણ દેખાવકારો પણ શહીદ થઈ ગયા છે, અમારા સેંકડો કાર્યકરો લાપત્તા છે. સુપ્રિમ કોર્ટે તે હકીકત ધ્યાનમાં લેવી જોઈએ. અમે લાહોર હાઈકોર્ટ, ઈસ્લામાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખખડાવ્યા પરંતુ કોઈએ કશું કર્યું નહીં. પાકિસ્તાનમાં આજે આ સ્થિતિ છે તેમ પણ ઈમરાન ખાને લખ્યું હતું.