પાકિસ્તાનના સૈન્ય મથકો પર હુમલામાં ઇમરાન ખાનને થઇ શકે છે ફાંસીની સજા
દેશ વિરુદ્ધ ષડ્યંત્ર રચવા અને સૈન્ય મથકો પર હુમલાના માસ્ટરમાઈન્ડ તરીકે ગણાવાઈ રહ્યા છે
પાકિસ્તાન આર્મી એકટની કલમ 59માં દોષિત ઠેરવવામાં આવે તો વ્યક્તિને સજા-એ-મોત સંભળાવી શકે છે
Image Twitter |
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને ફાંસીની સજા થઇ શકે છે. ગત વર્ષે 9 મેના રોજ સૈન્ય ઠેકાણાઓ પર થયેલ હુમલાઓમાં સાક્ષીઓને ઇમરાન ખાનને માસ્ટરમાઈન્ડ ગણાવ્યા હતા જેથી તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી અગાઉ ચાર કેસમાં 34 વર્ષની જેલની સજા થઇ ચુકી છે તેમને દેશ વિરુદ્ધ ષડ્યંત્ર રચવા અને સૈન્ય મથકો પર હુમલાના માસ્ટરમાઈન્ડ તરીકે ગણાવાઈ રહ્યા છે. જેની અસર આગામી ચુંટણી પર પડી શકે છે.
ગત માસે 9 મેના રોજ પીટીઆઈ કાર્યકરોએ જીન્ના હાઉસ, મિયાવલી એરબેઝ અને ફૈસલાબાદમાં ISI બિલ્ડીંગ સહીત એક ડઝન સૈન્ય મથકો પર તોડફોડ કરી હતી. આ ઉપરાંત રાવલપિંડીમાં પણ સૈન્યના મુખ્યાલય પર હુમલા થયા હતા. જોકે ઇમરાન ખાને દાવો કર્યો હતો કે સૈન્ય મથકો પર હુમલો લંડન એગ્રીમેન્ટનો એક ભાગ હતો. ઇમરાન ખાન પૂર્વ વડાપ્રધાન નવાજ શરીફને સૈન્ય તરફથી ફરી એક વખત સત્તામાં લાવવાના પ્રયાસને લંડન એગ્રીમેન્ટ કહે છે. તેમનો આરોપ છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજ પ્રમુખ નવાઝ શરીફને શકિતશાળી પાકિસ્તાની સૈન્યનું સમર્થન પ્રાપ્ત છે.
પાકિસ્તાન આર્મી એકટની કલમ 59માં દોષિત ઠેરવવામાં આવે તો વ્યક્તિને સજા-એ-મોત
નોંધનીય છે કે સૈન્ય ઠેકાણાઓ પર હુમલાના મામલે 100 લોકો પર અગાઉથી જ કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં આરોપીઓને સજા સંભળાવવાનો દર 90 ટકા છે. જોકે હાલ સુપ્રીમ કોર્ટે સૈન્ય અદાલતોને ચુકાદો સંભળાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જો ઇમરાન ખાન પર આ મામલે સૈન્ય અદાલત કાર્યવાહી કરે તો શક્યતા છે કે તેમને ફાંસીની સજા સુણાવવામાં આવે કેમ કે પાકિસ્તાનનો એવો ઈતિહાસ રહ્યો છે કે જે પણ વ્યક્તિ સૈન્યને પડકાર ફેંકે તો તે વધુ દિવસ બચી શકતો નથી. પાકિસ્તાન આર્મી એકટની કલમ 59માં દોષિત ઠેરવવામાં આવે તો વ્યક્તિને સજા-એ-મોત સંભળાવી શકે છે. આ કલમનો ઉપયોગ અસૈન્ય ગુનાઓ માટે કરવામાં આવે છે.
આર્મી એકટના ક્લોઝ ડીના સબ સેક્શન એક આ કાયદાને વધુ ખતરનાક બનાવે છે. આ અનુસાર જો કોઈ પાકિસ્તાન વિરુદ્ધ યુદ્ધ કરે,હથિયાર ઉઠાવે અથવા સુરક્ષા દળો પર હુમલા કરે તો તેના વિરુદ્ધ આ સબ સેક્શન હેઠળ કેસ ચલાવી શકાય છે.