ટ્રમ્પ વિજયી થશે તો વિવેક રામસ્વામી ઉપપ્રમુખ બનશે ? યુ.એસ.માં ઈન્ટરનેટ પર ચર્ચા ચાલે છે
- 2024ની ચૂંટણીનાં પડઘમ વાગે છે, ત્યારે વિસ્કોગ્ઝીનમાં યોજાયેલી રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પે રામસ્વામીની ભારોભાર પ્રશંસા કરી હતી
વોશિંગ્ટન : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે. ફરી એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાયડેન વચ્ચે રસાકસી જામવાની છે ત્યારે ટ્રમ્પના 'રનિંગ-મેઇટ' (સાથી) કોણ હશે તે અંગે ઈન્ટરનેટ પર સામેલ ચર્ચામાં વિવેક રામસ્વામીનું નામ ઉપપ્રમુખપદ માટે જોર પકડી રહ્યું છે.
સહજ છે કે વિશ્વની સૌથી પ્રબળ લશ્કરી અને આર્થિક સત્તાના પ્રમુખપદની ચૂંટણી ઉપર વિશ્વભરના બુદ્ધિજીવીઓની નજર મંડાઈ રહી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેઓના 'સાથી' તરીકે વિવેક રામસ્વામીને રાખશે તે લગભગ નિશ્ચિત બન્યું છે. ગઈ ચૂંટણીમાં ટ્રમ્પે તેમના રનિંગ મેટ તરીકે માઇક મેન્સને રાખ્યા હતા પરંતુ આ વખતે યુ.એસ.માં આવી વસેલાઓને પણ નજરમાં રાખી ટ્રમ્પ રામસ્વામીને પસંદ કરે તે વધુ શક્ય લાગે છે.
આ પૂર્વે માર્ચમાં ટ્રમ્પે જ તેઓના ઉપપ્રમુખ તરીકે વિવેક રામસ્વામીને પસંદ કરશે ? તે પ્રશ્નને જ ફગાવી દીધો હતો. પરંતુ હવે ચક્ર આગળ ચાલ્યું છે. ટ્રમ્પની ગણતરી સ્પષ્ટ બની ગઈ છે. વિસ્કોગ્ઝીનમાં યોજાયેલી રેલીમાં તેઓએ ખુલ્લી રીતે રામસ્વામીને તેમના રનિંગ મેઇટ તરીકે જાહેર કરતાં કહ્યું હતું કે, 'વિવેક એક તેજસ્વી વ્યક્તિ છે. તેનો વહીવટી બાબતો ઉપર પણ પૂરો કાબુ છે. હું જે કંઈ કહું છું તે તેએો પૂરૃં કરીને જ ઝંપે છે. તે વી.પી. તરીકે નહીં હોય તો પણ એક યા બીજી રીતે અમારી (રીપબ્લિકન્સ સાથે) જોડાયેલા રહેશે.'
વિવેક રામસ્વામીએ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિને બીરદાવતા તેઓએ યુ.એસ.ના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન સાથે સરખાવ્યા હતા.
ઈન્ટરનેટ પર ઘણાએ તે ગણતરીને બિરદાવી હતી. રામસ્વામીના પ્રવકતાએ પણ કહ્યું હતું કે આ અંગે ઘણી અને ઘણી ગણતરીઓ ચાલે છે. ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રેસમાં પણ તે વાત ચર્ચાઈ રહી છે પરંતુ હું તમોને ખાતરી પૂર્વક કહું છું કે જો આપણે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટી કાઢશું તો તેઓ તેમની 'અમેરિકા ફર્સ્ટ નીતિને વધુ ઉંચા સ્તરે લઈ જશે.'
એક યુઝરે તો ત્યાં સુધી કહ્યું હતું કે જો વિવેકને ટ્રમ્પ તેમના રનિંગ મેઇટ તરીકે રાખશે, તો જ હું તેઓને મત આપીશ.
ટૂંકમાં ભારતીય વંશના આ કરોડપતિ ધંધાદારી રામસ્વામી જો ટ્રમ્પ વિજયી થશે તો તેઓ અમેરિકાના ઉપપ્રમુખપદે નિશ્ચિત છે. અત્યારે પણ જો બાયડેનની સાથે ઉપપ્રમુખપદે ભારતીય વંશના કમલા હેરિસ જ છે.