હું હજી યુવા, ઊર્જાવાન અને હેન્ડસમ છું... બાઈડને ચૂંટણી પ્રચારની એડમાં પોતાની જ વયની ઉડાવી મજાક
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 10. માર્ચ. 2024 રવિવાર
અમેરિકાના સૌથી વયોવૃદ્ધ પ્રમુખનો રેકોર્ડ બનાવી ચૂકેલા જો બાઈડન બીજી વખત પ્રમુખપદની ચૂંટણી લડવાના છે. તેમની વધતી જતી વય અને ઓછી થઈ રહેલા યાદશક્તિને પણ વિરોધીઓ મુદ્દો બનાવી રહ્યા છે ત્યારે બાઈડને ચૂંટણી પ્રચારની એક એડમાં હળવાશથી દાવો કર્યો છે કે, ‘હજુ તો હું યુવાન છું, ઊર્જાવાન છું અને હેન્ડસમ પણ છું.’
બાઈડનના ચૂંટણી પ્રચાર માટે બનાવવામાં આવેલી જાહેરાતમાં બાઈડનનો યુવા હોવાનો સંદેશ ચર્ચાનો વિષય બન્યો છે. આ એડમાં કેમેરા તરફ જોઈને બાઈડન ચહેરા પર સ્મિત રેલાવતા કહે છે કે, ‘હું શરીરથી તો યુવા નથી અને એ કોઈ રહસ્યની વાત પણ નથી. મને ખબર છે કે, અમેરિકાના લોકો માટે મારે કેવી રીતે કામ કરવાનું છે.’
આ જાહેરાતમાં બાઈડન અમેરિકામાં કોરોના મહામારીને કેવી રીતે સરકારે કાબૂમાં લીધી તેની જાણકારી પણ આપે છે. બાઈડનની યાદશક્તિ પર ઉઠેલા સવાલો બાદ આ જાહેરાત દ્વારા તેમણે વધતી ઉંમરના મુદ્દાને કાઉન્ટર કરવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગે છે. તાજેતરમાં વ્હાઈટ હાઉસના મેડિકલ સ્ટાફ દ્વારા તેમનુ મેડિકલ ચેક અપ પણ કરાવાયું હતું. આ ઉપરાંત બાઈડન પ્રમુખ તરીકે નિર્ણયો લેવા માટે ફિટ હોવાનો ડોક્ટરોએ રિપોર્ટ પણ આપ્યો હતો. આ જાણકારી વ્હાઈટ હાઉસે આપી હતી.
બાઈડનની નબળી યાદશક્તિનો મુદ્દો બે દિવસ પહેલા અમેરિકન કોંગ્રસે સમક્ષ આપેલા સ્ટેટ ઓફ ધ યુનિયન વક્તવ્યમાં પણ ઉછળ્યો હતો. આ દરમિયાન બાઈડન જ્યોર્જિયામાં સર્જાયેલા હત્યાકાંડના પીડિતનુ નામ લેકન રિલેની જગ્યાએ લિંકન રિલે બોલ્યા હતા. આ દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી એક વ્યક્તિએ બાઈડનની ભૂલ તરફ ધ્યાન દોર્યું હતું. ત્યારે બાઈડને કહ્યું હતું કે, ‘મને ખબર છે કે મારે કેવી રીતે આ નામનો ઉચ્ચાર કરવાનો છે.’