જો દુનિયામાં 15 દેશ હોય તો? ભારતમાં સમાવી દેવાશે તમામ પાડોશી દેશો! વાઇરલ થયો 'ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપ'
India: ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનામાં જ અમેરિકાનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે, પણ એમ થાય એ પહેલાં જ તેમની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાઓ છતી થઈ ગઈ છે. તેમણે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવીને અમેરિકામાં સમાવી લેવાનો ઇરાદો વ્યક્ત કરી દીધો છે અને ગ્રીનલૅન્ડ ખરીદીને એના પર પણ અમેરિકાનું રાજ સ્થાપી દેવાની વાત કરી છે.
હવે પ્રશ્ન એ થાય છે કે જો આ બે લક્ષ્યાંકો પાર પડ્યા તો શું ટ્રમ્પ ફરીથી આવું નહીં કરે? કેનેડા અને ગ્રીનલૅન્ડ હડપ કર્યા પછી શું ટ્રમ્પનો ડોળો પડોશી દેશ મેક્સિકો પર નહીં મંડાય? આ મુદ્દે ચર્ચા જામી છે, ત્યાં સોશિયલ મીડિયામાં લોકો ‘ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપ’ વાયરલ કરવા લાગ્યા છે. ત્યારે ચાલો જાણીએ કે શું છે આ ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપ.
ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપ શું છે?
1942માં અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયા શહેરની મોરિસ ગોમ્બર્ગ નામની વ્યક્તિ દ્વારા ન્યૂ વર્લ્ડ ઑર્ડરનો નકશો પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ સમય બીજા વિશ્વયુદ્ધનો હતો. મોરિસે દાવો કર્યો હતો કે વિશ્વયુદ્ધ પછી વિશ્વના નકશામાં મોટા ફેરફારો જોવા મળશે. વિશ્વમાં માત્ર 15 દેશો જ અસ્તિત્વમાં રહેશે.
નકશામાં આ 15 દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો
મોરિસે બનાવેલા નકશામાં નાના-નાના દેશોને મોટા દેશોમાં ભેળવી દેવાયા હતા. આફ્રિકા અને દક્ષિણ અમેરિકા જેવા ખંડોના દેશોને એક જ દેશ ગણી લેવામાં આવ્યા હતા. એ જમાનાની મહાસત્તાઓને મહા-દેશ તરીકે દેખાડવામાં આવ્યા હતા.
સર્વોપરી હતા અમેરિકા અને રશિયા
બીજા વિશ્વયુદ્ધમાં હિટલરના જર્મની સામે લડી રહેલા અમેરિકા અને રશિયાને ‘ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપ’માં સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અમેરિકા વિશે મોરિસે કહ્યું હતું કે, અમેરિકા એક મોટી સૈન્ય શક્તિ તરીકે ઉભરશે, જેમાં કેનેડા સિવાય તમામ મધ્ય અમેરિકન દેશો જેવા કે ગ્વાટેમાલા, પનામા, નિકારાગુઆ, અલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, હોન્ડુરાસ, બેલીઝ, ડોમિનિકન રિપબ્લિક અને ક્યુબા સામેલ થઈ જશે. એન્ટિગુઆ, બહામાસ, બાર્બાડોસ અને ડોમિનિકા જેવા કેરેબિયન દેશો પણ તેનો ભાગ હશે. મેક્સિકો પણ અમેરિકાનો હિસ્સો હશે અને ગ્રીનલૅન્ડ તથા આઇસલૅન્ડ જેવા એટલાન્ટિક ટાપુઓ પર પણ અમેરિકાનું રાજ હશે.
ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપમાં રશિયાનો ફેલાવો આવો દેખાડવામાં આવ્યો હતો
મૌરિસ ગોમબર્ગ મૂળ રશિયન જ હતો, પણ તે અમેરિકા જઈને વસી ગયો હતો. એ જમાનામાં રશિયા ‘યુએસએસઆર’ (યુનિયન ઑફ સોવિયેત સોશિયલિસ્ટ રિપબ્લિક) હતું. મોરિસે રશિયાને પણ અમેરિકા જેટલું જ મજબૂત બતાવ્યું હતું. યુએસએસઆરના નકશામાં તેણે ઈરાન, મંગોલિયા, મંચુરિયા, ફિનલૅન્ડ અને સમગ્ર પૂર્વ યુરોપના દેશોને ભેળવી દીધા હતા. ઓસ્ટ્રિયા અને જર્મનીનો મોટો ભાગ પણ યુએસએસઆરનો હિસ્સો બતાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ દુનિયાના ટોપ-10 ખુશહાલ દેશ, પાકિસ્તાન ભારત કરતાં ઘણું આગળ, ફિનલેન્ડ સતત 7મી વખત ટોચે
ભારતને અખંડ દેખાડવામાં આવ્યું હતું
82 વર્ષ જૂના નકશામાં મોરિસે ભારતને ‘ફેડરેટેડ રિપબ્લિક્સ ઑફ ઈન્ડિયા’ એવું નામ આપ્યું હતું, જેમાં આજના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારને સમાવી લેવાયા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ નકશો બનાવવામાં આવ્યો હતો ત્યારે ભારત હજુ અંગ્રેજ-રાજમાંથી આઝાદ નહોતું થયું. એટલે એમ કહી શકાય કે મોરિસે ભારતને આઝાદી મળશે એવું ભવિષ્ય ભાખી લીધું હતું.
ચીનને પણ કમ નહોતું અંકાયું
મોરિસે નકશામાં ચીનને ‘યુનાઇટેડ રિપબ્લિક્સ ઑફ ચાઇના’ (URC) તરીકે દર્શાવ્યું હતું, જેમાં ઉત્તર અને દક્ષિણ કોરિયા, વિયેતનામ, લાઓસ, કંબોડિયા, થાઈલૅન્ડ અને મલેશિયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
યુએસએસએ નામનો નવો દેશ સર્જ્યો હતો
નકશામાં ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ સાઉથ અમેરિકા’ (USSA) નામનો દેશ દેખાડવામાં આવ્યો હતો, જેમાં તમામ દક્ષિણ અમેરિકન દેશોને સમાવી લેવામાં આવ્યા હતા. ગયાના, સુરીનામ, ફ્રેન્ચ ગુઆના અને ફોકલૅન્ડ ટાપુઓને પણ USSAના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
આરબ રાષ્ટ્રોને અને આફ્રિકન દેશોને પણ ભેગા કરી દેવાયા હતા
મોરિસે નકશામાં તમામ આરબ રાષ્ટ્રોને એક દેશ તરીકે દેખાડ્યા હતા અને નામ આપ્યું હતું ‘અરેબિયન ફેડરેટેડ રિપબ્લિક’ (AFR). એ જ રીતે આફ્રિકાના દેશોના સમૂહને ‘યુનિયન ઑફ આફ્રિકન રિપબ્લિક’ (UAR) નામ આપવામાં આવ્યું હતું.
યુરોપને એક કરી દીધું
જર્મની, ફ્રાન્સ, સ્પેન, સ્વિટ્ઝ્ર્લૅન્ડ, સ્પેન, પોર્ટુગલ અને ઈટાલી જેવા યુરોપના દેશોને જોડીને મોરિસે એક દેશ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ યુરોપ’ (USE) બનાવ્યો હતો.
અલગ હિબ્રુ દેશ પણ બનાવ્યો
મોરિસે ‘હિબ્રુલૅન્ડ’ નામના અલગ હિબ્રુ દેશનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો, જેમાં ઈઝરાયલ, જોર્ડન, પેલેસ્ટાઈનને સમાવી લેવાયા હતા. ઉપરાંત સીરિયા અને સાઉદી અરેબિયાનો થોડો હિસ્સો પણ એમાં ઉમેરી દેવાયો હતો.
બાકીના દેશો આવા હતા
‘ન્યૂ વર્લ્ડ ઑર્ડર મેપ’ના પ્રાસ્તાવિક નકશામાં ડેન્માર્ક, નોર્વે અને સ્વીડનથી બનેલ ‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ સ્કેન્ડિનેવિયા’, ગ્રીસ અને આલ્બાનિયાથી બનેલ ‘ફેડરલ રિપબ્લિક ઑફ ગ્રીસ’ તથા આયર્લૅન્ડના વિવિધ પ્રાંતોનો બનેલ ‘આઈર’ (Éire) જેવા દેશો પણ દર્શાવવામાં આવ્યા હતા.
પરાજિત થયેલ દેશોનો પણ અલગ ઉલ્લેખ હતો
મિત્ર દેશો સામે લડી રહેલા જર્મની અને જાપાન જેવા દેશોને મોરિસે અલગ રીતે દેખાડ્યા હતા અને એમને ‘ક્વોરન્ટાઇન્ડ જર્મની’ અને ‘ક્વોરન્ટાઇન્ડ જાપાન’ જેવા નામ આપ્યા હતા.