ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોતતો પુતિન કિવમાં જઇને બેઠા હોત, યુક્રેન મુદ્વે ટ્રમ્પને હેરિસનો ટોણો
તાનાશાહ પુતિન ડોનાલ્ડ ટ્રમ્પને લંચમાં ખાઇ જાય તેવા છે
પ્રત્યત્તરમાં ટ્રમ્પે હેરિસને અમેરિકાના સૌથી ખરાબ ઉપ રાષ્ટ્રપતિ ગણાવ્યા
વોશિંગ્ટન,૧૧ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર
અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચુંટણીમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર કમલા હેરિસ અને રિપબ્લિકન ઉમેરદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જુદા જુદા મુદ્વાઓ પર ડિબેટ થઇ હતી. વિદેશનીતિ પરની ચર્ચામાં યુક્રેન યુધ્ધનો પણ મુદ્વો ઉખડયો હતો. કમલા હેરિસે ટ્રમ્પને ટોણો મારતા કહયું હતું કે જો તમે રાષ્ટ્રપતિ હોતતો પુતિન કિવ (યુક્રેનના પાટનગર) જઇને બેઠા હોત. તેમની (પુતિન) બાકીની નજર સમગ્ર યુરોપ પર મંડાયેલી હોત એટલું જ નહી પુતિને એક તાનાશાહ છે જે તમને લંચમાં ખાઇ ગયા હોત.
ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન મામલે રાષ્ટ્રપતિ જો બાયડેનની ટીકા કરી ત્યારે હેરિસે વળતો પ્રત્યુત્તર આપતા કહયું હતું કે તમે બાયડેન નહી મારી સામે ચુંટણી લડી રહયા છો. આપણે નાટો સાથીના આભારી છીએ કે આપ હવે રાષ્ટ્રપતિ નથી. ડિબેટમાં ટ્રમ્પે હેરિસને અમેરિકાના ઇતિહાસના સૌથી ખરાબ ઉપ રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા જે હુમલા પહેલા યુક્રેન અને રશિયા સાથે વાતચિત કરીને યુધ્ધ રોકવામાં નિષ્ફળ રહયા હોવાનો આરોપ મુકયો હતો.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતી લડાઇ અંગે ડોનાલ્ડ ટ્રમ્પને પુછવામાં આવતા શું તમે એવું ઇચ્છોશો કે યુદ્ધ યુક્રેન જીતી જાય ? ટ્રમ્પે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે હું યુધ્ધ અટકી જાય તેમ ઇચ્છુ છું. પૂર્વ રાષ્ટ્રપતિએ યુક્રેન યુધ્ધના અમેરિકા પરના ભારણની વાત કરી હતી. અમેરિકાની સરખામણીમાં યુરોપ ખૂબજ ઓછું આર્થિક યોગદાન આપે છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેંસ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બંનેને સારી રીતે જાણું છું. ગાજા યુદ્ધના સવાલ પર ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો પોતે રાષ્ટ્રપતિ હોતતો કયારેય સંઘર્ષ જ શરુ થયો હોત નહી.
હેરિસ પર ઇઝરાયેલને નફરત કરવાનો પણ આરોપ મુક્યો હતો. જો હેરિસ રાષ્ટ્રપતિ બનશે તો બે વર્ષ પછી ઇઝરાયેલનું અસ્તિત્વ જ રહેવા દેશે નહી. અરબસ્તાનના લોકો પણ હેરિસને ગમતા નથી. ટ્રમ્પે ગાજા યુધ્ધનો ઝડપથી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. કમલા હેરિસે અફઘાનિસ્તાન અંગે ટ્રમ્પ પર તાલિબાનને આમંત્રણ આપવાનો આરોપ મુકયો હતો. ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે તાલિબાન હત્યાઓ કરી રહયા હતા આથી તેમની સાથે જોડાવું પડયું હતું. જો પોતે રાષ્ટ્રપતિ હોતતો અમેરિકી નાગરિક કે સૈન્ય ઉપકરણ અફઘાનિસ્તાનમાં પડયા રહયા હોત નહી.
આ બરબાદી માટે બાયડેન પ્રશાસનનો જ વાંક છે. બંને ઉમેદવાર પ્રથમવાર ડિબેટમાં આમને સામને આવ્યા હતા. આ એક એવી રાજકીય ચર્ચા જેમાં બંને વચ્ચેના મતભેદો બહાર આવ્યા હતા. પ્રેશિડેન્સિયલ ડિબેટનું આયોજન એબીસી ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. વર્લ્ડ ન્યૂઝ ટુનાઇટના એંકર અને મેનેજિંગ એડિટર ડેવિડ મુઇર અને એબીસી ન્યૂઝ પ્રાઇમની એન્કર લિંસે ડેવિસે ડિબેટનું સંચાલન કર્યુ હતું.