'ગેરકાયદે આક્રમણો' અને ત્રીજું વિશ્વ-યુદ્ધ નિવારવા પ્રતિબદ્ધ છું : શપથ વિધિ પૂર્વે ટ્રમ્પની સ્પષ્ટ વાત
- કાલે સૂરજ ડૂબે તે પહેલા દેશ પર થતું 'આક્રમણ' થંભી જશે
- કેપિટોલ-વન એરીયા ઉપરથી ટ્રમ્પે ફરી એકવાર 'મેઇક અમેરિકા ગ્રેટ અગેઇન'નો નારો જગાવ્યો : જનતાએ ઝીલી લીધો
વોશિંગ્ટન : કેપિટોલ-વન એરીયા ઉપરથી શપથ ગ્રહણ પૂર્વે અમેરિકાના ભાવિ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પડકાર સાથે કહી દીધું હતું કે, કાલે સૂરજ ડૂબે તે પહેલા દેશ પર થઈ રહેલું ગેરકાયદે આક્રમણ થંભી જશે.
આ સાથે તેઓએ ટિકટોક તેમજ યુક્રેન યુદ્ધ પણ તેઓના વક્તવ્યમાં આવરી લીધા હતા. ૬ જાન્યુ. ૨૦૨૧ના દિને ગુસ્સે ભરાયેલા જૂથે ધી કેપિટલ હીલ પર કરેલા આક્રમણની યાદ તાજી કરતાં જણાવ્યું હતું કે, તે રમખાણો અંગે જેઓની ઉપર આરોપો મુકાયા છે, તેવા ૧૫૦૦ને તેઓ માફી આપશે.
આ વક્તવ્યમાં જયારે તેઓએ ફરી એકવાર મેઇડ અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA)નો નારો જગાવ્યો ત્યારે ઉપસ્થિત સર્વેએ તેઓને હર્ષનાદોથી વધાવી લીધા.
તેઓએ મેક્ષિકો સરહદે થતી ઘૂસણખોરી રોકવા ફરી એકવાર પડકાર સાથે કહ્યું હતું તેમજ અમેરિકામાં ગેરકાયદે ઘૂસી ગયેલાઓને સામુહિક રીતે સ્વદેશ પાછા મોકલવા પણ કહ્યું ત્યારે ફરી તેઓને હર્ષનાદોથી વધાવી લેવાયા. કારણ કે આવા ગેરકાયદે ઘૂસણખોરો અમેરિકાના યુવાનોની રોજી છીનવી લે છે.
આ સાથે તેઓએ યુક્રેન યુદ્ધ બંધ કરાવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમજ ટિકટોક વિવાદ ઉકેલવા તથા ઇઝરાયેલ જેમ હવાઈ હુમલા સામે સંપૂર્ણ યોજના ઘડી આયર્ન-ડોમ રચ્યો હતો. તેવો જ આયર્ન-ડોમ રચવાનું પણ આ વક્તવ્યમાં કહ્યું હતું.