કોર્ટે જામીન પર છોડયા પછી થોડા જ કલાકોમાં ઈમરાન ખાનની ધરપકડ
- મુંબઈ હુમલાનો આરોપી ઝાકીર લકવી મુક્ત ફરે છે
- ઇસ્લામાબાદમાં 62 કેસ ઈમરાન ઉપર ચાલે છે, જ્યારે પંજાબ પ્રાંતમાં બીજા 54 કેસથી પૂર્વ ક્રિકેટરને ઘેરી લેવાયો છે
ઈસ્લામાબાદ : ઇસ્લામાબાદ હાઈકોર્ટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ઉપરના બીજા તોશાખાના કેસમાં જામીન આપ્યા પછી તેઓની મુક્તિની આશા બંધાઈ હતી. ત્યાં મોડી રાત્રે ગુરૂવારે વહેલી સવારે - આ પૂર્વ ક્રિકેટરની અશાંતિ ફેલાવવાના આરોપ નીચે ધરપકડ કરવામાં આવી છે. આથી તેઓની પાર્ટી પાકિસ્તાન-તહેરિક-એ-ઇન્સાફ (પી.ટી.આઈ.)ના કાર્યકરોમાં હતાશા તેમજ આક્રોશ વ્યાપી રહ્યો છે.
ઈમરાન ખાન ઉપર એક કેસ તે છે કે તેઓએ ફેંકી દેવાની કિંમતે અત્યંત મોંઘા તેવા બલ્ગારી-ઝવેરાત, તોશાખાનામાંથી ખરીદ્યાં હતાં.
સર્વવિદિત છે કે જ્યારે કોઈ પણ દેશના ટોચના અધિકારીઓ વિદેશની મુલાકાતે જાય ત્યારે તેઓને બહુમૂલ્ય ભેટો આપવામાં આવે છે. જે તેઓએ રાષ્ટ્રીય કોષ (તોશાખાના)માં જમા કરાવવાની હોય છે. જો તેે તેમને ખરીદવી હોય તો તે ભેટનું બજાર ભાવે મૂલ્યાંકન કરાય તે કિંમતના ત્રીજા ભાગની કિંમત ચૂકવી કાયદેસર જ ખરીદી શકે. ઈમરાન ખાન ઉપર એવો આક્ષેપ છે કે તેમને મળેલી ભેટ તેમણે તોશાખાનામાં જમા તો કરાવી પછી ફેંકી દેવાની કિંમતે તે ખરીદી હતી.
આવા આક્ષેપોમાં કિંમતની સત્યતા સરકારે જાણી જોઈને ઘણી ઊંચી મુકી ઈમરાન ખાન ઉપર પ્રજાના પૈસાની છેતરપિંડીનો આરોપ મુક્યો હતો. જો કે ઇસ્લામાબાદ કોર્ટે તેઓને તેમાં જામીન આપ્યા હતા. તેઓ ત્યાંથી પોતાના લાહોર સ્થિત નિવાસ સ્થાને ગયા ત્યાં બુધવારે મોડી રાત્રે (ગુરુવારે વહેલી સવારે) તેઓની રાવલપિંડી સહિત દેશના જુદા જુદા ભાગોમાં તોફાનો કરાવવાના આરોપ સર તેઓની ધરપકડ કરાઈ હતી. હાઈકોર્ટે ઈમરાન ખાનનાં પત્ની બુશરા બીબીને જામીન પર મુક્ત કર્યા હતાં.
તમોને જાણીને આંચકો લાગશે કે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાન ઉપર ઇસ્લામાબાદમાં ૬૨ કેસ થયા છે, જ્યારે પંજાબ પ્રાંતમાં બીજા ૫૪ કેસ થયા છે.
બીજી તરફ ૨૬/૧૧ ના મુંબઈ હુમલા પાછળનું મુખ્ય ભેજું મનાતો ઝાકીર રેહમાન લકવી પાકિસ્તાનમાં નિષ્ફિકર બનીને છૂટથી હરે ફરે છે.
ઈમરાન ખાન ઉપર પાકિસ્તાનમાં સર્વસત્તાધીશ બની ગયેલ ISI એટલા માટે ગિન્નાયું છે કે તેઓ ભારત સાથે સારા સંબંધો બાંધવા અને વ્યાપારીક વ્યવહાર માટે આગ્રહ રાખે છે. ISI ને મન તે સૌથી મોટો ગુનો છે.