ટ્રમ્પ જો ઓવલ ઓફીસમાં બેસશે તો પહેલા દિવસે જ શત્રુઓની યાદી લઇ ચેર ઉપર બેસશે
- કમલાના ટ્રમ્પ પર પ્રહારો : પોતાની વાત કરી
- હું જો ચૂંટાઈશ તો, આપણે શું કરવું જોઇએ ? આપણી પ્રાથમિકતાઓ શી હશે ? તેની યાદી લઇ ચેર પર બેસીશ
વૉશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી આડે હવે છેલ્લા છ દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રચાર યુદ્ધ તીવ્રતમ બનતું જાય છે. અહીંના એલિપ્સો વિસ્તારમાં આપેલાં એક પ્રવચનમાં ઉપપ્રમુખ કમલા હેરિસે પોતાના પ્રતિસ્પર્ધી ડૉનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પડકાર ફેંક્યો હતો અને અસામાન્ય પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું કે પૂર્વ પ્રમુખે (ટ્રમ્પે) તેઓના અનુયાયીઓને ફાઈટ લાઈક હેલ (ભયંકર યુદ્ધ આપવા) જણાવ્યું છે. પરંતુ તેઓ જીવનને વધુ સારૃં બનાવવા તો કશું કહ્યું જ નથી. ખુન્નસ ભર્યું યુદ્ધ તો દેશને અંધાધૂધીમાં લઇ જશે. વિભાજન તરફ લઇ જશે. આવું થવા ન દેશો. તેઓએ ટ્રમ્પ ઉપર પ્રહારો કરતાં કહ્યું હતું કે હવે થોડા દિવસ બાકી રહ્યા છે. ટ્રમ્પ કે હું બેમાંથી એક ઑવલ ઓફીસમાં બેસીએ તે આડે ૯૦થી પણ ઓછા દિવસ બાકી રહ્યા છે. (નવા પ્રમુખ ૨૦ જાન્યુ. એ ચેર ઉપર બેસે છે.
ટ્રમ્પ જો ચૂંટાશે તો પહેલા જ દિવસે શત્રુઓની યાદી સાથે લઇને ચેટ ઉપર બેસશે. પરંતુ જો હું ચૂંટાઈશ તો આપણે શું કરવું જોઇએ ? આપણી પ્રાથમિકતાઓ શી છે ? તેની યાદી લઇને ચેર પર બેસીશ. સાથે અમેરિકાના લોકોએ શું કરવું જોઇએ અને મારે તેઓ માટે શું કરવું જોઇએ તેની યાદી લઇ હું ઓવલ ઓફીસમાં બેસીશ.
વૉશિંગ્ટન, (ડીસી)મા આ વિસ્તારમાં કમલાએ આપેલાં આ વક્તવ્યમાં ૭૫,૦૦૦ જેટલા લોકો ઉપસ્થિત હતા. વક્તવ્ય દરમિયાન અનેકોએ તેઓને તાળીઓનાં ગગડાટથી વધાવી લીધાં હતાં. પોતાનાં વક્તવ્યમાં ટ્રમ્પ પર પ્રહારો કરતાં કહ્યું કે રાષ્ટ્ર દરેક અમેરિકન્સની મુક્તિના આધારે ઊભો છે, જો તેમાં વિભાજન થશે તો તે ભાંગી પડશે. તમારે પસંદગી કરવાની છે, દેશને એક અને અનિરૂદ્ધ (મજબૂત) રાખવા માગો છે કે દેશને વિભાજિત કરવા માગો છો ? હેરિસના આ શબ્દોને સૌએ તાળીઓના ગગડાટથી વધાવ્યા હતા. તેઓએ મધ્યમ વર્ગને પણ સતત સહાયભૂત રહેવાની અને વસાહતીઓ પ્રત્યે ઉદાર વલણ રાખવાની પણ વાત કરી હતી.
હેરિસનાં આ વક્તવ્યથી પ્રભાવિત થયેલા એક નેટિઝને લખ્યું મેડમ પ્રેસિડેન્ટ અમે ઇતિહાસનું પૃષ્ટ બદલીશું. (કમલાએ એક સમયે ઇતિહાસનું પૃષ્ટ બદલવાનું એલાન આપ્યું હતું) આમ મોટા ભાગના અમેરિકન્સ કમલાનો હેરિસ તરફે વળ્યા છે તેમ લાગે છે. કેટલાક તો વાઇસ પ્રેસિડેન્ટને અત્યારથી મેડમ પ્રેસિડેન્ટ કહે છે.